Mon Aug 17 2026

Logo

કોડીનાર અને રાજકોટમાં સાત જણ ડૂબ્યા, બે બાળકના મોત, બે લાપત્તા

2026-08-04 20:57:00
Author: Pooja Shah
Article Image

કોડીનાર/અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી આજે બપોરે એક દુઃખદ ઘટના સામે આવી છે. દરિયામાં પાંચ કિશોરો ડૂબી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં નજીકમાં રહેલા સ્થાનિક માછીમારો તાત્કાલિક દરિયામાં દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ ત્રણ કિશોરોને જીવિત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જોકે, બે કિશોરો દરિયામાં લાપતા બનતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાંચેય કિશોરો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમની ઉંમર આશરે 16 વર્ષની આસપાસ છે. આજે બપોરના સમયે પાંચેય કિશોરો છારા ગામના દરિયાકાંઠે પહોંચ્યા હતા. ચર્ચા મુજબ, બે કિશોરો દરિયામાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન તેઓ દરિયામાં ડૂબવા લાગતાં તેમને બચાવવા માટે અન્ય ત્રણ કિશોરોએ પણ દરિયામાં ઝંપલાવ્યું હતું.
જોકે, દરિયામાં જોરદાર કરંટ હોવાના કારણે કિશોરો મુશ્કેલીમાં મુકાયા હતા અને એક પછી એક ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન નજીકમાં રહેલા સ્થાનિક માછીમારોને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક બચાવ માટે દરિયામાં ઉતર્યા હતા. માછીમારોએ ભારે પ્રયાસો કરીને ત્રણ કિશોરોને જીવિત બહાર કાઢી લીધા હતા.

પરંતુ બે કિશોરો દરિયાના પાણીમાં લાપતા બન્યા હતા. લાપતા કિશોરોની ઓળખ નિર્મળભાઈ હમીરભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ) અને ભાવસિંહભાઈ ભરતભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ) તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. 
જ્યારે અન્ય એક ઘટનામાં બે બાળકના મોત નિપજ્યા હતા. રાજકોટ નજીક આવેલા લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા એક ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. 
મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બાળકો હિતેશ (ઉંમર વર્ષ 5) અને મનીષા (ઉંમર વર્ષ 5) ગામમાં રમતા રમતા અચાનક વરસાદી પાણીથી ભરેલા એક ખુલ્લા ખાડામાં પડી ગયા હતા. આસપાસ અન્ય બાળકો પણ હાજર હતા, જેમાંથી એક બાળકીએ તાત્કાલિક દોડીને પરિવારજનોને આ અંગેની જાણ કરી હતી.

બાળકીની વાત સાંભળીને પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીના ખાડામાંથી બહાર કાઢ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી બંને બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.