કિશોર વ્યાસ
આર્થિક વ્યવહારની માફક દરેક વ્યવહારનાં બે પાસાં હોય છે. અંગ્રેજીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે "Every Coin has two sides'. બહુ ગહન અર્થ ધરાવે છે એ કહેવત, પણ શબ્દાર્થ કાઢીએ તો એવો સાર નીકળે છે કે,‘દરેક બાબતને બે પાસાં’ હોય છે. પણ કચ્છીમાં જે ચોવક એ સંદર્ભમાં વપરાય છે એ માત્ર આર્થિક વ્યવહારનાં જ બે પાસાં દર્શાવતી હોય તેવું લાગે છે. ‘પૈસા ડિનેં ટાંણેં સકર જેડા મીઠા ને ગિને ટાંણેં જેર જેડા ખારા.’
બહુ સ્વાભાવિક છે કે આપણે કોઈ પાસેથી નાણાં ઉછીનાં લેવા જઈએ ત્યારે આપણી જરૂરિયાત આપણને ગરજવાન બનાવે છે. માગતાં જ, નાણાં ઉધાર આપનાર આપણને સાકાર જેવા મીઠા લાગે... પણ... જેટલા સમય માટે આપણે નાણાં લીધાં હોય અને મુદત વીતે છતાં તેને પાછા ન આપીએ અને આપનાર વ્યક્તિ તે અંગેની યાદ અપાવે કે ઉઘરાણી પણ કરે તો એ આપણને ઝેર જેવા કડવા લાગે! આપણે એ ભૂલી જઈએ છીએં કે તેણે ખરા સમય પર મદદ કરી છે. સમયસર નાણાં પાછાં આપવાની આપણે જોગવાઈ કરવી જરૂરી હતી!
અને એટલે જ ગુજરાતીમાં કહેવત છે કે ‘પાણી પહેલાં પાળ બાંધવી’! એજ રીતે કચ્છીમાં પણ ચોવક પ્રચલિત છે કે ‘પાણીનું મોર પાર બધા જે’. એટલે કે પાણી આવે તે પહેલાં જ પાળ, એટલે કે તેને અવરોધવાના ઉપાય હાથ ધરવા જોઈએ. બહુ વ્યાપક અર્થમાં વપરાય છે આ ચોવક, પરંતુ સરળ ભાવાર્થ એવો છે કે આયોજન, આગમચેતી કે સાવધાનીને ઓળખી, સમજીને સાવચેતીથી વર્તવું જોઈએ.
ચોવકોનું તો એવું છે કે ક્યાંક ગગન વિહાર કરાવે તો ક્યાંક પાતાળની સફર પણ કરાવે! એ આગ પણ વરસાવે અને મેઘ મહેરની લ્હેર પણ કરાવે! એ પથ્થર પણ વરસાવે અને કચ્છી ભાષાને સુંદર શણગારે સજાવે!
ઘણા માણસો કરકસર કરતાં-કરતાં લોભિયા થઈ જતા હોય છે. ‘લોભ ને થોભ’ ન હોય! કરકસરને હોય! લોભ કરતાં કરતાં કયારેક નાનું-મોટું નુકસાન પણ વેઠવું પડતું હોય છે. એવા સંજોગો માટે ચોવક કહે છે: ‘પંજ ન ખરચીયેં સે પિંજી ખરચીયેં.’ લોભી માણસ પાંચ રૂપિયા પણ ખરચવામાં લોભ કરે પણ એ વૃત્તિના કારણે સામટા પચીસ રૂપિયા ખરચી નાખવા પડે તેવા સંજોગો પેદા થાય છે.
એવા જ અર્થને સ્પર્શે જરૂર છે, પણ તેનાથી અલગ પડતી એક ચોવક છે : ‘પાયલે જો કપા નેં પોંણી કોરી પિંજાણી.’ ‘પાયલો’ એ કચ્છમાં ચલણનો સિક્કો હતો. ‘કોરી’ એ ચલણમાં પાયલા કરતાં વધારે મૂલ્ય ધરાવતું ચલણ હતું. ‘પિંજાણી’ એટલે ‘રૂ પિંજવાનો ખર્ચ’ અને ‘કપા’ એટલે રૂ! જે કપાસની ખરીદ કિંમત એક પાયલો જ હોય તેના પિંજામણનો ખર્ચ પોણી કોરી ચૂકવવી પડે, તો એ સરવાળે મોંઘું જ ગણાયને? ગુજરાતીમાં આપણે ઘણા પ્રસંગે બોલતા હાઈએ છીએ કે ‘ઘાટ કરતાં ઘડાપણ મોંઘું’! બસ એવા જ અર્થમાં પ્રયોજાય છે આ ચોવક. સીધો અર્થ થાય છે કે મૂળ ચીજ કરતાં તેની માવજાત મોંઘી પડવી! આવા ખોટના ખેલ ન કરાય!
છલોછલ વ્યથા ભરેલી એક ચોવક છે જે એવો સંદેશ આપે છે કે જયારે બધું જ જવા બેઠું હોય એવું લાગે ત્યારે સંકેત સમજી લઈ, જેટલું કુનેહપૂર્વક બચાવી શકાય તેટલું બચાવી લેવું જોઇએ, જેથી એ આગળ ઉપર કામ લાગે! ચોવક છે: ‘બરે ઘર મિંની કખ નિકરેં સે ખાસા’ શબ્દાર્થ એવો થાય છે કે બળતા ઘરમાંથી એક સળી પણ બચે તો સાચવી લેવી, એ કામ આવે. ચોવકમાં બળતા ઘરનું ઉદાહરણ આપ્યું છે. ‘કખ’ એટલે સાવરણાની સાળી ! ‘ખાસા’ એટલે સારી.