Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં 21.68 લાખ વીમાધારક અને 84 લાખ લાભાર્થીઓને ESIC હેઠળ આવરી લેવાયા

2026-09-22 21:27:58
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં 21.68 લાખ વીમાધારક અને 84 લાખ લાભાર્થીઓને ESIC હેઠળ આવરી લેવાયા

અમદાવાદ : ગુજરાતમાં ગાંધીનગર સચિવાલય ખાતે શ્રમ-રોજગાર મંત્રી અને ESIC પ્રાદેશિક બોર્ડના ચેરમેન  કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને 'કર્મચારી રાજ્ય વીમા નિગમ' (ESIC)ની 94મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રી  કાંતિલાલ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

84  લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા

શ્રમ-રોજગાર મંત્રી  કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, તા. 31 માર્ચ, 2026 ની સ્થિતિએ રાજ્યમાં ESIC યોજના હેઠળ આશરે 21.68  લાખથી વધુ વીમાધારકો તથા અંદાજે 84  લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારીની તકોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને લઈ આગામી ટૂંક સમયમાં ગુજરાતના વધુ 8  લાખ જેટલા કામદારોને ESICના સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવશે.

આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી અને અસરકારક રીતે ઉપલબ્ધ બનશે
 
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમિકો અને તેમના પરિવારજનોને ઝડપી, ગુણવત્તાયુક્ત અને કેશલેસ સારવાર મળી રહે તે હેતુથી છેલ્લા બે મહિનામાં રાજ્યની 68થી વધુ ખાનગી હોસ્પિટલોને ESICના પેનલમાં સામેલ કરવામાં આવી છે. જેના પરિણામે લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી અને અસરકારક રીતે ઉપલબ્ધ બનશે.

રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારોને વધુ સુદ્રઢ આરોગ્ય સેવાઓ, સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે

તેમણે ઉમેર્યું હતું કે, બોર્ડ દ્વારા દર ત્રણ મહિને બેઠક યોજીને શ્રમિક કલ્યાણ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષાને લગતી વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવશે. તદુપરાંત, બેઠકો વચ્ચે શ્રમિકો તરફથી રજૂ થતી માંગણીઓ અને પ્રશ્નોના પણ સમયબદ્ધ અને ત્વરિત નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

તબીબી સેવાઓ અને સામાજિક સુરક્ષાના લાભો ઉપલબ્ધ

રાજ્ય સરકાર શ્રમિકો તથા તેમના પરિવારોને કોઈપણ મુશ્કેલી વિના ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ અને સામાજિક સુરક્ષાના લાભો ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.

93મી પ્રાદેશિક બોર્ડ બેઠકની કામગીરી અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો

આ બેઠકમાં ગત 93મી પ્રાદેશિક બોર્ડ બેઠકની કામગીરી અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન પ્રાદેશિક બોર્ડનું પુનર્ગઠન તથા કો-ઓપ્ટ સભ્યોના નામાંકન, રાજ્યમાં ESIC સ્ટેટ સોસાયટીની રચના, હોસ્પિટલ માટે યોગ્ય જમીનની ફાળવણી સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ESIC અમદાવાદના પ્રાદેશિક નિયામક  હેમંતકુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.