ભાટી એન.
‘પાઘડીયું પચાસ, પણ આંટીયાળી એકેય નહીં,
મૂછડિયા બહુ મળ્યા, પણ મરદાઈવાળા એકેય નહીં.’
ગુજરાતમાં પાઘડી પરથી ખબર પડે કે કયા સ્ટેટનાં રાજા છે? તેમજ કંઈ જ્ઞાતિનો વ્યક્તિ છે તે પણ પાઘડી પરથી ખબર પડતી. પાઘડી રક્ષણ માટે પણ છે, અગાઉ લડાઈ થતી ત્યારે ટાઈટ કસીને પાઘડી બાંધે એટલે કે તલવારનો સામાન્ય ઘા અસર ના કરે પણ આજે તો પાઘડી એક પ્રતિક કે કોઈ પ્રસંગોપાત જ જોવા મળે છે.
પાઘડીનો ગૌરવશાળી ઇતિહાસ છે અને એ ઓળખનું પ્રતિક છે. ભારતના વિવિધ રાજ્યોમાં પાઘડી, સાફો અથવા પાઘડી માત્ર માથા પર પહેરાતું વસ્ત્ર નથી, પરંતુ તે માન, મર્યાદા, શૌર્ય, સામાજિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક છે.
ગુજરાતમાં પાઘડીનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. રાજવી પરિવારો, ક્ષત્રિય સમાજ, રબારી, ભરવાડ, ચારણ, દરબાર, આહીર, પટેલ તેમજ અનેક સમાજોએ પોતાની આગવી પાઘડી પરંપરા વિકસાવી છે.
ગુજરાતના રાજવી દરબારોમાં પાઘડીને સન્માનનું સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું. કોઈ મહાનુભાવનું સ્વાગત, રાજકીય સમાધાન, યુદ્ધમાં વિજય અથવા સામાજિક પ્રસંગે પાઘડી બાંધીને સન્માન કરવામાં આવતું.
પાઘડીનો વટ અને પાઘડીનું માન જેવા શબ્દપ્રયોગો આજે પણ ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે.
ગુજરાતમાં પાઘડી માત્ર વસ્ત્ર નથી. તે છે: સ્વાભિમાનનું પ્રતિક, સમાજની ઓળખ, રાજવી ગૌરવનું ચિન્હ, પરંપરાનો વારસો, સન્માન અને પ્રતિષ્ઠાનું પ્રતિક.
ગુજરાતી કહેવત છે: ‘માથું કપાય પણ પાઘડી ન ઉતરે.’
આ કહેવત દર્શાવે છે કે ગુજરાતીઓ માટે પાઘડી માત્ર કપડું નહીં, પરંતુ માન-મર્યાદા અને સ્વાભિમાનનું જીવંત પ્રતિક છે. રાજસ્થાની સાફાથી લઈને કાઠીયાવાડી પાઘડી, રબારીની લાલ પાઘડીથી લઈને રાજવી દરબારોની ગૌરવશાળી પાઘડી સુધી, ભારતની દરેક પાઘડી પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ ગુજરાતની પાઘડીમાં શૌર્ય, સંસ્કૃતિ, રાજવી ગૌરવ, લોકજીવન અને માન-મર્યાદાનો જે અદ્ભુત સમન્વય જોવા મળે છે. તે તેને અનન્ય બનાવે છે.
ગુજરાતની પાઘડી માત્ર માથાનો શણગાર નથી, પરંતુ ગુજરાતની અસીમ ગૌરવગાથાનું જીવંત પ્રતિક છે.
ભારતની ભિન્ન ભિન્ન પાઘડીઓ પણ પોતાનાં રાજ્યને અનુરૂપ હોય છે, તેમનાં નામ, ડિઝાઇન, રંગ, વિશેષતા પણ ભિન્ન ભિન્ન છે.