ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાંકણે જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કોંગ્રેસે આકરા તેવર અપનાવી શિસ્તભંગના આકરાં પગલાં ભર્યા છે. વર્ષ ૨૦૨૬ની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પક્ષ દ્વારા મેન્ડેટ આપવા છતાં લોભ, લાલચ કે કોઈના દબાણ હેઠળ આવીને પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેનારા ૧૯ ઉમેદવારોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અન્વયે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે આ તમામ ૧૯ જણાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
પક્ષના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ અને સ્થાનિક અગ્રણીઓએ ભરોસો મૂકીને ટિકિટ આપી હોવા છતાં આ ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચી લેતાં પક્ષને મોટું રાજકીય નુકસાન થયું છે અને મતદારો સાથે દ્રોહ થયો હતો. સસ્પેન્ડ કરાયેલા પંચાયત સ્તરના અગ્રણીઓમાં ભચાઉ જિલ્લા પંચાયત બેઠક પરથી બંધડીના પચાણ સવા ચાવડા, માંડવી તાલુકાના બિદડા-૨ના હવાબાઈ ઓસમાણગની ખલીફા, બાયઠના લાલજી મંગલ માતંગ, અંજારના વીરા બેઠકના હર્ષદ કરશન જરૂ, ભચાઉના ભુજપરના ધર્મેન્દ્રસિંહ એચ. જાડેજા, મોરગરના કાનાભાઈ ભુરાભાઈ બત્તા, લુણવાના લખીબેન શામજી વરચંદ તેમજ ભુજ તાલુકાના સુખપર-૨ના પુષ્પા નારણ ભુડિયા, માનકુવા-૨ના દામજી કેશા સુંઢા અને રતાડીયાના જુણસ સાધિક સમાનો સમાવેશ થાય છે.
બીજીતરફ, અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચી પક્ષને કટોકટીમાં મૂકનારા વિવિધ વોર્ડના ૯ ઉમેદવારો સામે પણ શિસ્તભંગના પગલાં લેવાયા હતા. જેમાં વોર્ડ નંબર ૧માંથી તેજલબેન ચૌહાણ અને ભાવનાબેન ગઢવી, વોર્ડ નંબર ૩માંથી સંગીતાબેન મોરન મહેશ્વરી અને કલ્પનાબેન પંડિયા, વોર્ડ નંબર ૯માંથી સુનીલ સોરઠીયા અને વિપુલ કનટીપા, વોર્ડ નંબર ૨માંથી પ્રવિણાબેન પ્રવિણભાઈ ટાંક અને લીલાધર ટાંક તેમજ વોર્ડ નંબર ૬માંથી હર્ષાબેન પ્રજાપતિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
(ઉત્સવ વૈદ્ય)