ભુજઃ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના પીઢ અગ્રણી ૭૪ વર્ષીય જીવાભાઈ કરસનભાઈ વરચંદ (આહીર)નું આજે વહેલી પરોઢે રતનાલ રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેનની ટક્કરે ગંભીર ઈજાઓ થવાથી કરુણ નિધન થયું છે. લોકમુખે 'જીવા શેઠ' તરીકે જાણીતા પૂર્વ પ્રમુખના નિધનને પગલે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા જીવાભાઈ વરચંદ દરરોજની જેમ આજે પરોઢે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમના નિવાસસ્થાન અને મંદિર વચ્ચેથી રેલ્વે ટ્રેક પસાર થાય છે. આ દરમિયાન રતનાલ રેલ્વે ક્રોસિંગ પાસે 'નમો ભારત' ટ્રેનની અડફેટે આવતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અંજાર પીઆઈ એચ.એ. જાડેજાના જણાવ્યા અનુસાર, પોલીસે હાલ અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી તપાસ શરૂ કરી છે. અંજાર પીએસઆઈ સી.એસ. ગઢવીએ સ્થળ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અકસ્માત છે કે આપઘાત, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, જીવાભાઈ વરચંદ વર્ષ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ દરમિયાન ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. પોતાના સહજ, સરળ અને મિલનસાર સ્વભાવના કારણે તેઓ રાજકારણ તેમજ સમાજકારણમાં ‘અજાતશત્રુ’ તરીકેની છાપ ધરાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નરમ-ગરમ રહેતી હતી.સેવાભાવી સ્વભાવ ધરાવતા જીવાભાઈના પરિવારે તેમના નિધનના શોક વચ્ચે પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી સદગતના ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. તેમના આકસ્મિક અવસાનથી રતનાલ ગામ સહિત સમગ્ર કચ્છમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
(ઉત્સવ વૈદ્ય)