Fri Jul 24 2026

Logo

કચ્છમાં બાયો-ડીઝલના કાળાબજાર સામે પોલીસ એક્શન મોડમાં, ભચાઉમાં ૫૭૦ લિટર જથ્થો જપ્ત

2026-04-16 14:17:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયો-ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આ કાર્યવાહીમાં અંદાજે ૫૭૦ લિટર જેટલો શંકાસ્પદ પ્રવાહી જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને એક કિશોર અને પંજાબી  શખ્સની અટકાયત કરી છે.

મળતી વિગતો મુજબ, ગાંધીધામના સ્થાનિક વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા અધિકૃત પરવાનગી વગર જ્વલનશીલ પદાર્થ એવા બાયો-ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ભચાઉ-ગાંધીધામ માર્ગ પર સ્થિત ઇગલ હોટલની પાછળ આવેલી એક ઓરડી પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર અને મૂળ પંજાબના કમલજીતસિંહ બલવિન્દરસિંઘ જાટની ધરપકડ કરી હતી. 

ઓરડીની તપાસ કરતાં પોલીસને પ્લાસ્ટિકના બેરલ અને અન્ય સાધનો મળી આવ્યા હતા, જેમાં સંગ્રહિત કરવામાં આવેલા અંદાજિત રૂ. ૫૧,૩૦૦ રૂપિયાના ૫૭૦ લિટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે દરોડા સમયે હાજર ન મળી આવેલા મૂળ પંજાબના તરનતારનના લખવિન્દરસિંહ ઉર્ફે લખો અજીતસિંહ જાટને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કચ્છના વિવિધ વિસ્તારોમાં સસ્તું ડીઝલ પૂરું પાડવાના નામે જોખમી અને ભેળસેળિયા બાયો-ડીઝલનું વેચાણ વધ્યું છે, જેના કારણે વાહનોના એન્જિનને નુકસાન થવાની સાથે પર્યાવરણને પણ ખતરો રહે છે. પોલીસની કાર્યવાહીથી ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થોનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

(ઉત્સવ વૈદ્ય)