Mon Aug 24 2026

Logo

મોજની ખોજઃ બાટલી ચડી જાય ને બાટલો ચડાવવો પડે...

2026-03-24 08:15:16
Author: સુભાષ ઠાકર
Article Image

સુભાષ ઠાકર

ગઈકાલે રાત્રે લગભગ 11.30 વાગે એનો ફોન આવ્યો
‘હેલ્લો કેમ છો?’
‘સારું છે’
‘હજી સુધી સુતા નથી?’
‘ના ઊંઘ નથી આવતી’

‘મને પણ... એક વાત કઉં? કાલે તમે પાર્ટીમાં શું લાગતા હતા બાકી... બહુ જ હેન્ડસમ. ધ્યાન રાખજો કોઈની 
નજર... કોઈની શું મારી જ નજર ન લાગે...’
‘થેંક્યું’ મુકરી જેવા ચહેરામાં પણ હું હેન્ડસમ? હું ફુલાયો

‘આ ઉંમરે પણ તમે એટલા જ સુંદર લાગો છો’
‘સાચ્ચેજ?’ મારા અંતરમાં 547 રોમેન્ટિક ઘંટડીઓ વાગી
‘ખોટું બોલી મારે નરકમાં નથી જવું. એવું હોય તો મારી બાને પૂછી જુઓ, બસ?’
‘અચ્છા’

‘આજે કોઈ ઘરમાં નહોતું ને મને તમારી સાથે વાત કરવાનું મન થયું. ગમ્યુ?’ એ બોલી. 
મારા હૈયામાં 747 રોમેન્ટિક દીવડા પ્રગટ્યા
‘તમને એક વાત કરવી છે’ સંકોચ સાથે એ બોલી :
 ‘હું કંઈ માગું તો તમે ઇનકાર તો નઈ કરોને?’

‘ના, બોલો તમારે શું જોઈએ છે?’ હૃદયમાં પ્રેમની ભરતી આવી
‘ખાઓ મારી સોગંદ.’
‘તમારી કસમ બસ ... હવે જલદી બોલો આમ તલસાવો કે તડપાવો નઈ.’

‘થેંક યુ ડિયર...પણ થોડી શરમ આવે છે.’
‘અરે બેશરમ થઇ...’
‘હે’ એ ચમકી

‘આઈ મીન...શરમ રાખ્યા વગર ખોલીને બોલો.’
એ જરા ખચકાતા ખચકાતા બોલી ‘પ્લીઝ ત...ત..તમારી પાસે એક્સ્ટ્રા ગેસ સિલિન્ડર છે?’

બાપરે. આ તો મારી કલ્પનાનું પોપટ થઈ ગયું... મેં તુર્તજ 100 ગાળ ટ્રમ્પને ને 200 ગાળ ખામેનેઈને આપી ફોન પછાડ્યો. ત્યાં ચંપકલાલનો વોટ્સએપ આવ્યો : 

‘વહાલા ઠાકર, તમને વોટ્સએપમાં લગ્નની કંકોતરી મોકલતા મોકલાઈ ગઈ...પણ યુ નો, કે જોતજોતામાં અચાનક પેટના ગેસની સમસ્યા રસોડાના ગેસ સુધી પહોંચી ગઈ. પેટનો ગેસ નીકળતો નથી ને રસોડામાં ગેસ આવતો નથી. ખેર, ગેસની અછત હોવા છતાં આપણે લગ્ન કેન્સલ નથી કર્યા.

ફક્ત ગેસસિલિન્ડરની અછત હોવાથી ભોજન સંભારંભ રદ કર્યો છે. ઠાકર, મહત્ત્વની વાત એ છે કે બાટલી હોય તો ચડી જાય પણ બાટલો ચડાવવો પડે પણ હવે તો ચડાવવા માટે બાટલો નથી. ગીફ્ટ-  ચાંદલો સ્વીકારવામાં આવશે, પણ ગેસસિલિન્ડરના બાટલાની ભેટને પહેલી પસંદગી આપવામાં આવશે. આપ સૌ સમયસર પધારી નવયુગલને આશીર્વાદ આપી શુદ્ધ જળ પી અમને અનુગ્રહિત કરશો. રમણલાલને પણ આ મેસેજ મોકલ્યો છે. અગવડ બદલ ક્ષમા યાચના અને આભાર... આવશોને?

આપ સૌનો વહાલો ચંપકલાલ પરિવાર...’
મેં તુર્તજ વળતો રીપ્લાય કર્યો : 
‘આભાર, પણ ક્ષમા કે આભારની જરૂર નહોતી તમે સાચા છો સમય સમયનો ખેલ છે. યાદ છે? 2016માં એ વખતે અમારા ત્યાં લગ્ન રાખેલા ત્યારે અમારા બહુ મહેમાનો હતા ગેસ પણ હતો પણ નોટબંધીના કારણે કેશ નહોતા એટલે લગ્ન કેન્સલ કરેલા પછી 2022માં રાખવાનું નક્કી કર્યું. કેશ પણ હતા ને ગેસ પણ હતો પણ કોરોનાને કારણે લોકો નહોતા આવી શકવાના એટલે ફરી કેન્સલ. આ વર્ષે લોકોએ આવવાની હા પાડી, કેશ પણ છે પણ હવે ગેસ નથી. અમે રમણલાલ સાથે આવશું પણ એમની કાર ગેસથી ચાલે છે. એમને જો સિલિન્ડર મળ્યુ તો ચોક્કસ આવશું. પણ તમે તમારો કાર્યક્રમ ચાલુ રાખશો.’

બીજા દિવસે માણસમાંથી પેટ્રોલીયમ મંત્રી બનેલા રમણલાલ સાથે હું અને ચંબુ એમની કારમાં લગ્નમાં જવા નીકળ્યા. પણ અધવચ્ચે રસ્તામાં ગેસ ખલાસ. હવે?

રમણલાલ બોલ્યા: ‘ચંબુ, ગામ નજીક છે, ભૂતકાળમાં વોટ માગવા નીકળતા એમ પેટ્રોલ માગવા નીકળ. ન આપે તો મારું નામ દેવાનું કહેવાનું કે રમણલાલનું પેટ્રોલ આઈ મીન એમની કારનું પેટ્રોલ ખલાસ થઇ ગયું છે.’

‘ઓકે સાહેબ’ બોલી આ ચંબુડો ઉપડ્યો તો ખરો પણ કોઈએ ગેસ કે પેટ્રોલ ન આપ્યું ને બોલ્યા ‘રમણલાલ માટે અમે ના પાડીએ? અમારે ગામમાં રહેવું છે પણ અહીં અમારે તો નળમાં પાણીનું ટીપું નથી આવતું તો પેટ્રોલ તો...’ આટલું બોલી ગામવાળા એમનાં મંગલ મંદિરના દ્વાર બંધ કરી દીધા ને ઉતરેલા ચહેરે ચંબુ થયો રીટર્ન. ને રમણલાલ બગડ્યા : 

‘અરે પેટ્રોલ કે ગેસ વગર ધોયેલા મૂળા જેવો પાછો? તે મારું નામ નઈ દીધું હોય.’
‘અરે હોય શેઠ. મેં કીધું કે રમણલાલે આખા ગામનું કરી નાખ્યું.’
‘હે...’ રમણલાલનો ચહેરો તરડાયો

‘સોરી. આખા ગામ માટે શું શું નથી કર્યું. આ વર્ષે નળ ને આવતા વર્ષે પાણીનું વચન આપ્યું ... આ વર્ષે બ્રીજ ને આવતા વર્ષે નદી બનાવી(!) આપવાનું...’
‘ચિંતા ન કરો શેઠ, આ ચંબુડાને બુદ્ધિ ઉછીની આપવી પડે. ચાલો હું ટ્રાય કરું’ એટલું બોલી હું ઉપડ્યો ને બે કલાકમાં તો બે મોટા ટ્રંક પેટ્રોલ ને બે મોટા ગેસ સિલિન્ડર 

હાજર... 
‘વાહ વાહ મારા સુભાષીયા’ રમણલાલ ખુશ થઈ બોલ્યા ‘મને સમજાવ તો ખરા આટલી તંગીમાં આટલું પેટ્રોલ ને ગેસના સિલિન્ડર..’

‘અરે શેઠ. તમે મમમમથી કામ રાખોને ટપટપનું શું કામ છે? ગામવાળા તો હજી આપવા તૈયાર હતાં મેં કીધુ જરૂર પડશે તો જરૂર આવીશ ને ગામવાળા તો રાજી થતા બોલ્યા ‘મુંઝાતો નઈ ગેસની તંગીમાં પણ આવા સત્કાર્ય માટે પાછા નઈ પડીએ અમારો સંપૂર્ણ સહકાર છે.’

‘પણ તારી વાણીમાં એવો તે કેવો જાદુ હતો કે...’
‘શેઠ, થોડું ભેજુ દોડાવવું પડે. ગુસ્સો ને દુખ ન થાય તો કઉં...’ 
‘અલ્યા ડોબા, તે આટલું સરસ કામ કર્યું ને હું ગુસ્સે થતો હોઈશ.’

‘તો સાંભળો શેઠ,ગામમાં જઈ બધાને કીધું આ ઈઝરાયલ-અમેરિકા ને ઈરાનના યુદ્ધમાં આપણા નેતા રમણલાલગુજરી ગયા છે. એમની લાશ આવી રહી છે. પણ લાશને બાળવા માટે પેટ્રોલ જોઈએ છે. તમારી પાસે ગેસસિલિન્ડર હશે તો પણ ચાલશે. તમે જ બોલો શેઠ, કોઈ ઇનકાર કરે?’
બોલો, શું કહો છો?