ભુજઃ કચ્છ જિલ્લામાં ઉનાળાની આકરી ગરમીમાં જમીન તપવાથી અને ત્યારબાદ ચોમાસાની ઋતુમાં દરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બહાર નીકળતા ઝેરી-બિનઝેરી સાપોના કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ વર્ષ દરમિયાન જિલ્લાભરમાં સર્પદંશના કુલ ૩૦૨ કિસ્સા ચોપડે નોંધાયા છે. જોકે, રાહતની બાબત એ છે કે, આરોગ્ય તંત્રની સમયસરની સારવારના પગલે એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.
ક્યાં કેટલા કેસ નોંધાયા
સર્પદંશના મોટાભાગના બનાવો ગ્રામીણ વિસ્તારો અને વાડી-ખેતરોમાં મજૂરીકામ કરતા ખેતમજૂરો અને શ્રમિકો સાથે બન્યા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, કચ્છમાં સૌથી વધુ ૧૬૧ કેસ એકલા ભુજ તાલુકામાં નોંધાયા છે, જ્યારે સૌથી ઓછો માત્ર ૧ કિસ્સો સરહદી લખપત તાલુકામાં સામે આવ્યો છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૩, ભચાઉ તાલુકામાં ૨૮, માંડવીમાં ૨૨, અબડાસામાં ૧૯, નખત્રાણામાં ૧૮, અંજારમાં ૧૫, રાપરમાં ૩ અને મુંદરા તાલુકામાં ૨ વ્યક્તિ સર્પદંશનો ભોગ બન્યા હતા.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમાર સિંઘે વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ-ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં સાપના ઝેર સામે રક્ષણ આપતાં ‘એન્ટિ સ્નેક વેનમ’ ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. દર્દીને હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે તેની શારીરિક સ્થિતિ, ઝેરનાં લક્ષણો અને કેસની ગંભીરતાને ચકાસીને ફરજ પરના એમબીબીએસ તબીબો દ્વારા એન્ટિ સ્નેક વેનમ આપવાનો ત્વરિત નિર્ણય લેવાય છે, જેના કારણે તમામ દર્દીઓનો આબાદ બચાવ શક્ય બન્યો છે.
દરમ્યાન, જિલ્લામાં સર્પદંશના વધતા બનાવો પાછળ સરકારી તંત્ર અને સ્થાનિક પંચાયતોની સફાઈ પ્રત્યેની લાપરવાહી પણ મુખ્ય કારણ હોવાનો સૂર ઊઠ્યો છે. ગ્રામીણ માર્ગો, પ્રાથમિક શાળાઓ, સરકારી કચેરીઓ તેમજ રહેણાંક વિસ્તારોની લગોલગ ચોમાસા બાદ ઉગી નીકળેલાં બાવળ અને ઘાસ-ઝાડી-ઝાંખરાં નિયમિત સાફ કરવામાં આવતાં નથી. માર્ગોની બંને બાજુએ ફેલાયેલા આ ગાઢ ઝાડી-ઝાંખરાં ઝેરી જીવજંતુઓ અને સાપો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની જાય છે, જેના કારણે રાત્રિના સમયે ખેતરે જતા શ્રમિકો કે માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અજાણતાં જ તેનો ભોગ બને છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા નિયમિત સફાઈ કે દવા છંટકાવની કામગીરી ન કરાતાં લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)