નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હવે મત ગણતરી પ્રક્રિયામાં નિરીક્ષકોની નિમણૂક અંગે ચૂંટણી પંચના નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટીએમસીએ આ અગાઉ આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે, હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
અરજીની શનિવારે તાત્કાલિક સુનાવણીની માંગ
સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટ રવિવારે બંધ રહે છે, જોકે આ અરજીની શનિવારે તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે મતગણતરી 4 મેના રોજ થવાની હોવાથી કોર્ટે આ કેસમાં ઝડપી સુનાવણી હાથ ધરવી જોઈએ.
બે જજોની બેન્ચ ટીએમસીની અરજી પર સુનાવણી કરશે
આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર ચીફ જસ્ટિસે આ મામલાની તાત્કાલિક સુનાવણી આવતીકાલે કરવા માટે નિર્દેશો આપ્યા છે. ટીએમસીની અરજી આવતીકાલે જસ્ટિસ પામિદિઘંટમ શ્રી નરસિંહા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે. સીજેઆઇ સૂર્યકાંતના આદેશ અનુસાર બે જજોની બેન્ચની રચના કરવામાં આવી છે. અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટ બે જજોની બેન્ચ ટીએમસીની અરજી પર સુનાવણી કરશે. \
કેન્દ્ર અને પીએસયુના કર્મચારીઓને મતગણતરી નિરીક્ષકો તરીકે નિમણૂકો
આ સમગ્ર વિવાદ ચૂંટણી પંચ પર દ્વારા 4 મેના રોજ યોજાનારી મત ગણતરીમાં સેન્ટર પર કેન્દ્ર અને પીએસયુના કર્મચારીઓને મતગણતરી નિરીક્ષકો અને સહાયકો તરીકે તૈનાત કરવામાં આવશે. ટીએમસીનો દાવો છે કે આ નિર્ણયમાં રાજ્ય સરકારના કર્મચારીઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. જેના કારણે ન્યાયીપણા પર પ્રશ્નો ઉભા થાય છે.
નિમણૂકો ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં
આ દરમિયાન કોલકાતા હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ આદેશને માન્ય ગણાવ્યો હતો. તેમજ કોર્ટે અવલોકન કર્યું હતું કે મતગણતરી પ્રક્રિયામાં કોઈ ગેરકાયદે દખલગીરી કરવામાં આવી નથી અને આ નિમણૂકો ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે.