Thu Jun 25 2026

Logo

આજે આટલું જ: ખાન સર વિરુદ્ધ ફૈસલ ખાન...

2026-06-21 08:31:00
Author: Shobhit Desai
Article Image

 

 

 

- શોભિત દેસાઈ

 

આજની વાત શરૂ કરતા પહેલા એ જણાવી દઉં કે આપણી અત્યારે ચાલતી વાતચીત પશ્ર્ચિમ બંગાળ અને આવતી કાલનું ભારતના હજી બે ભાગ બે-ત્રણ રવિવાર મુલતવી રાખીએ. આ ક્ષણની તાતી જરૂર ‘મીડિયા કોર્ટ’માં ચાલતો ઉપરનો કેસ પબ્લિક ડોમેઈનમાં ચર્ચવાની જરૂર છે અને મારા પરમપ્રિય વાચક! તું અત્યારે તુકારે છે, તું અત્યારે સૌથી વધુ ગમી રહ્યો છે માટે... તો તું એ પણ જાણે જ છે કે ખાન સર પ્રત્યેનો મારો આદરભાવ કદાચ મને પક્ષપાત તરફ પણ લઈ જાય.

 

તો સૌથી પ્રથમ તો મીડિયા અને એમાં ય એકતરફી, પક્ષપાતી મીડિયા ‘આજ તક’ પહેલી વાર જોયું ત્યારે જ પ્રણ લીધું તું કે ભુલથીય આ ચેનલ આવે અને એક સેકંડથી વધારે ટકે એ દિવસમાં નકોરડા ઉપવાસ કરીને દસ વખત નહાવું, એટલી વાહિયાત વાતો લગભગ કાયમ એના પરથી વહેતી હોય છે. મારે જેનું નામ લઈએ તો અશુભ જ થાય એ ચેનલને જુએ વહાણાં વાઈ ગયા છે. મોદીજી જ્યારે ગુજરાતના હતા ત્યારે પ્રભુ ચાવળા (ચાંપલા, દોઢડાહ્યા)નો ઈન્ટરવ્યૂ ફગાવીને ચાલી ગયેલા એવું કૈં યાદ છે. સીધી વાત ક્યારેય હતી જ નહીં, પત્રકારત્વને નામે પગ પકડીને અમને આજ પૂરતા બચાવી લો, યેન કેન ખુદની હોશિયારીનો દેખાડો ઠોકી બેસાડવાની એક નિર્મમ ચાલ હતી. દીપક ચોરસિયા પર એક જ્યોતિન્દ્ર દવે પ્રકારની રમૂજ સુઝેલી. નીલ આર્મસ્ટ્રોન્ગ ચંદ્ર પર પગ મુકે છે કે તરત એને બે જણા ચંદ્રની ખાડાટેકરીવાળી ધરતીમાંથી પ્રગટી પૂછે છે. ‘આમસ્ટ્રોંગ સર, આપકો યહાં તક આનેમેં કોઈ દિક્કત તો નહીં હૂઈ?’ અને પછી જવાબની રાહ જોયા વગર જ જાહેર કરે છે: ‘કેમેરા મેન સંતોષ કે સાથ દીપક ચોરસિયા આજ તક.’ મારા દોસ્ત! તું કંઈ સમજ્યો? આજ તક હાંકે રાખવાની કળા શીખ્યું એના જાણબહારના બાપ અમેરિકા પાસેથી. બીજું ગજા બહારનું હાંકે છે અનાપશનાપ બધું હોવાને કારણે. પહેલાને ત્યાંની એક દેડકી બે કોડીનો સહારો લઈ એનાથી પેટ ફુલાવી હાથણી બનવાની કોશિશ કરવા તો ગઈ પણ 140 કરોડ જાગૃતોએ એવી પછાડી છે કે આજકાલ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા સાધુબાવા પીર જ્યાં માથું ટેકવાય ત્યાં ટેકવે છે અને આ બધા એટલું જ કહે છે દેડકીને કે બેન! તું સાવ ખોટી છે અને ફક્ત ગેરરીતીઓથી ભર્યું જીવન જીવે છે, એટલું તને જણાવીએ. બીજું તો શું કરી શકીએ અમે આ બાબતમાં? મસ્જિદનાં કણકણમાં બેઠેલા ભગવાને અને મંદિરનાં આખા માહોલમાં હાજર અલ્લાહે તો એને એ પણ જણાવ્યું કે તમારે હિન્દુ મુસ્લિમ તો અમે હજી જીભવગા રાખ્યા છે. એમાંથી તમારું ગુજરાન ચલાવોને! નક્કામા આમાં ક્યાં પડ્યા?!

 

આવું કપોળ કલ્પિત, વાંચવાની મજા પડે એવું ઘણું ધસડી શકાય પણ મૂળ વાત એ છે કે વર્ણાનુપ્રાસ અલંકારનો મારી મચડીને, દુર્ગંધ આવે એવો દુરુપયોગ પત્રકારત્વમાં કરતી આ ચેનલનો બોયકોટ થવો જ જોઈએ, થવો જ જોઈએ, થવો જ જોઈએ. મને ખબર નથી અમારું છાપું અને બધા છાપાંની વાચકસંખ્યા કેટલી છે, પણ એ જેટલી પણ હોય પણ મારી સાથે સહમત થતા સજાગ વાચકોએ પોતાના વિસ્તારના 10થી 15 ઘરમાં જઈ, દરેક ઘરને કેબલ ઓપરેટરને કહીને આજતક ચેનલ ઘરમાં પેસતી બંધ કરાવાનું કહેવું જોઈએ. બહિષ્કારથી મોટું શસ્ત્ર લોકશાહીનું બીજું કોઈ છે જ નહીં. પોરબંદરનો મોઢ વાણિયો મૂરખો નહોતો કે તકલી, પૂણી, ચરખા વડે ખાદી સિદ્ધ કરી મેંચેસ્ટરની ટેક્સટાઈલ મિલોને ખેંચીને લપડાક મારી. રેવન્યુ અટકી જાય એટલે ભલભલા સીધા થઈ જાય. (મુંબઈ સમાચારમાં લખવાની એટલી મજા આવે છે કે હજુ તો એકસામટા એક લાખ કરદાતા ટેક્સ ભરવાનું 6 મહિના મુલતવી રાખે તો કોઈ પણ બજેટ એલોકેશન વખતે પબ્લિક ઓપિનિયન લેવાય કે નહીં એ વિષય પર લખવાનું તો બાકી જ છે. ‘આટલો ધરખમ ટેક્સ, આવકનો આટલો ગંજાવર જીએસટી અને આટલા અસાધારણ બીજા સરચાર્જ અને અન્ય ટેક્સ માત્ર અને માત્ર MLA અને MP અને સરકારી ઓફિસરોનો તોતિંગ ખર્ચા ચુકવવામાં જાય છે કે એમાંથી દેખાડાય છે એટલું કામ થાય છે?’ અને ‘મોદીજી! આટલો અધધધ ટેક્સ તમારા તાબામાં/કાબૂમાં હોવા છતાં તમે પેટ્રોલ/ડિઝલ પર ભાવવધારો ઝીંકવામાંથી ન ચૂક્યા!’ જેવા વિષયો પર લખવાનું તો હજી આવનારા દિવસોમાં છે જ છે.)

 

અને આવતો રવિવાર જેને કાજે આખો મેં રાખ્યો છે (અનામત નથી રાખ્યો, અહીં કોલમમાં ‘અનામત’ કેવું લાગે!) એ ખાન સર વિષે ઘણું બધું બોલાઈ રહ્યું છે અને એ પણ બધુ યથા અને યોગ્ય. 

 

તો ચિ. ભાઈ સમ્રાટ, બિહારના ભાગ્ય ઉઘાડવા મોદીજીએ તમને પસંદ કર્યા છે. એમનો આટલો મોટો નિર્ણય  બેતરફી ખોટો ના પડે એવું હાફીડીબીટ પીઢ પ્રશાંત કિશોર લઈને સજાગ ઊભા છે.

 

લિ. 

 

લલિત નારાયણ મિશ્રાની હત્યાના સમયથી બિહાર વિશે ચિંતિત ભારત ભાગ્ય વિધાતા.

અબ કીસીકો ભી નઝર આતી નહીં કોઈ દરાર 

ઘર કી હર દીવાર પર ચિપકે હૈં ઈતને ઈશ્તહાર        

                                              - દુષ્યન્ત કુમાર

 

(અસંતોષ અને કુસંપની, દીવાલો પરની તીરાડો ઢાંકી દે એવા એવા વોલપેપર્સ ઘરની દીવાલો પર ચીપકાવી દીધા છે.)

 

લીધું છે પ્રણ કે કાયમ સાચ ઉપર ચાલવાનું છે

છે આળી પાનીઓ‘ને કાચ ઉપર ચાલવાનું છે  

 

આજે આટલું જ   

   - શોભિત દેસાઈ