ભુજઃ કચ્છના નાના રણમાં કેન્દ્ર સરકાર હસ્તકની 'હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ' કંપની દ્વારા દેગામ રણ વિસ્તારની અંદાજે પાંચ હજાર એકર જમીન એક ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવી દેવાતા સ્થાનિક અગરિયાઓમાં ભારે રોષ ફેલાયો છે. આ જમીન ફાળવણીના વિરોધમાં મોટી સંખ્યામાં અગરિયાઓએ રણ વિસ્તારમાં પહોંચીને ખાનગી કંપની દ્વારા ચાલી રહેલી કામગીરી અટકાવી દીધી હતી અને જો આ મંજૂરી તાકીદે રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિક અગરિયા આગેવાનોના જણાવ્યા અનુસાર, ખાનગી કંપની દ્વારા ફાળવાયેલી જમીનની ચારેય તરફ મોટા પાળા બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પાળાઓના કારણે રણમાં વસતા 400થી વધુ અગરિયા પરિવારોના અવરજવરનો મુખ્ય રસ્તો અને પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેની સીધી અસર તેમની આજીવિકા પર પડી રહી છે.
પરંપરાગત રીતે વર્ષના આઠ મહિના રણમાં આકરી મહેનત કરીને મીઠું પકવતા અગરિયાઓએ આક્ષેપ કર્યો છે કે, હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ગરીબ બાળકોના શિક્ષણ કે આંગણવાડી માટે જગ્યા આપવામાં આવતી નથી, જ્યારે બીજી તરફ ખાનગી ઉદ્યોગપતિઓને હજારો એકર જમીન પધરાવી દેવાઈ છે. આ નિર્ણયથી પેઢીઓથી મીઠું પકવતા સ્થાનિક પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાનું મોટું સંકટ ઊભું થયું છે.
(ઉત્સવ વૈદ્ય)