Mon Oct 05 2026

Logo

પુત્ર કેતન અગરવાલની હત્યાના કાવતરામાં સિયા ગોયલના કુટુંબીજનોની સંડોવણીની પિતાને શંકા

2026-09-22 17:41:21
Author: Yogesh D. Patel
પુત્ર કેતન અગરવાલની હત્યાના કાવતરામાં સિયા ગોયલના કુટુંબીજનોની સંડોવણીની પિતાને શંકા

પુણે: પુણેમાં રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર અને ટ્રેકર કેતન અગરવાલના પિતાએ શંકા વ્યક્ત કરી છે કે તેના પુત્રની હત્યાના કાવતરામાં કેતનની વાગ્દત્તા સિયા ગોયલના કુટુંબીજનો સામેલ હોઇ શકે છે. જૂન, 2026માં લોહગડ કિલ્લા પરથી ધક્કો મારીને કેતનની હત્યા કરવા બદલ સિયા અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી.વિશાલ અગરવાલે સોમવારે આરોપીઓ માટે મૃત્યુદંડની માગણી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટની નકલ મેળવવા માટે કોર્ટમાં ગયા હતા અને ઉજ્જવલ નિકલમને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવા માટેનું જાહેરનામું બહાર પાડવા માટે વિનંતી કરી હતી. ‘મેં હજી સુધી ચાર્જશીટ જોઇ નથી. હું તે વાંચ્યા પછી જ કોઇ ટિપ્પણી કરીશ. અમે તેની નકલ મેળવવા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે,’ એમ તેમણે કહ્યું હતું.
વિશાલ અગરવાલે હત્યાના કાવતરામાં સિયા ગોયલના પરિવારના અન્ય સભ્યોની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. ‘મને હજી શંકા છે કે સિયાના પિતા, માતા, ભાઇ, કાકા અને કાકી કેતનની હત્યાના કાવતરામાં સંડોવાયેલાં છે. ચાર્જશીટ વાંચ્યા પછી જ હું આ અંગે કંઇ કહી શકીશ,’ એમ તેમણે જણાવ્યું હતું.

સિયાના સહ-આરોપી ચેતન ચૌધરી સાથે ગુપ્ત રીતે લગ્ન થયાના અહેવાલોનો ઉલ્લેખ કરતાં અગરવાલે પૂછ્યું હતું કે જો આ અહેવાલો સાચા હોય તો સિયાના પરિવારે શા માટે તેના પુત્ર સાથે સિયાના લગ્ન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.અગરવાલે એમ પણ કહ્યું હતું કે તેમણે અગાઉ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક સાધીને કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવાની અને વિશેષ સરકારી વકીલ તરીકે ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવાની માગણી કરી હતી. મારી એકમાત્ર માગ છે કે મારા પુત્રની હત્યા માટે જવાબદાર લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવે. 

નોંધનીય છે કે પુણેના લોહગડ કિલ્લા પરથી 18 જૂને કેતન અગરવાલને ધક્કો મારી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સિયા, તેના પ્રેમી ચેતન અને મિત્ર રિતેશ હાંગેની ધરપકડ કરવામાં આવી હતી. પુણે ગ્રામીણ પોલીસે શનિવારે ત્રણેય વિરુદ્ધ પાંચ હજારથી વધુ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. (પીટીઆઇ)