Sat May 30 2026

Logo

અધિક માસની પૂનમે દ્વારકા જગતમંદિરમાં વિશેષ ઉત્સવ, દર્શન કરવા જતા પહેલાં નોંધી લો આ નવો સમય

2026-05-30 22:04:00
Author: Devayat Khatana
Article Image

દ્વારકા: હાલ ચાલી રહેલા અધિક માસનું ખૂબ જ ધાર્મિક માહાત્મ્ય રહેલું છે. ત્યારે આવતીકાલે 31મીએ અધિક માસની પૂર્ણિમા હોઇ શ્રી દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  અધિક માસની પૂર્ણિમાના દિવસે દર્શનની શરૂઆત વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી થશે તેમજ શૃંગાર, ગ્વાલ ભોગ અને રાજભોગના દર્શનનો લાભ મળશે. 

શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકાની વહીવટદાર કચેરી દ્વારા આગામી તારીખ 31 મે, રવિવારના રોજ આવતી અધિક જેઠ સુદ પૂનમ નિમિત્તે દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાશે, જેને ધ્યાનમાં રાખીને મંદીરના દર્શનનો વિશેષ ક્રમ ગોઠવવામાં આવ્યો છે. જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર, દર્શનની શરૂઆત વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતીથી થશે અને 8  વાગ્યા સુધી ભક્તો મંગળા દર્શન કરી શકશે. 

સવારે 8 થી 9:15  સુધી ભગવાનના અભિષેક માટે દર્શન બંધ રહેશે. ત્યારબાદ, સવારે 10 થી 10:30  દરમિયાન શૃંગાર દર્શન અને 10:45 વાગ્યે શૃંગાર આરતી યોજાશે. બપોરે 12 થી 12:30 સુધી રાજભોગ માટે દર્શન બંધ રાખ્યા બાદ બપોરે 1 વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. સાંજના દર્શન અને નિત્યક્રમ રાબેતા મુજબ જ રહેશે, જેમાં ઉત્સવ દર્શનનો લ્હાવો ભક્તોને સાંજના સમયે મળશે. 

વધુમાં, જે ભક્તો રૂબરૂ દર્શન કરવા ન પહોંચી શકે તેમના માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો પત્રમાં આપેલા QR કોડને સ્કેન કરીને મંદિરના ઓફિશિયલ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘરે બેઠા દર્શનનો લાભ મેળવી શકશે.