Mon Oct 05 2026

Logo

સુરતમાં શેઠે પગાર ન આપ્યો તો નોકરે આગ લગાડી 24 કરોડનો માલ રાખ કરી નાખ્યો

2026-09-22 20:59:55
Author: Pooja Shah
સુરતમાં શેઠે પગાર ન આપ્યો તો નોકરે આગ લગાડી 24 કરોડનો માલ રાખ કરી નાખ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
સુરતની ટેક્સટાઈલ્સ માર્કેટમાં આગ લાગવાના બનાવો બનતા રહે છે. તાજેતરમાં અહીં શ્યામ સંગિની માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. જોકે આ આગનું કારણ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ન હોવાનું અને આ માનવીય કૃત્ય હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 

મળતી વિગતો અનુસાર પોલીસે માર્કેટમાં કામ કરતા વિનોદ સાવલે નામના પૂર્વ એકાઉન્ટન્ટે પોતાના શેઠ સામે બદલો લેવા આ કથિત કાંડ કર્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિનોદે શેઠ પાસેથી રૂ. 10,000 પગારપેટે લેવાના બાકી હતા. આ સાથે તેના કહેવા અનુસાર શેઠ તેને અપમાનિત કરતા હતા. ઘણીવાર શેઠ સાથે તેમને રકઝક થઈ હતી. તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે અમુક સમય બાદ પણ પગાર ન મળતા તેણે પેટ્રોલ છાંટી માર્કેટ સળગાવવાની કોશિશ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોતાની માટે 10,000 રૂપિયા પણ કેટલી મોટી રકમ હતી તેનું ભાન શેઠને કરાવવા તેણે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હોવાની જાણકારી મળી હતી. 

આ ભયાનક કારનામાથી માર્કેટના વેપારીઓને આશરે રૂ. 24 કરોડનું નુકસાન પહોંચ્યું હતું. આરોપીની ધરપકડ બાદ સોમવારે મોડી રાત્રે રિ કન્સ્ટ્રક્શન માટે માર્કેટ લઈ જવામાં આવ્યો હતો.
 
આરોપી ખાટુશ્યામ અને પછી અયોધ્યા ભાગી ગયો હતો. તેનું માનવાનું હતું કે આગને શોર્ટ સર્કિટમાં ખપાવી દેવામા આવશે, પરંતુ તેમ થયું ન હતું. મામલો થાળે પડી ગયો હોવાનું માની તે પરત સુરત આવ્યો હતો. જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ અને તપાસ દરમિયાન આ આગ માનવસર્જિત હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા.  પોલીસે તેની ધરપકડ કરી હતી.