Tue Sep 29 2026

Logo

જૉ રૂટે સ્મિથ પછી સચિનનો પણ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો, ઇંગ્લૅન્ડની 3-0થી ક્લીન સ્વીપ

Birmingham   2026-09-12 20:16:19
Author: Ajay Motiwala
જૉ રૂટે સ્મિથ પછી સચિનનો પણ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો, ઇંગ્લૅન્ડની 3-0થી ક્લીન સ્વીપ

બર્મિંગમઃ ઇંગ્લૅન્ડે અહીં શનિવારે પાકિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ (Test) પણ જીતીને એનો 3-0થી વાઇટવૉશ કર્યો એ પહેલાં ઇંગ્લિશ ટીમે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ કૅપ્ટન અને ટીમના મુખ્ય બૅટ્સમૅન જૉ રૂટે (62 અણનમ, 69 બૉલ, આઠ ચોગ્ગા)એ ઉપરાઉપરી બે વિશ્વ વિક્રમ તોડીને આ સંઘર્ષ ભુલાવી દીધો હતો.

જૉ રૂટે ગુરુવારે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર સિવાયના ફીલ્ડરોમાં સૌથી વધુ કૅચ ઝીલનાર સ્ટીવ સ્મિથનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. સ્મિથના નામે 219 કૅચ છે, જ્યારે રૂટ (Root)ના નામે 220 કૅચ થઈ ગયા છે. શનિવારે રૂટે સચિન તેન્ડુલકરનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડ્યો હતો. અત્યાર સુધી સચિન ટેસ્ટમાં 68 હાફ સેન્ચુરી સાથે મોખરે હતો, પણ રૂટે શનિવારે 69મી અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડિઝનો શિવનારાયણ ચંદરપૉલ 66 હાફ સેન્ચુરી સાથે ત્રીજા નંબરે છે. ઍલન બોર્ડર અને રાહુલ દ્રવિડે 63-63 હાફ સેન્ચુરી ફટકારી હતી.

બે રનમાં બે વિકેટ, સ્થિતિ ગંભીર હતી

પાકિસ્તાન બીજા દાવમાં 449 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ઇંગ્લૅન્ડને જીતવા 130 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 24.2 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. રૂટ અને જોર્ડન કૉક્સ (59 અણનમ, 76 બૉલ, આઠ ચોગ્ગા) વચ્ચે 128 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં બન્ને બ્રિટિશ ઓપનરને શૂન્યમાં આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે પ્રથમ બૉલમાં બેન ડકેટ (0)ને વિકેટકીપર ગાઝી ઘોરીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો અને છઠ્ઠા બૉલ પર એમિલિયો ગે (0)ની વિકેટ એલબીડબ્લ્યૂમાં લીધી હતી. જોકે પછીથી રૂટ-કૉક્સની જોડીએ ધબડકો રોકીને 
ટીમનો સ્કોર 2/2 પરથી 2/130 સુધી લઈ ગયા હતા અને ઇંગ્લૅન્ડને જિતાડ્યું હતું. એ સાથે, ઇંગ્લૅન્ડે 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં 453 રન બનાવ્યા પછી 320 રનની લીડ લીધી હતી.

બે વર્ષે બર્મિગમમાં પુનરાવર્તન

ઇંગ્લૅન્ડે બે વર્ષે ફરી એક વખત ત્રણ ટેસ્ટની શ્રેણી 3-0થી જીતી લીધી છે. 2024માં બર્મિંગમમાં જ ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડિઝને 3-0થી હરાવ્યું હતું.

નવ નંબરના પાકિસ્તાનની નવ સિક્સર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા અઠવાડિયે ટેસ્ટ ટીમમાંથી સાત ખેલાડીને કાઢી નાખીને આ છેલ્લી ટેસ્ટ માટેની ટીમમાં નવા ખેલાડીઓને સમાવ્યા હતા અને રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન રઝાઉલ્લા ખાન એમાંનો એક હતો. તેણે આ ડેબ્યૂ ટેસ્ટમાં શુક્રવારે નવ છગ્ગાની મદદથી 63 બૉલમાં 81 રન બનાવ્યા હતા. ખાસ કરીને શાન મસૂદના 95 રન તેમ જ રઝાઉલ્લાના 81 રન અને મોહમ્મદ અબ્બાસના 42 રનની મદદથી જ પાકિસ્તાન બ્રિટિશરોને 130 રનનો લક્ષ્યાંક આપી શક્યું હતું. ગસ ઍટક્નિસને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ઑલી રૉબિન્સન તેમ જ જૉશ ટન્ગ અને ડૅન લૉરેન્સે બે-બે વિકેટ મેળવી હતી.