મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી રાની મુખર્જીની માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું 22 સપ્ટેમ્બરના 75 વર્ષની વયે નિધન થયું હતું. યશ રાજ ફિલ્મ્સ તરફથી નિવેદન જાહેર કરીને કૃષ્ણા મુખર્જીના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. બાદમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ સહિત બોલીવુડના અનેક જાણીતા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. હવે અભિનેત્રી કાજોલે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના આંટી કૃષ્ણા મુખર્જીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
કાજોલે કૃષ્ણા મુખર્જીના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ
One more star gone to make a more beautiful sky..#KrishnaMukerji #RaniMukerji pic.twitter.com/e61BoOtnvf
— Kajol (@itsKajolD) September 23, 2026
કાજોલે પોતાની આંટી અને રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જી સાથેની એક તસવીર શેર કરી છે. તસવીરમાં બંને દુર્ગા પંડાલમાં જોવા મળી રહ્યાં છે. કાજોલ કૃષ્ણા મુખર્જીની બાજુમાં બેસીને પોઝ આપતી જોવા મળે છે. દુર્ગા પૂજાની આ તસવીરમાં બંને વચ્ચેનું સ્નેહભર્યું બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળે છે. તસવીર શેર કરતાં કાજોલે કેપ્શનમાં લખ્યું હતું કે ‘આકાશને વધુ સુંદર બનાવવા વધુ એક તારો ચાલ્યો ગયો...’
કાજોલ અને રાની મુખર્જી વચ્ચે શું છે સંબંધ?
કાજોલ અને રાની મુખર્જી એકબીજાની પિતરાઈ બહેનો છે. કાજોલના પિતા શોમુ મુખર્જી અને રાની મુખર્જીના પિતા રામ મુખર્જી એકબીજાના પિતરાઈ ભાઈ હતા. આ સંબંધના કારણે કાજોલ અને રાની સેકન્ડ કઝિન્સ થાય છે. આ રીતે રાનીની માતા કૃષ્ણા મુખર્જી કાજોલની આંટી થાય છે. કાજોલ અને રાની મુખર્જી એકસાથે ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યાં છે. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે બંને વચ્ચે બહુ ઓછી વાતચીત થતી હતી. સમય જતાં બંને વચ્ચેની દૂરી ઘટી અને હવે બંને એકબીજા સાથે સારો બોન્ડ શેર કરે છે.
કૃષ્ણા મુખર્જીનું નિધન
પૂર્વ પ્લેબેક સિંગર અને રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીએ 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરીને તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. સાથે જ પરિવાર દ્વારા આ દુઃખદ સમયમાં પ્રાઇવસી જાળવવાની અપીલ કરવામાં આવી હતી. મંગળવારે સાંજે મુંબઈના જુહુ સ્થિત સ્મશાનભૂમિ ખાતે કૃષ્ણા મુખર્જીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાની મુખર્જી સહિત પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. શાહરૂખ ખાન, કરણ જોહર સહિત બોલીવુડની અનેક હસ્તીઓ પણ કૃષ્ણા મુખર્જીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.