Tue Aug 18 2026

Logo

શું તમે પણ જામનગર-રાજકોટ રૂટ પર મુસાફરી કરવાના છો? તો 7 ઓગસ્ટ સુધીનું આ નવું ટાઈમ-ટેબલ ખાસ જાણી લો

2026-08-04 21:59:54
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: જો તમે પણ જામનગરથી અમદાવાદ તરફ કે અમદાવાદથી જામનગર તરફ રેલ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારી માટે મહત્વના છે. કારણે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન કાર્યના ભાગરૂપે હાપા સ્ટેશન પર 7 ઓગષ્ટ સુધી નોન-ઇન્ટરલોકિંગની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવવાની છે અને તેના કારણે આ રૂટ પરની અમુક ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર કરાયો છે. 

મુસાફરોની સુરક્ષા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન કાર્યના ભાગરૂપે હાપા સ્ટેશન પર આગામી તારીખ 7  ઓગસ્ટ, 2026  સુધી નોન-ઇન્ટરલોકિંગની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે રેલવે વ્યવહાર પર સીધી અસર પડશે અને કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફારો કરવામાં આવ્યા છે. પરિણામે, રાજકોટથી જામનગર અને હાપા વચ્ચેના સેક્શનમાં દોડતી કેટલીક ટ્રેનો નિર્ધારિત સમયગાળા માટે આંશિક રીતે રદ રાખવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઓપરેશનલ ફેરફારો અંતર્ગત ખાસ કરીને જામનગર-તિરુનેલવેલી રૂટ પર અસર થશે. 7 ઓગસ્ટના રોજ દોડનારી ટ્રેન નં. 19578  જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ જામનગરને બદલે રાજકોટથી ઉપડશે  અને જામનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત, 6 ઓગસ્ટની આ જ ટ્રેન (19578) પણ રાજકોટથી રાત્રે 23:00 કલાકે ઉપડશે. બીજી તરફ ટ્રેન નં. 19577  તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ અનુક્રમે 5 અને 6 ઓગસ્ટના રોજ માત્ર રાજકોટ સુધી જ ચાલશે અને રાજકોટથી જામનગર વચ્ચે તે આંશિક રીતે રદ રહેશે.

આ સમયગાળા દરમિયાન દુરંતો અને મડગાંવ એક્સપ્રેસ જેવી અન્ય ટ્રેનોને પણ અસર થશે. આવતીકાલની ટ્રેન નં. 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ હાપાને બદલે રાજકોટથી રાત્રે 23:00  કલાકે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 12267  મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ (5 ઓગસ્ટ) 6 ઓગસ્ટે રાજકોટ સુધી જ દોડશે અને 6 ઓગસ્ટની ટ્રેન નં. 12268  હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાના સ્થાને રાજકોટથી રાત્રે 21:20  કલાકે ઉપડશે.