Fri May 01 2026

Logo

ભગવંત માનના દારૂ પીવાના વિવાદ મુદ્દે સ્વાતિ માલિવાલનું નિવેદન, કહ્યું ટેસ્ટ કરાવો

2026-05-01 19:58:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કોંગ્રેસે પંજાબની ભગવંત માન સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબ વિધાનસભામાં શુક્રવારે વિશેષ સત્ર દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો . આ દરમિયાન કોંગ્રેસે મુખ્યમંત્રી ભગવંત માન પર દારૂ પીને વિધાનસભામાં આવવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીને અલવિદા કહી ભાજપમાં જનારી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે નિવેદન આપી દીધું છે. સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી માનનો આલ્કોહોલ ટેસ્ટ થવો જોઈએ. આ એક બેશર્મી છે. 

મિટિંગમાં પણ દારૂ પીને આવે છે

સ્વાતિ માલીવાલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, આજે ફરીથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લોકતંત્રના મંદિર પંજાબ વિધાનસભામાં દારૂના નશામાં પહોંચ્યા હતા. આ માણસ ગુરૂદ્વારા સાહિબમાં દારૂ પીને જાયછે, મંદિરમાં દારૂ પીને જાય છે, લોકસભામાં પણ દારૂ પીને આવ્યા હતા, સરકારી મિટિંગમાં પણ દારૂ પીને આવે છે.

વિદેશમાં પણ એટલો દારૂ પી લીધો હતો કે, એમને વિમાનમાંથી ઊતારી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા તેમણે પોતાના માતાના માથે હાથ રાખીને કહ્યું હતું કે,હવેથી હું ક્યારેય દારૂ નહીં પીવ. પંજાબ જેવા બોર્ડર સ્ટેટના મુખ્યમંત્રી દર વખતે નશામાં જ રહે છે. નશામાં રહીને ફાઈલ સાઈન કરે છે. 

વિધાનસભા પરિસર છોડીને ચાલ્યા ગયા

આ તો બેશરમી છે, જે માણસ દારૂથી માત્ર ઊંઘના સમયે દૂર રહે છે એ પંજાબનું સુશાસન કેવી રીતે ચલાવી શકે છે? મુખ્યમંત્રી માનનો આલ્કોહોલ સ્ટેટ કરાવવો જોઈએ. દોષિત સાબિત થાય તો મુખ્યમંત્રી પદેથી દૂર કરી દેવા જોઈએ.બીજી તરફ પંજાબ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, પંજાબમાં વિધાનસભાના આ વિશેષસત્રની કોઈ જરૂરિયાત ન હતી.

માન સરકાર માત્ર નાટક કરી રહી છે. બપોરે લંચ બાદ સત્ર ટૂંકાવી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, અહીંયા બ્રેથ એનેલાઈઝર મંગાવો અને મુખ્યમંત્રીનો ટેસ્ટ કરો. વિધાનસભાના સ્પીકરે વિપક્ષની માગ ફગાવી દીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંતસિંહ માન વિધાનસભા સત્ર અને પરિસર છોડીને કોઈ પ્રકારનો જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.