મુંબઈ : તહેવારોની સિઝન વચ્ચે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ખાદ્ય સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી કરી છે. મુંબઈમાં ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બદલ પાંચ સંસ્થાઓના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે આવેલા રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબમાં આવેલું પ્રખ્યાત બીજેઆરએસ (ગેલોપ્સ) રેસ્ટોરન્ટ પણ સામેલ છે.
એફડીએના જણાવ્યા અનુસાર, બીજેઆરએસ રેસ્ટોરન્ટના રેફ્રિજરેટરમાં રાખેલા બરફ પર નોન-વેજ ખાદ્ય પદાર્થોના લોહી અને કેચપના ડાઘ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન રસોડામાં ગ્રીસ જમા થયેલું, દિવાલોની ખરાબ સ્થિતિ, ડ્રેનેજ અને કોકરોચ ટ્રેપનું યોગ્ય કવર ન હોવું તેમજ જીવતા વંદા અને કીડીઓ પણ મળી આવ્યા હતા. ફૂડ હેન્ડલર્સની વાર્ષિક તબીબી તપાસ અને રસીકરણના જરૂરી રેકોર્ડ પણ ઉપલબ્ધ નહોતા.
આ ઉપરાંત વર્સોવા-યારી રોડ પર આવેલી ગુફરાન સીખ કોર્નર, બાંદ્રા પશ્ચિમની ડ્રીમર હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ, મિરારી અને બાંદ્રા પશ્ચિમની અન્ય એક સંસ્થા તથા મલાડની ગુરુકૃપા ડેરી પ્રોડક્ટ્સના લાઈસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મલાડની ગુરુકૃપા ડેરી પ્રોડક્ટ્સમાં તપાસ દરમિયાન એફડીએને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ, વનસ્પતિ ઘી અને બ્રાન્ડેડ ઘી ભેળવીને નકલી સફેદ અને પીળું ઘી બનાવવામાં આવતું હોવાની જાણ થઈ હતી. ‘પૂજા ઘી’ નામથી નાના અક્ષરોમાં લેબલ લગાવી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની માહિતી પણ એફડીએએ આપી હતી. પરિસરમાં ઉંદર અને વંદાની સમસ્યા પણ મળી આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન આશરે 2,464.05 કિલો ભેળસેળયુક્ત અને ગેરમાર્ગે દોરનારા લેબલવાળું ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ અને વનસ્પતિ ઘી જપ્ત કરવામાં આવ્યા હતા. તેની કિંમત આશરે રૂ. 13.55 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉપરાંત બે બોઈલર મશીન અને એક માવાનું મશીન પણ જપ્ત કરાયુ હતું, જેની કિંમત આશરે રૂ. 1.60 લાખ છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને એફડીએએ શંકાસ્પદ, ભેળસેળયુક્ત, ખોટા લેબલવાળા અને હલકી ગુણવત્તાવાળા ઘી, માવા, પેંડા, ગોળ, તેલ, ચા પાવડર અને મીઠાઈ સહિત કુલ રૂ. 30.82 લાખનો ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે. ચંદ્રપુરમાં અશોક એગ્રો પ્રોડક્ટ્સના ગોડાઉનમાંથી રૂ. 6.75 લાખની કિંમતનો 3,310 કિલો ચા પાવડર પણ જપ્ત કરાયો છે. જ્યારે સાંગલી, પુણે અને કોલ્હાપુરમાં છ સંસ્થાઓ સામેની કાર્યવાહીમાં આશરે રૂ. 4.71 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.