Sun Aug 23 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ વચ્ચે જામનગર LCBનો મોટો સપાટો: ટેમ્પો ટ્રાવેલરના ચોરખાનામાંથી વિદેશી દારૂના 2000થી વધુ ચપલા ઝડપ્યા

2026-08-21 10:39:00
Author: Mayur Patel
Article Image

જામનગર:  લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર–લાલપુર રોડ પર છેલા ગામ નજીક પેસેન્જર વાહનની આડમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં સીટ નીચે ચોરખાનું બનાવી તેમાં છુપાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂના 2000થી વધુ ચપલા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય  દ્વારા જામનગર જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક  ડૉ. રવિ મોહન સૈની દ્વારા જામનગર જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા અંગે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના કરવામાં આવી હતી. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર  વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.  એમ.વી. ભાટીયા તથા સ્ટાફના માણસો દારૂ જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી સ્ટાફના ધનશ્યામભાઈ કેરવાળિયા, અર્જુનભાઈ કોડિયાતર તથા ધર્મેન્દ્રસિંહ જોડેજા અને કિશોરભાઈ પરમારને મળેલ બાતમીની હકીકતના આધારે જામનગર–લાલપુર રોડ પર છેલા ગામથી આગળ એસએમ ફાર્મ પાસે રોડ ઉપર પેસેન્જર વાહનની આડમાં ટેમ્પો ટ્રાવેલ્સ નં. GJ-19-X-5554માં સીટ નીચે ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી ટેમ્પોના ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂના ચપલા સાથે વિજયસિંહ બહાદુરસિંહ જોડેજા રહે. ગીરા દરેડ ગામ,જામનગર મળી આવ્યો હતો. તેમજ દરોડા દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા નંગ 2054, કિંમત રૂ. 2,09,400, એક મોબાઇલ ફોન કિંમત રૂ. 4,000 તથા ટેમ્પો ટ્રાવેલ્સ  મળી કુલ રૂ. 10,11,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.