ભુજઃ દેશના પશ્ચિમી કિનારાના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા કંડલા મહાબંદરની કાર્ગો જેટી નંબર ૬માં બપોરના અરસામાં અચાનક મોટું ગાબડું પડતાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, જેટીના અસરગ્રસ્ત ભાગ પર તે સમયે કોઈ હેન્ડલિંગ કામગીરી ચાલુ ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં જ પોર્ટ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ધસી ગયા હતા અને અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી સમારકામની તજવીજ હાથ ધરી હતી.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
મળતી વિગતો મુજબ, બુધવારે બપોરે આશરે ૧:૩૦ વાગ્યાના સુમારે છ નંબરની જેટી પર ‘એમ.વી મિનરલ કીંકુ’ નામના જહાજમાંથી આયાતી આર્યન ઓર ફાઈન અનલોડ કરવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પિલ્લર નંબર ૪૫ થી ૪૭ (પેનલ નંબર ૪૭ અને ૪૮) વચ્ચે આશરે ૧૦ બાય ૨૦ મીટરનો જેટીનો મોટો ભાગ અચાનક ધસી પડ્યો હતો. બનાવ સમયે કામગીરી મર્યાદિત હોવાથી ક્રેન કે શ્રમિકો દરિયામાં ખાબકતાં બચી ગયા હતા.
સ્લેબ સપોર્ટિંગ બીમ સ્ટ્રક્ચરથી ખસી ગયા
પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન રી-ઈનફોર્સ્ડ કોંક્રિટ સ્લેબની જાડાઈ અપૂરતી જણાઈ હતી તેમજ સ્લેબ સપોર્ટિંગ બીમ સ્ટ્રક્ચરથી ખસી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આશરે ૪૫ વર્ષ જૂની આ જેટીના નીચલા ભાગમાં દરિયાઈ ધોવાણ, ક્ષમતા કરતાં વધુ ભરેલાં વાહનોની અવરજવર તથા ઉચ્ચ ક્ષમતા ધરાવતા આર્યન ઓર કાર્ગોના વધુ પડતા સંચય (ઓવરલોડિંગ)ના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત ભાગને કોર્ડન કરી લેવાયો
કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ભાગને કોર્ડન કરી લેવાયો છે અને બાકીના ભાગમાં પોર્ટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રાખવામાં આવ્યું છે. પોર્ટ પ્રશાસન દ્વારા તમામ બર્થની માળખાકીય સ્થિરતા અને લોડ બેરિંગ ક્ષમતાનું તાત્કાલિક મુલ્યાંકન હાથ ધરવામાં આવશે. આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જેટી પર કાર્ગોનો જથ્થો મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો છે.
(ઉત્સવ વૈદ્ય)