બીડ: લાતુર જિલ્લાની મહિલાને અલગ-અલગ પુરુષો સાથે લગ્ન કરવા માટે દબાણ કરીને કમિશન પેટે લાખો રૂપિયા કમાનારા ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી.
આષ્ટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શરદ ભુતેકરે કહ્યું હતું કે લાતુર જિલ્લાના કાનડી (બુદ્રુક) ગામમાં ચોથા લગ્ન માટે દબાણ કરવામાં આવતાં પીડિતાએ શુક્રવારે સાંજે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસે આ પ્રકરણે તુળજાપુર અને પુણેથી મહિલા, તેના પતિ સહિત ચાર જણની ધરપકડ કરી હતી. પકડાયેલી મહિલા સોદા કરતી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.પતિ દ્વારા અપાતા ત્રાસને કારણે પીડિતા છેલ્લાં બે વર્ષથી લાતુર જિલ્લામાં પોતાનાં માતા-પિતા સાથે રહેતી હતી. આ સમયગાળામાં તે લાતુરમાં રહેતી મહિલાના સંપર્કમાં આવી હતી, જેણે બાદમાં પીડિતાની મુલાકાત પુણેના હડપસરમાં રહેતી બીજી મહિલા સાથે કરાવી હતી અને તેણે પીડિતાના લગ્ન ગોઠવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
પીડિતાના બીજા લગ્ન કરાવી આપવાનું કહીંને તેને પુણે લઇ જવામાં આવી હતી, જ્યાં કાત્રજ વિસ્તારના શખસ સાથે લગ્ન કરવા માટે તેના પર દબાણ કરાયું હતું. શખસ પાસેથી આરોપીઓએ પાંચ લાખ રૂપિયા લીધા હતા.લગ્નના 10 દિવસ બાદ પીડિતાને પુણે જિલ્લાના કુરકુંભ વિસ્તારના રહેવાસી સાથે લગ્ન કરવા માટે ફરી દબાણ કરાયું હતું, જેની પાસેથી 4.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પીડિતાના ત્રણ લગ્ન કરાવ્યા બાદ આરોપીઓએ ફરી 6 માર્ચે તેને ચોથા લગ્ન કરવા માટે કહ્યું હતું. આરોપી દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. (પીટીઆઇ)