ગેરહાજરી, સ્થળાંતર અને મૃત્યુના કારણે 21 ટકાથી વધુ મતદારોના નામો બાકાત થવાની શક્યતા, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
મુંબઇ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) દરમિયાન, સોમવારે જાહેર કરાયેલા ડેટા મુજબ બે કરોડથી વધુ ફોર્મ જમા થઇ શક્યા નથી, કારણ કે આ મતદારો કાં તો ગેરહાજર હતા, મૃત્યુ પામ્યા છે અથવા તો અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ગયા છે.
એનસીપી (એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને મતદાર યાદીમાંથી બે કરોડથી વધુ નામો બાકાત કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં એસઆઇઆરની ગણતરીનો આ તબક્કો ૩૦ જૂનથી શરૂ થયો હતો.
આજે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં ૯,૭૮,૫૪,૦૪૯ મતદારો છે, તેમાંથી ૭,૬૯,૫૨,૨૬૨ મતદારો, એટલે કે ૭૮.૬૪ ટકાના ગણતરી ફોર્મનું ડિજિટાઈઝેશન થઈ ચૂક્યું છે, જ્યારે ૨,૦૭,૯૩,૯૧૬ મતદારો, એટલે કે ૨૧.૨૫ ટકા ના ફોર્મ જમા થઈ શક્યા નથી.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે એસઆઇઆર ડિજિટાઇઝેશનનું કામ ૯૯.૮૯ ટકા પૂર્ણ થયું હતું, જેમાં રાજ્યભરમાં ૧,૦૦,૨૫૩ બૂથ-સ્તરના અધિકારીઓ તૈનાત હતા. મહારાષ્ટ્રના ૩૬ જિલ્લાઓમાંથી 14 જિલ્લાઓએ એસઆઇઆરનું ૧૦૦ ટકા કામ પૂર્ણ કરી લીધું છે, જ્યારે મુંબઈના બે જિલ્લાઓએ લગભગ ૯૯ ટકા કામ પૂર્ણ કર્યું છે. અંતિમ આંકડા સોમવાર મોડી સાંજ અથવા મંગળવાર સુધીમાં આવવાની અપેક્ષા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
રોહિત પવારે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામો બાકાત રાખવા માટેના આધાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જે મતદારોની માહિતી અપૂર્ણ હતી અથવા જેમના નામોમાં ફેરફાર થયો હતો, તેમની ચકાસણી બાદ આ આંકડો હજુ પણ વધી શકે છે.
બાકાત રાખવામાં આવેલા નામોમાંથી આશરે ૩૪ લાખ મતદારોને મૃત્યુ પામેલા દર્શાવાયા છે, ૭૬ લાખ ઘરોનો સંપર્ક થઈ શક્યો નથી અને ૭૭ લાખ મતદારો કાયમી ધોરણે અન્ય સરનામે સ્થળાંતરિત થઈ ગયા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લગભગ બે લાખ લોકોએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.