Mon Sep 07 2026

Logo

ભિવંડીમાં 84 એલપીજી સિલિન્ડર જપ્ત: ગેરકાયદે સંગ્રહ બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ...

2026-03-16 18:49:50
Author: Yogesh D. Patel
ભિવંડીમાં 84 એલપીજી સિલિન્ડર જપ્ત: ગેરકાયદે સંગ્રહ બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ...

થાણે: ગેસની સાર્વત્રિક અછત વચ્ચે ભિવંડીના ખાનગી પરિસરમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા 2.22 લાખ રૂપિયાના 84 એલપીજી ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે એસેન્શિયલ 
કોમોડિટી એક્ટ હેઠળ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

ઇરાન યુદ્ધને પગલે સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને ઘરેલું ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે વધારાયેલી નિગરાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારે વારંવાર એલપીજી ગેસ સિલિન્ડરની અછતના અહેવાલોને નકારી કાઢ્યા છે. જોકે ઘણી જગ્યાએ સિલિન્ડર ખરીદવા લોકો લાંબી લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.

થાણેમાં પીડીએસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ વાલગાંવ વિસ્તારમાં વર્ધમાન કંપાઉન્ડ ખાતે 14 માર્ચે રેઇડ પાડી હતી, જ્યાં જરૂરી પરવાનગી વિના વેચાણ માટે એલપીજી ગેસ સિલિન્ડર સંગ્રહ કરી રાખવામાં આવ્યા હતા. 

અધિકારીએ જણાવ્યું હતું કે 84માંથી 34 સિલિન્ડર ભરેલા હતા અને બાકીના ખાલી હતા. જપ્ત કરાયેલા સિલિન્ડરની કિંમત 2.22 લાખ રૂપિયા થાય છે. પોલીસે ગેસ સિલિન્ડર વહન કરવા માટે વાપરવામાં આવી રહેલા ત્રણ ટેમ્પો અને બે સ્કૂટર પણ જપ્ત કર્યા હતા.

દરમિયાન આ પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ એસેન્શિયલ કોમોડિટી એક્ટ અને એલપીજી રેગ્યુલેશન એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)

વધુ જુઓ...