ઓવરટાઈમ: વેરી ગુડ નહીં, વેરી બેડ
બાર ગાઉએ માત્ર બોલી જ ન બદલાય, સમૂળગી વિચારધારા જ બદલાઈ જાય એનો અનુભવ એક ભારતીયને દૂર દેશ નોર્વેમાં થયો. આપણે ત્યાં વર્ષો સુધી એવી માન્યતા હતી કે નોકરીના નિયત સમય કરતાં વધુ સમય કામ કરો તો બોસ રાજી થાય અને એમની અમી નજરમાં વસી જવાય. હજી પણ કેટલેક અંશે આ વૃત્તિ જોવા મળે છે. જોકે, આવી માન્યતા ધરાવતા ભારતીય કર્મચારીને ભોંઠા પડવાનો વારો આવ્યો.
પોતાનો અનુભવ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કરી એક યુવાને વર્ક કલ્ચર-કામની શૈલીમાં રહેલા ફરક પર પ્રકાશ ફેંક્યો છે. ‘હું નોકરી કરવા નોર્વે ગયો ત્યારે મારા દિમાગમાં ઈન્ડિયન વર્ક કલ્ચરનો પ્રભાવ હતો,’ યુવાને જણાવ્યું છે, ‘કામની લાહ્યમાં લંચ ન લેવું, રાતે મોડે સુધી ઓફિસમાં કામ કરવું અને વીકએન્ડમાં પણ ઢસરડા કરી તબિયતની પરવા કર્યા વિના ‘સુબહ ઔર શામ, કામ હી કામ’ની માળા જપતો હતો.
મને એમ કે ‘બોસ ખુશ હોગા શાબાશી દેગા’. પણ એક દિવસ બોસ કા બુલાવા આયા. પ્રશંસા તો દૂર રહી, મને રીતસરનો ખખડાવી કહ્યું કે ‘કેમ શનિવારે મારા મેઈલનો જવાબ આપ્યો? મને કીધા વિના પ્રોજેક્ટ પૂરો કરવા હકની રજા કેમ કેન્સલ કરી? હા, તારો હેતુ સારો છે, પણ જરાય યોગ્ય નથી. રજા તો લેવી જ જોઈએ. તને આ રીતે કામ કરતો જોઈ જુનિયર્સ એવું માની બેસશે કે કંપનીમાં ટકી રહેવા અને નિષ્ઠા દેખાડવા ખૂબ પરિશ્રમ કરવો જરૂરી છે.’ આ પોસ્ટ વાંચી અનેક લોકોએ ભારતની કામ કરવાની પદ્ધતિની ટીકા કરી નોર્વેના વર્ક કલ્ચરના વખાણ કર્યા.
હું પંખી હોઉં તો...
પંખી એ સંગીત અને સ્વતંત્રતાનું પ્રતીક મનાય છે. શાળામાં ‘હું પંખી હોઉં તો’ નિબંધ લખતી વખતે કલમને અસંખ્ય પાંખો ફૂટતી હોય છે. એકવીસમી સદીમાં તાણમાં જીવતા મનુષ્ય માટે દવા કરતાં દુવા વધુ કામ કરે એ ભાવનાના સંદર્ભમાં પંખીના સહવાસની ભલામણ કરવામાં આવી છે.
એક વિદેશી સંશોધન અનુસાર રોજેરોજ પક્ષીના સીધા કે આડકતરા સહવાસમાં રહેવાથી હતાશામાં સરી પડેલા લોકોનો મૂડ ઠીક થાય છે અને એકંદરે લાભદાયી ઠરે છે. પંખીઓનાં ટોળેટોળાં ઉડાઉડ કરી કલરવ કરતાં હોય એવા પાર્ક કે કેનાલના વિસ્તારમાં હરવાફરવાથી માનસિક રાહત મળે છે એવું હવે ડોકટરો પણ કહે છે. આ સાથે વાતાવરણની જાળવણી કરવાની અને કુદરતી જંગલો અને હરિયાળીનો ખુરદો બોલાવી કોન્ક્રિટ જંગલ બનાવી રહેલા મનુષ્યને પ્રકૃતિનું લાલન પાલન કરવા વિશે સમજણ આપવામાં આવી છે.
યુકે, યુરોપ, યુએસ, ચીન અને ઓસ્ટ્રેલિયાના લોકોનો સમાવેશ સંશોધન માટે કરવામાં આવ્યો હતો. પંખીને જોયા પછી કે સાંભળ્યા પછી લોકોનીમાનસિક હાલત બહેતર બનીહોવાનું જાણવા મળ્યું હતું. ‘બન કે પંછી ગાયે પ્યાર કા તરાના, મિલ જાએ અગર આજ કોઈ સાથી મસ્તાના, તો ઝૂમે ધરતી ઔર ઝૂમે આસમાં’ એવું સાઈકલ પર સવાર નૂતન એની સહેલીઓસાથે ગુંજતી હોય છે ત્યારે એ કન્યાઓ મુક્ત પંખીઓની જેમ ઊડતી અને કલરવ કરતી લાગે છે. ચિનુ મોદીએ શમણાંને પંખીની ઉપમા આપી છે.
જે પોષતું તે મારતું ...
ભિક્ષા અને ભીખમાં માત્ર શબ્દફેર નથી, ભાવફેર પણ છે. ભિક્ષા એક પરંપરા છે. વિદ્યાર્થી કે સંત - સંન્યાસીને ભિક્ષા આપવી પવિત્ર કર્મ ગણાય છે. ભિક્ષા આડકતરો હક ગણાયો છે. ભીખ યાચના - આજીજી છે, જે મજબૂરીમાંથી જન્મે છે. ભીખ આપવામાં ક્યારેક તુચ્છકાર પણ જોડાયો હોય છે.
હોંગકોંગની એક વેબસાઈટે આપેલી માહિતી અનુસાર માનવીય જીવન પર હાવી થઈ રહેલા ‘હ્યુમેનોઇડ રોબોટ્સ’ (માનવ આકારના યંત્રમાનવ રોબો) હવે મનુષ્યના ભીખ માગવાના હક પર તરાપ મારી રહ્યા છે. ચીનના બીજિંગ સહિત અન્ય કેટલાક શહેરની સડક પર માનવ આકારના રોબોટ્સ ‘સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ’ પંક્તિનું સ્મરણ કરાવી રહ્યા છે. આ એક એકલદોકલ ઘટના નથી, પણ ભવિષ્યના સંકેત છે એવી દલીલ પણ કરવામાં આવી છે.
રોબોટ્સના ફોટોગ્રાફ વાયરલ થતાની સાથે બે પ્રકારની દલીલનો શોર સંભળાઈ રહ્યો છે. એક વર્ગનું કહેવું છે કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ માનવ જીવનનો દરેક હિસ્સો છીનવી લેવાની કોશિશમાં છે, જ્યારે બીજા વર્ગનું માનવું છે કે કોઈએ આ બધું ગોઠવી ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. હકીકત જે હોય તે, લોકોએ રોબોટ્સને સરખી રીતે ગોઠવી મૂક્યા છે. કાં તો એ ઘૂંટણિયે માથું નમાવીને બેઠા છે અથવા સદગૃહસ્થો સમક્ષ વાંકા વળી ‘મારી પાસે નવો ફોન લેવા પૈસા નથી’ કે પછી ‘મારું લાઈટનું બિલ ભરી દ્યો’ જેવી યાચના કરવામાં આવી છે. સાથે ક્યૂઆર કોડ પણ રાખ્યો છે, જેથી ઈચ્છુકો ઓનલાઈન પેમેન્ટ કરી શકે. આપણા કવિ ‘કલાપી’ની પંક્તિ યાદ આવી જાય છે ‘જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી’... ખરું ને?
પ્રેમના પહાડ નીચે રહેતો ભાઈ
‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ એ સોલો સોન્ગમાં ભાઈ - બહેનના સ્નેહની સરવાણી ફૂટે છે. રાખડી બંધાવવી, વીર પસલી આપવી અને બહેનને મનગમતી ગિફ્ટ આપી એને રાજી રાજી કરી દેવામાં ભાઈને પણ આનંદ આવતો હોય છે. જોકે, આ ગીત કોરસમાં સાંભળતા બ્રિટનના રહેવાસી ચાર્લ્સ લુઈસને કેવી લાગણી થતી હશે? વાત એમ છે કે ચાર્લ્સને બે ચાર નહીં, પણ પૂરી એક ડઝન બહેન છે અને ભાઈ એક પણ નહીં.
12 બહેનો વચ્ચે રહેવાના ફાયદા પણ છે અને નુકસાન સુધ્ધાં. ફાયદો એ કે બહેનોનો અઢળક પ્રેમ મળે. માણસો ઘણી વાર દુ:ખના ડુંગર નીચે દબાઈ જતા હોય છે, ચાર્લ્સ તો પ્રેમના પહાડ નીચે હરખાઈને રહેતો. સારું છે કે બ્રિટનમાં બળેવને દિવસે રાખડી બાંધવાનો રિવાજ નથી, નહીંતર ચાર્લ્સના બંને હાથ પર ઘડિયાળ ગોતવી પડે એવી હાલત થાય.
અલબત્ત, ચાર્લ્સ આટલી બહેનો સાથે એક ઘરમાં રહેતો ત્યારે ગરમ પાણીથી નહાવા માટે સવારે સાડા પાંચે જાગી જવું પડતું, કારણ કે એક વાર બહેનો જાગી જાય પછી તેમનો નિત્યક્રમ પૂરા થયા પછી જ ચાર્લ્સનો નંબર લાગતો. એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે ચાર્લ્સના જે મિત્રો ઘરે આવતા તેમને બહેનો સાથે ડેટિંગ કરવા પર મનાઈ ચાર્લ્સે ફરમાવી હતી અને બહેનોની બહેનપણીઓને ચાર્લ્સ ડેટિંગ કરતો નહીં. હિસાબ બરાબર.
જોકે, આજે અલગ રહેતા ચાર્લ્સને બહેનોની ચીસાચીસ અને ખીલખીલાટ હસવાનું બહુ યાદ આવે છે. અને હા, જ્યારે બહેનની સલાહની જરૂર પડે ત્યારે ચાર્લ્સ પાસે એક ડઝન વિકલ્પ હોય છે. વેરી લકી, હેં ને....
લ્યો કરો વાત
યોગનો પ્રારંભ પતંજલિએ કર્યો હોવાથી એને ‘પતંજલિ પુત્ર’ની ઉપમા મળી છે. યોગ એક સમયે સંતજન પૂરતો સીમિત હતો. આજે એ વિશ્વનું સંતાન ગણાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)ની ઉજવણી વિશાળ પાયે કરવામાં આવે છે. તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળમાં યોગ દિનની ઉજવણી વિશિષ્ટ પ્રકારે થયેલી ધ્યાનમાં આવી. એક શીંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત જલદાપડા અભયારણ્યમાં યોગસાધના પ્રાકૃતિક વાતાવરણમાં કરવામાં આવી હતી.
પ. બંગાળના ‘આરોગ્ય અને કૌટુંબિક કલ્યાણ’ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વન્ય વિભાગના અધિકારીઓ થોડા અંતરે ઊભેલા ગજરાજોની ઉપસ્થિતિમાં યોગાસન કરતા હોવાનું જોવા મળ્યું હતું. હાથીઓની હાજરીમાં લીલાછમ મેદાનમાં યોગ પ્રવૃત્તિ સ્વાસ્થ્ય, વન્ય જીવન અને પ્રકૃતિનો સુંદર સુમેળ હોવાની ભાવના વ્યક્ત થઈ હતી.