ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના શિવલખા ગામ નજીક નિર્માણધીન એક ખાનગી કંપનીના ખુલ્લા મેદાનમાં રાત્રિના સમયે સૂતેલા શ્રમિકોની ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો એકસાથે ૧૬ નંગ મોબાઈલ ફોનની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. આ ચોંકાવનારા બનાવ અંગે લાકડીયા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, શિવલખા નજીક ‘ફાસ્ટટેક’ નામની કન્ટેઇનર બનાવતી કંપનીનું બાંધકામ ચાલી રહ્યું છે. અહીં કામ કરતા શ્રમિકો રાત્રિના સમયે કંપનીના ખુલ્લા મેદાનમાં તાળપત્રી બિછાવીને સૂતા હોય છે. ગઈકાલે રાત્રે કંપનીના સુપરવાઈઝર અને ફરિયાદી દિનેશકુમાર માનસિંઘ મેદાનમાં ખાટલા પર સૂતા હતા, જ્યારે અન્ય ૧૫ જેટલા શ્રમિકો તેમની નજીક તાળપત્રી પર સૂતા હતા. તમામ શ્રમિકો રાત્રે પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યા બાદ ઓશિકા પાસે મૂકીને ઘસઘસાટ ઊંઘી ગયા હતા.
મોડી રાત્રે કંપનીની ખુલ્લી બાઉન્ડ્રીમાંથી પ્રવેશેલા અજાણ્યા તસ્કરોએ શ્રમિકોની ગાઢ ઊંઘનો ફાયદો ઉઠાવ્યો હતો. તસ્કરોએ ઓશિકા નીચેથી તેમજ ખાટલા પરથી એક પછી એક કુલ ૧૬ મોબાઈલ ફોન ચોરી કરી લીધા હતા. આજે વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં જ્યારે શ્રમિકો જાગ્યા ત્યારે તેમના મોબાઈલ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
શ્રમિકોએ પોતાના ચોરાયેલા નંબરો પર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડીવાર રીંગ ગયા બાદ તસ્કરોએ તમામ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા હતા. આ મામલે સુપરવાઈઝર દિનેશકુમારે લાકડીયા પોલીસ મથકે કુલ રૂ.૬૪,૦૦૦ની કિંમતના ૧૬ મોબાઈલ ચોરી અંગે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધી રીઢા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(ઉત્સવ વૈદ્ય)