ભુજઃ રણપ્રદેશ કચ્છ જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની કુલ ૪૪૮ બેઠકો પૈકી ૨૬ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે બાકીની ૪૨૨ બેઠકો માટે ૧૦૯૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપે જિલ્લા પંચાયતની ૧, મહાનગરપાલિકાની ૧, નગરપાલિકાની ૧૫ અને તાલુકા પંચાયતની ૯ બેઠકો બિનહરીફ અંકે કરીને ચૂંટણી પૂર્વે જ વિજયી પ્રારંભ કર્યો છે.
વિગતો મુજબ, કુલ ૧૫૭૧ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી દરમિયાન ૪૨૩ અમાન્ય ઠર્યા હતા અને અંતિમ દિવસે ૫૮ ઉમેદવારોએ નામ પરત ખેંચ્યા હતા. આ વખતે બિનહરીફ બેઠકોનો આંકડો ગત ચૂંટણીની ૧૦ બેઠકોની સરખામણીએ વધીને ૨૬ પર પહોંચ્યો છે. મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મનાઈ રહ્યો છે, જોકે 'આપ' અને 'એઆઇએમઆઇએમ'ની હાજરીથી કેટલીક બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.
જિલ્લા પંચાયતની ૩૭ બેઠકો માટે ૧૦૦ ઉમેદવારો અને ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૧૫૯ ઉમેદવારો મેદાનમાં છે. નગરપાલિકાઓમાં ભુજ (૧૦૬), અંજાર (૭૧), માંડવી (૭૭), મુંદરા-બારોઇ (૬૦) અને નખત્રાણા (૫૭) ઉમેદવારો ચૂંટણી લડશે. જ્યારે ૯ તાલુકા પંચાયતોની બેઠકો માટે ૪૬૦ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.
માંડવી તાલુકા પંચાયતની ત્રણ મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે જેમાં નાની વિરાણી બેઠક પર પાયલ સોમાભાઈ રાણા, બાયઠ બેઠક પર દિનેશ ધનજી માતંગ તેમજ બિદડા-૨ બેઠક પર શાંતાબેન કાનજી સંગારનો સમાવેશ થાય છે.
બીજી તરફ, અંજાર સુધરાઈમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારે રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો. અહીં કુલ બેઠકો પૈકી ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. હવે બાકીની ૨૯ બેઠકો માટે ૬૪ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. વોર્ડ નં. ૧, ૨, ૩, ૬ અને ૯ માં ભાજપના વિવિધ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સફળતાને રાજ્યમંત્રી અને ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ ભાજપના 'ફ્રન્ટ ફૂટ' શાસનની નિશાની ગણાવી હતી.
એકતરફ ભાજપ મજબૂતીથી આગળ વધી રહ્યું છે, ત્યારે અંજારમાં વિપક્ષી નેતાએ સત્તાપક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ફોર્મ ખેંચાવા માટે ઉમેદવારો પર દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી તેમણે તેને 'લોકશાહીનું હનન' ગણાવ્યું હતું. ફોર્મ ખેંચવાના સમયે સત્તાપક્ષ અને વિપક્ષના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. અંજારના વોર્ડ નંબર-૫ માં સૌથી વધુ રસાકસી જોવા મળશે, જ્યાં ૪ બેઠકો માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં છે.
કાળઝાળ ગરમીની વચ્ચે કચ્છમાં હવે પ્રચારનો ધમધમાટ પરાકાષ્ઠાએ પહોંચશે, જેમાં સત્તા જાળવી રાખવા ભાજપ અને સત્તા પરત મેળવવા કોંગ્રેસ તમામ તાકાત લગાડશે.
(ઉત્સવ વૈદ્ય)