Fri May 01 2026

Logo

આવતીકાલે પશ્ચિમ બંગાળમાં 15 મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન, ફરિયાદ મળતા ચૂંટણીપંચનો નિર્ણય

2026-05-01 20:28:37
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે ફરીવાર ચોક્કસ બુથ માટેનું મતદાન થશે, પશ્ચિમ બંગાળના 24 પરગણાના 15 મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન થશે. મગરાહાટ પશ્ચિમના 11 મતદાન કેન્દ્ર અને ડાયમંડ હાર્બરના ચાર પોલિંગ બુથ પર સવારે 7 વાગ્યા મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. 29 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન થયું હતું.ચૂંટણી પંચે ગ્રાઉન્ડ લેવલ પર નિરિક્ષણ કરીને ફરીથી મતદાન કરવાનું એલાન કર્યું હતું. 

ફરિયાદ મળતા નિરિક્ષણ કરાયું
ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ મતદાન કેન્દ્ર પર 29 એપ્રિલના રોજ મતદાન દરમિયાન કેટલીક ફરિયાદ મળી હતી. આ પછી ફરી મતદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. મગરાહાટ પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને ડાયમંડ હાર્બર વિધાનસભા વિસ્તારમાં નિરિક્ષણ કરાયું હતું. અધિકારી તથા બીએલઓ પાસેથી મળેલા રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.આ આધાર પર ફરીવાર મતદાન કરવાનો નિર્ણય લેવાયો છે.ચૂંટણી પંચે રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 અંતર્ગત મતદાન રદ્દ કરી દીધું હતું. પંચના જણાવ્યા અનુસાર 24 દક્ષિણ પરગણા જિલ્લાના 77 મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન કરાવવા માટેની માગ ઊઠી હતી. 

15 મતદાન કેન્દ્રો પર જ થશે મતદાન
ચૂંટણી પંચે ગ્રાઉન્ડ સ્તર પર નિરિક્ષણ કરીને માત્ર 15 મતદાન કેન્દ્ર પર જ ફરીથી મતદાન કરાવવા માટેની મંજૂરી આપી હતી. આ માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે તે જવાબદાર અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય 62 મતદાન કેન્દ્ર પર કોઈ ફરી મતદાનની ચૂંટણી પંચની ગણતરી નથી. માત્ર 15 મતદાન કેન્દ્ર પર જ ફરીથી મતદાન થશે. 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન દક્ષિણ 24 પરગણા વિસ્તારના બસંતી વિસ્તારમાંથી કેટલીક એવી હિંસાની ઘટના સામે આવી હતી. ભાજપના ઉમેદવાર વિકાસ સરદારને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પછી હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના 76 નંબરના બુથની આસાપાસ બની હતી. અહીં ભાજપના ઉમેદાવાર વિકાસ સરદાર બુથ મુલાકાતે આવ્યા હતા. 

દરેક ઘટનાને ધ્યાને લેવાઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવાર મતદાન કેન્દ્રની મુલાકાતે ગયા હતા, એ સમયે કેટલાક લોકોએ એમના પર અચાનક હુમલો કરી દીધો હતો. સુરક્ષા કર્મી પાસેથી હથિયાર છિનવી લેવાના પણ પ્રયાસ થયા હતા. કેન્દ્રીય સુરક્ષા દળની હાજરીમાં હિંસા થઈ હતી.આ હિંસાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. આ ઘટનાના દરેક પાસાને ધ્યાને લઈને ચૂંટણીપંચે ફરીથી મતદાન કરાવવા માટે નિર્ણય લીધો હતો.