Wed Jun 03 2026

Logo

સુરતમાં વોટ્સએપ પર જાહેરાત ભારે પડી: ₹1 કરોડમાં દીપડાનું ચામડું વેચવા જતા બે ઝડપાયા

2026-06-03 14:56:05
Author: Mayur Patel
Article Image

સુરત: પર્યાવરણની જાળવણી માટે એક તરફ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરતનાં ઝાંપાબજાર વિસ્તારમાંથી દીપડાની ચામડા સાથે બે વ્યક્તિઓ ઝડપાયા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરતના ઝાંપાબજાર વિસ્તારમાં રહેતા અબ્બાસ સબ્બીર બદરી અને હુસેન હુનેદ મોઈની ને શહેરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની દીપડાનું ચામડું મળી આવ્યું હતું.

મળતી વિગત પ્રમાણે, આરોપીએ, બદ્રી અબ્બાસ નામના એક વ્યક્તિએ વોટ્સએપ ગ્રુપમાં દીપડાના અસલી ચામડાના ફોટા મૂકીને તેને વેચવાની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર નજર રાખતી ડીઆરઆઈ (DRI) ની ટીમની નજરમાં આ વાત આવી હતી. જે બાદ DRI ના અધિકારીઓએ ગ્રાહક બનીને બદ્રીનો સંપર્ક કર્યો હતો. કોઈને શંકા ન જાય તે રીતે વાતચીત કરીને છેવટે દીપડાના ચામડાની કિંમત ₹1 કરોડ નક્કી કરવામાં આવી હતી.

આ સોદો પૂરો કરવા માટે બદ્રીએ સુરત સ્ટેશન રોડ પર આવેલી હોટલ અલંકાર પસંદ કરવામાં આવી હતી. તે હોટલના રૂમ નંબર 203 માં એક ટ્રોલી બેગમાં દીપડાનું ચામડું છુપાવીને પહોંચ્યો હતો. બદ્રી જેને ગ્રાહક સમજી રહ્યો હતો તે વાસ્તવમાં DRI ના અધિકારીઓ જ હતા. બદ્રી જેવો રૂમમાં આવ્યો અને સોદો કરવા ગયો, ત્યારે જ અધિકારીઓએ દરોડો પાડીને તેને રંગેહાથ પકડી લીધો. તેની બેગમાંથી દીપડાનું ગેરકાયદેસર ચામડું જપ્ત કરવામાં આવ્યું હતું.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપડાનું ચામડું જોતા બે મહિનાની અંદર દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોઈ શકે છે. ઉપરાંત ચામડાની સપાટી પર ગોળી વાગ્યાના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત જે રીતે ચામડાનું કટિંગ કરવામાં આવ્યું છે તે જોતાં પ્રોફેશનલ વ્યક્તિ જ આ કરી શકે તેવું લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાતના વન વિભાગે કીડીખાઉંની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. મહારાષ્ટ્રના નાગપુરના જંગલમાંથી કીડીખાંઉની તસ્કરી થતી હોવાનું સામે આવ્યું હતું. 20 એપ્રિલે વન વિભાગ દ્વારા સેવાલિયા જૂની ચેક પોસ્ટ ખાતે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. આ સમયે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર અટકાવી હતી. ગાડીની ડેકીમાં તપાસ કરતાં ટ્રોલી બેગમાંથી શિડ્યૂલ-1માં આવતું કીડીખાઉં મળી આવ્યું હતું.