Tue Aug 18 2026

Logo

ખેડામાં 60 વર્ષ જૂનો બ્રિજ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો, સરકારે જણાવ્યું બ્રિજ તૂટવાનું કારણ....

2026-08-16 22:43:00
Author: Devayat Khatana
Article Image

ખેડા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પુલ અને લોકોની સુરક્ષા મુદ્દે અનેક સવાલો ખડા થયા હતા. ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનો ચિતલાવ અને સરદારપુરા ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો હોવાની ઘટનાએ ફરીથી અનેક સવાલો ઊભા કર્યા હતા. જો કે જ્યારે આ દુર્ઘટના બની તે સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે મુસાફરની હાજરી ન હોવાથી જાનહાનિ જેવો બનાવ ટળી ગયો હતો. જો કે હવે આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. 

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે 16 ઓગસ્ટ 2026ના રોજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામમાં રાણીયા કોતરમાં સાં.15730  ફૂટ  પર આવેલ વી.આર.બીમાં માટીનું સેટલમેન્ટ થવાની સવારે 9 વાગ્યાની આસપાસ શરૂઆત થયેલ હતી. જે ક્રમશ: સેટલમેન્ટ થવાથી પીયર ગર્ડર સહિત બ્રિજ કોતરમાં બેસી ગયો હતો.

આગળ સરકારે જણાવ્યું છે કે, આ બ્રિજ પરનો માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) હસ્તકનો રોડ સરદારપુરા ટુ ચીતલાવ ગામ સીમ વિસ્તારને જોડે છે. આ  બ્રિજમાં નુકશાન થવાથી કોઈ જાનહાની થઇ નથી. આ બ્રિજ અંદાજીત 60 વર્ષ જૂનો હોય સાવચેતીના ભાગરૂપે ભારે વાહન યાતાયાત માટે બંધ કરવામાં હતો.

 

વધુમાં બ્રિજની ઉપરવાસમાં ૧.૪ કીમી નજીક આવેલ નેસ-રાણીયા ગામને જોડતો માર્ગ અને મકાન વિભાગનો નવીન બ્રિજ પરથી તથા સદર બ્રિજથી ૨.૫ કીમી નજીક આવેલ મંજીપુરા ટુ ભગવાનજીના મુવાડા ગામને જોડતો માર્ગ અને મકાન વિભાગ નો માર્ગ નીકળે છે જેના પરથી અવર-જવર થઈ શકે છે.

આ વી.આર.બી ગંભીરા બ્રિજની ઘટના અને પ્રકાશિત કરેલ માર્ગ અને મકાન વિભાગના જી.આર મુજબ બંને બાજુ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) હસ્તકના રોડ આવેલ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ને ઘટતી કાર્યવાહી કરવા સોંપાયેલ છે. જે અંતર્ગત આ બ્રિજના નવીનીકરણ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા નવીનીકરણ માટે સરકારને દરખાસ્ત કરવામાં આવી છે તેમ, જળ સંપત્તિ વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું.