શ્રીનગરઃ જમ્મુના બંતાલાબ વિસ્તારમાં તૈયાર થઈ રહેલા નિર્માણાધિન પૂલનો એક ભાગ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કુલ ચાર શ્રમિકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઘટના બન્યા બાદ યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.કાળમાળની નીચે ફસાયેલા લોકોને બાહર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે ભાજપના ધારાસભ્ય શામલાલ શર્માએ કહ્યું હતું કે, આ પૂલ ઘણો જૂનો હતો. એના પાયા જર્જરિત થઈ ગયા હતા.
પાયાનું કામ ચાલું હતું
આ પૂલના રીનોવેશન માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.પાયાને ફરીથી મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ માટે વિસ્તારમાં ઘણા સમયથી ખોદકામ ચાલી રહ્યું હતું.હાલ એવું લાગી રહ્યું છે કે, પૂલ પરથી વાહન પસાર થવાના કારણે કંપન્ન પેદા થયું એના કારણે આ ઘટના બની છે. સ્થાનિકો અને પોલીસ જવાનોએ સાથે મળીને રેસક્યૂ ઑપરેશન શરૂ કરી દીધું હતું. જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. આ ઘટના બાદ થોડા સમય માટે બ્રિજનું કામ રોકી દેવામાં આવ્યું હતું.
સૈન્યની ટીમ પણ બચાવ કાર્ય માટે દોડી
ઘટનાની જાણ થતા સૈન્યના જવાનોની ટીમ પણ બચાવ કાર્ય માટે દોડી ગઈ હતી. ઘટનાને નજરે નિહાળનારા એક કાશ્મીરી સ્થાનિકે જણાવ્યું હતું કે, પડવાનો અવાજ આવતા જ સ્થાનિકો બ્રિજ તરફ દોડી ગયા હતા. એ સમયે અહીંયા 5થી 7 શ્રમિકો કામ કરી રહ્યા હતા. આર્મી કે પોલીસની ટુકડી આવે એ પહેલા બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.
વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા ટીમ દોડી ગઈ હતી. હાલમાં રેસક્યૂ ઑપરેશન ચાલું છે. શ્રમિકો અંગે સારવાર થયા બાદ અને તપાસ કર્યા બાદ વિગત મળશે. સૈન્યની એમ્બ્યુલન્સમાં શ્રમિકોને સારવાર હેતું હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધારાના જેસીબી લઈ જઈને ખૂબ જ ધ્યાનથી સમગ્ર કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.