અરવિંદ વેકરિયા
દિન્યાર કોન્ટ્રાકટરનો ગુસ્સો જોઈને હું તો પહેલાં હેબતાઈ જ ગયો. એ ગુસ્સે થાય એ પણ સહજ હતું, કારણ એમણે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં કેટલી મહેનત લીધી હશે. ‘વિકટિમ’ નાટકનાં રાઈટ્સ મેં લીધાં છે. તું કરીશ તો લંડન રહેતો મારો ભાઈ કેસ કરશે તો તારે ભારે નુકળાની વેઠવી પડશે.
આ વાક્ય એમણે એટલાં ગુસ્સામાં કહેલું કે વિકલ્પ શોધવાને બદલે એક તાનાશાહી જ મને લાગી. વાક્યમાં બાળી નાંખે એવી આગ હતી. આ કદાચ ઘવાયેલો અહમ્ જોર કરી બહાર નીકળ્યો હશે. ‘અહમ્ કે અહંકાર’ અમુક સમયે માણસે ત્યજી દેવાં જોઈએ, પણ અમુક સંજોગો એવા બને કે ફાટતાં હશે. મને ઘણીવાર થાય કે પાણીનાં ટપકાં જેવું જીવન પણ અહંકાર સાગરથી પણ મોટો? મારામાં વડીલ દીનશું સામે ‘કાંતિ મડીયા પાસે જઈએ, લેટ હીમ ડીસાઈડ’ કહેવાની હિંમત ક્યાંથી આવી એ મને પોતાને ખબર ન પડી. કહે છે આંખો ગમે તેટલી નાની હોય પણ તાકાત એની આકાશ જોવાની હોય છે. કદાચ એ જ કારણે મારાથી બોલાય ગયું અને ‘ખોદાયજી’ની મહેરબાની કે દીનશું એગ્રી થઈ ગયા.
અમે બંને પહોંચ્યા કાંતિ મડિયા પાસે અને માંડીને આ ‘ડબ્બલ-ટ્રબલ’ની વાત કરી. દીનશું હજી પણ ગુસ્સામાં જ હતાં. મડિયાએ એમને શાંત રહેવા કહ્યું પછી વાત માંડી. મડિયાનું વજન જ એવું પડતું કે ભલભલાં એક વાર તો શાંત થઈ જ જાય.
મડિયાએ શરૂ કર્યું, ‘જો દીનશું... તું આ જાડિયાને ખોટો ડરાવ નહિ. તારાં ભાઈ પાસે ‘વિકટિમ’નાં કોઈ રાઈટ્સ નથી. આ જાડિયાએ તને ચોખ્ખું કહી દીધુંને કે મેં જાણી જોઇને તો કર્યું નથી. એણે એ પણ કહ્યું કે સારું છે કે રિહર્સલનાં સ્ટેજ પર ખબર પડી ગઈ, ઈટ મીન્સ એનાં મનમાં પાપ તો નહોતું, અને ખબર હોત તો એ કાં તો આપણી સાથે ક્લિયર કરત અથવા નાટક જ ન કરત, બરાબર?’
‘બરાબર તો ઠીક, પણ પ્રવીણભાઈ (સોલંકી)ની આટલી મહેનત, એમની સાથે તમારી પણ મહેનત અને સ્ક્રીપ્ટ સાઈકલોસ્ટાઈલનાં બધાં ખર્ચા તો થયાં છે ને?’ દિન્યાર બોલ્યાં.
એ ખર્ચા એમને પણ થયાં છે ને? એટલે બંનેને થયાં છે. ભલે એની રીતની, મહેનત એણે પણ કરી છે ને? મડિયા બોલ્યા.
પ્રવીણભાઈએ વચ્ચે ટાપસી પૂરતા કહ્યું, ‘દીનશું, ગુસ્સે થવાથી કઈ નહિ વળે. મડિયાને રસ્તો કાઢવા દે, ખોટો દંભ કરવો બંધ કર. આ અહમ્ બેકાર વસ્તુ છે. જીવન હંમેશાં અહમ્ અને લાગણી વચ્ચે રહેલું છે. તફાવત ફક્ત એટલો છે કે લાગણી કહે છે હું માફી માગી લઉં અને અહમ્ કહે છે તે મારી માફી માગે. આ ખોટું છે. દાદુ શાંત મને બેઠો છે તો તું પણ શાંત રહે અને મડિયાને નિર્ણય લેવાં દે’.
પ્રવીણભાઈની અલંકારીક ભાષા દીનશુંને કેટલી સમજાણી એ ખબર નથી પણ એ શાંત થઈ ગયાં.
કાંતિભાઈએ ફરી વાત શરૂ કરી. ‘જાડિયા, તને આ ‘વિકટિમ’ બુક ક્યાંથી મળી?.’
મેં કહ્યું કે, ‘દિનકર જાની મારી સનત અને ડેઇઝી સાથે આ નાટક કરવાનાં હતાં પણ ડેઇઝી સિંગાપોર ગઈ એમાં આ નાટક શક્ય ન બન્યું. હું નિયમિત નાટકો ડીરેક્ટ કરતો હતો એટલે જાનીએ એ બુક મને આપી અને કહ્યું કે ભવિષ્યમાં તારે કરવું હોય તો કરજે. માત્ર ત્રણ પાત્રો છે એટલે જાજી કડાકૂટ નથી’.
મડિયા બોલ્યા, ‘અચ્છા, તો તને દિનકર જાનીએ બુક આપી, પછી?’.
મેં કહ્યું ‘મારાથી તરત એ નાટક ન થયું એટલે એ બુક મેં સાચવી રાખેલ.’ મડિયા કહે,‘અને અચાનક બહાર કાઢી?’
મેં કહ્યું, ‘ના. મારું એક નાટક મુળરાજ રાજડા લખતાં હતાં પણ તેમનાં ગુજરાતી ફિલ્મોની વ્યસ્તતાને કારણે તે પૂરું ન કરી શક્યાં.’
મડિયા શાંતિથી સાંભળી રહ્યાં હતાં, મેં વાત આગળ ચલાવી કે, ‘નિર્માતા ફિલ્મ લાઈનનો મળ્યો. રામ કુમાર બોહરાનો પુત્ર,મહેન્દ્ર બોહરા જે મુળુભાએ જ શોધી આપ્યો.’
મડિયા કહે, ‘અત્યારે એનું જ નાટક કરે છે.?’ મેં કહ્યું, ‘હા. મુળુભા પૂરું નાટક લખી ન શક્યા. મને કહે નાટક માટે વિચારવાનો સમય નથી.’
મડિયા કહે, આખી વાતમાં આ ‘વિકટિમ’ ક્યાંથી આવી?’ મેં કહ્યું કે, ‘મુળુભાએ કહ્યું કે તારી પાસે કોઈ ઈંગ્લિશ બુક હોય તો એનાં પરથી ગુજરાતીકરણ કરવું મારે માટે સહેલું પડશે અને મને વિકટિમ યાદ આવી અને મેં એમને આપી. રાજેન્દ્ર શુકલની સલાહ લીધી તો એણે કહ્યું કે માત્ર ત્રણ પાત્રોમાં નાટક કદાચ વરબોસ થવાની શક્યતા છે.
રિલીફ માટે બે પાત્ર આપણે ઉમેરીએ તો કદાચ વાંધો ન આવે. કાંતિભાઈ, તમે તો જાણો છો કે આ એક થ્રીલર છે જેમાં રિલીફ ઓછી છે. ઓફકોર્સ, પ્રવીણભાઈએ પોતાની કાબેલિયતથી અને તમારાં માર્ગદર્શનથી, જરૂર સારું જ લખ્યું હશે. અમે તો મિથુન, ગરીબના અમિતાભ. રાજેન્દ્રએ બે પાત્રો ઉમેરી એની રીતે તૈયાર કરી આપ્યું.
મૂળ વાત એ કે જનક ટોપરાણી ત્યારે હટીને નાટક કરતો હતો. મને કહે કોઈ સ્ક્રીપ્ટ હોય તો સજેસ્ટ કરજે દાદુ! મેં વિકટિમ એને આપી એ શરતે કે એ હિન્દી/ઈંગ્લિશમાં કરે પણ ગુજરાતીમાં તો હું જ કરીશ. ત્યારે કલ્પના પણ નહોતી કે આ દિવસ આવશે અને મારે કરવું પડશે.’
મડિયા કહે ‘દીનશું તારી પાસે આ બુક ક્યાંથી આવી?’
‘મને જનક ટોપરાણીએ જ આપી હતી.’ દીનશુંએ કબૂલ કર્યું. મડિયા બોલ્યા, ‘તો બસ, મૂળ તો સ્ક્રીપ્ટ જાડિયાની જ કહેવાય. એણે જનકને આપી અને જનકે તને આપી એટલે મૂળ હક આ જાડિયાનો. આ નાટક એને જ કરવા દેવું જોઈએ.’
મડિયાએ નિર્ણય જાહેર કર્યો. ત્યાં ચા-વાળો ચા લઇ આવ્યો અને પૂછ્યું,‘આ ચા ક્યાં મુકું?’ સાઈકલોસ્ટાઈલ સ્ક્રીપ્ટનો ઢગલો બતાવતાં દીનશું બોલ્યાં.
આનાં ઉપર જ મૂક આ નાટક હવે થવાનું નથી.
પરિણીત પુરુષોને કોઈ ‘લાઈફ સ્ટાઈલ’ નથી હોતી, તે બધા વાઈફ સ્ટાઈલથી જીવે છે.