શુભાંગ બ્રહ્મભટ્ટ
વિક્રમ વન
દિવસ શનિવાર. તારીખ - 18 જુલાઈ, 2026. સમય બપોરના બાર વાગીને પાંચ મિનિટ અને 30 સેક્ધડ - 12:05:30 ઙખ.
આંધ્ર પ્રદેશના તિરૂપતિ જિલ્લાના શ્રીહરિકોટા નામના ટાપુ વિસ્તારમાં આવેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર- ‘ઈસરો’ના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી ‘વિક્રમ - વન’ નામનું સેટેલાઈટ લૉન્ચર અવકાશમાં જવા ધડાકાભેર રવાના થયું. સેટેલાઈટ લૉન્ચર એટલે ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવા માટે અંતરિક્ષમાં લઈ જતું અવકાશી વાહન. ‘વિક્રમ વન’નું અવકાશગમન કેવળ એક વધુ સેટેલાઈટ લૉન્ચરના અવકાશ ગમનની ઘટના નથી, બલકે ભારતીય અવકાશ કાર્યક્રમની એક અનન્ય સિદ્ધિ છે. ભારતીય ભૂમિ પરથી કોઈ પ્રાઈવેટ કંપની (સ્કાયરૂટ એરોસ્પેસ, ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ) દ્વારા રોકેટ અવકાશમાં ગયું હોવાની આ પ્રથમ ઘટના છે. 2020માં ભારત સરકારે સ્પેસ સેક્ટર રિફોર્મ્સની ઘોષણા કરી હતી. એના પગલે દેશમાં અવકાશ સંબંધી પ્રવૃત્તિઓમાં પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી (ખાનગી નહીં, બિન સરકારી ઉદ્યોગ)ને સહભાગી થવાની પરવાનગી મળી છે.
નવી ઈન્ડિયન સ્પેસ પૉલિસીને કારણે લોન્ચ વિહિકલ્સ, સેટેલાઈટ્સ, સ્પેસ એપ્લિકેશન્સની ગતિવિધિ સાથે સંકળાયેલા સ્પેસ સ્ટાર્ટ અપ્સના કામકાજમાં એકદમ ગતિ આવી ગઈ છે. 19 જુલાઈએ ભર બપોરે ‘વિક્રમ વન’ સેટેલાઈટ લૉન્ચરમાં પહેલા બે ઉપગ્રહ - સેટેલાઈટ (સ્કોપ અને ગ્રહ) પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવ્યા હતા. અન્ય પેલોડ (આવક ઊભી કરી આપતા અવકાશી કાર્ગો) વધુ ઉપર જઈને તરતા મૂકવામાં આવ્યા હતા.
અગાઉ 18 નવેમ્બર, 2022ના દિવસે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા શ્રીહરિકોટાથી જ ‘વિક્રમ - એસ’ નામનું ટેસ્ટ રોકેટ છોડવામાં આવ્યું હતું. જોકે, એનો હેતુ કેવળ પદ્ધતિ ચકાસવાનો હતો. આટલું વાંચ્યા પછી છેલ્લા કેટલાક દિવસોમાં 100થી વધુ ‘ઈસરો’ના વૈજ્ઞાનિકોએ કેમ રાજીનામાં આપ્યા એનો અણસાર તો આવી જ ગયો હશે.
જો તમને સ્પેસ સાયન્સ - અંતરિક્ષ વિજ્ઞાન માટે રુચિ હશે તો તમે શ્રીહરિકોટા નામથી વાકેફ હશો. 9 ઓક્ટોબર, 1971થી રોકેટને અવકાશમાં મોકલવા માટે આ સ્થળનો ઉપયોગ થઈ રહ્યો છે.
એ દિવસે ‘રોહિણી - 125’ નામનું પ્રથમ રોકેટે ઉડ્ડયન કર્યું હતું. ટેકનોલોજી ટેસ્ટિંગ અને એટમોસ્ફીયરિક પ્રોબિંગ (વાતાવરણની ચકાસણી) જેવા કામ આ રોકેટની મદદથી પાર પડ્યાં હતાં. રોહિણી રોકેટના પ્રારંભિક અવકાશી સાહસોએ ‘ઈસરો’ના આધુનિક કાર્યક્રમો માટે પાયાનું કામ કર્યું એ હકીકત છે.
શ્રીહરિકોટાની જ પસંદગી કેમ?
શ્રીહરિકોટાથી પહેલા રોકેટનું ઉડ્ડયન સતીષ ધવન સ્પેસ સેન્ટરથી 1971માં થયું, પણ આ સ્પેસ સેન્ટર 1969માં ઊભું કરવામાં આવ્યું હતું. ‘ઈસરો’ દ્વારા આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા આ ટાપુ વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી. નામમાં હરિ શબ્દ આવતો હોવાથી એના પર કળશ ઢોળવામાં આવ્યો હતો એવી કોઈ પૌરાણિક વિચારસરણી પસંદગી પાછળ નહોતી. કારણ અણીશુદ્ધ વૈજ્ઞાનિક હતું.
વાત એમ છે કે મોટાભાગના ઉપગ્રહ (સેટેલાઈટ) વિષુવવૃત્તની આસપાસ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેતા હોય છે. આપણા દેશના અન્ય કોઈ વિસ્તાર કરતા દક્ષિણ ભારત વિષુવવૃત્તની નિકટ છે. એટલે અહીંથી રોકેટ છોડવાને કારણે ઈંધણની બચત થાય છે. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેતા ઉપગ્રહ ‘જીયોસ્ટેશનરી સેટેલાઈટ’ તરીકે ઓળખાય છે અને હવામાન તેમ જ સંદેશ વ્યવહાર પદ્ધતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તમે ‘ડિસ્કસ થ્રો’ - ગોળા ફેંક તરીકે ઓળખાતી રમત જોઈ છે? જોઈ હશે તો ધ્યાનમાં આવ્યું હશે કે ગોળો ફેંક્યા પહેલા એથ્લીટ કેટલીક વાર ગોળ ગોળ ફરે છે. કેમ? એમ કરવાથી ફેંકાયેલા ગોળાને અધિક ઝડપ મળે છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરતી હોવાથી વેગ પ્રાપ્ત કરે છે. વિષુવવૃત નજીક આ વેગ સૌથી વધારે હોય છે. પરિણામે વિષુવવૃત નજીક ઉપગ્રહ તરતો મૂકતી વખતે એ જોરદાર ધક્કાથી બહાર પડે છે. આને કારણે રોકેટ ઓછું ઈંધણ વાપરે છે.
સ્પેસપોર્ટ (એરોપ્લેનનાં એરપોર્ટ એમ સ્પેસક્રાફ્ટના સ્પેસપોર્ટ) માનવ વસ્તીથી શક્ય હોય એટલા દૂર દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં, ટાપુ પર કે રણમાં હોવા જોઈએ. આકાશ તરફ ગતિ કરતી વખતે ક્યારેક રોકેટના કેટલાક ભાગ છૂટા પડી નીચે ફેંકાતા હોય છે. હવામાં એનું વિઘટન થાય અને તેનો કાટમાળ પૃથ્વી પર પડે. કેટલોક કાટમાળ ભારેખમ અને જોખમી હોવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જો આ કાટમાળ નગર કે શહેરમાં પડે તો કેવી હાલત થાય? શ્રીહરિકોટાથી અવકાશ તરફ ધસમસી રહેલું રોકેટ બંગાળના ઉપસાગર ઉપરથી પસાર થાય છે એટલે જે પણ કાટમાળ હોય એ દરિયામાં જ પડે છે.
ઓક્ટોબર - નવેમ્બરને બાદ કરતા વર્ષના 10 મહિના શ્રીહરિકોટાનું હવામાન સૂકું (ડ્રાય વેધર) હોવાથી ખુલ્લામાં પરીક્ષણ કરવામાં આસાની રહે છે. વળી આ બેરિયર આઈલેન્ડ હોવાથી એની બંને બાજુ પાણી છે અને એથી જગ્યાની સલામતી ઘણી વધી જાય છે. ભારતીય અવકાશ કાર્યક્રમનું શ્રીહરિકોટા સુવર્ણ પ્રકરણ છે. ચંદ્રાયન, માર્સ ઓર્બિટર જેવા મહત્ત્વાકાંક્ષી મિશન સહિત અનેક ઉપલબ્ધી શ્રીહરિકોટના નામે છે.
જોકે, જાણવા જેવી વાત એ છે કે શ્રીહરિકોટા આપણું પ્રથમ સ્પેસપોર્ટ નથી. એ સિદ્ધિ કેરળના તિરુવનંતપુરમમાં ંઆવેલા થુમ્બા ઈકવેટોરિયલ રોકેટ લૉન્ચિંગ સ્ટેશનને જાય છે. 63 વર્ષ પહેલા 21 નવેમ્બર, 1963ના દિવસે થુમ્બાથી એક સાઉન્ડિંગ રોકેટ (અંતરિક્ષમાં સંશોધન કરવા માટે વૈજ્ઞાનિક ઉપકરણો લઈ જતું રોકેટ) છોડવામાં આવ્યું હતું. આ સાથે ભારતના અવકાશ સંશોધનના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
મગતરાની મહાકાય મગજમારી
‘જબ અંધેરા હોતા હૈ, આધી રાત કે બાદ, એક ચોર નીકલતા હૈ’ ગીત પડદા પર આવે ત્યારે પોલીસ અને હીરો - હીરોઈનની નાસભાગ દેખાય છે. જોકે, નાઈટ થીફ કે રાતના ચોર તરીકે ઓળખાતી એક ઈયળ લટાર મારવા નીકળીને ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખાતા જાપાનના લોકોની ઊંઘ હરામ કરી રહી છે. માત્ર જાપાન જ નહીં, આપણા દેશમાં તેમ જ ચીનમાં પણ આ જીવ હાહાકાર મચાવી રહ્યો છે.
કદ પરથી પ્રાણીની તાકાતનો બાંધેલો અંદાજ ક્યારેક સાવ ખોટો પડી શકે છે. મહાકાય હાથી મગતરા જેવી મધમાખી સામે હતાશ થઈ ગયો હોય એવા વીડિયો આપણે જોયા છે. નરી આંખે નહીં જોઈ શકાય એવો બેક્ટેરિયા કોરોના નામની મહામારીથી કેવો ત્રાસ ફેલાવી શકે એનો અનુભવ આપણે કર્યો. કાળો કેર વર્તાવનાર કટવર્મ તરીકે જાણીતી ઈયળ અસંખ્ય પાકને નુકસાન પહોંચાડી રહી છે. આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા વૈજ્ઞાનિકોની એક ટીમ દિવસ - રાત મહેનત કરી ઈયળની કાર્યપદ્ધતિ સમજવામાં સફળ રહી છે.
આ ઈયળ એના રાત્રી હુમલાથી કેટલોક પાક નાશ કરવામાં સફળ રહે છે. કપાસ, મગફળી અને મરચાં જેવા મહત્ત્વના પાકને ભારે નુકસાન પહોંચે છે. આ જીવની આવરદા અત્યંત ટૂંકી હોય છે, પણ એના જીવનો અતિ ઝડપે થતો ગુણાકાર માનવજાત માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આ ઈયળ દિવસ દરમિયાન જમીનમાં ઊંડે સંતાઈ રહે અને રાતે શિકારની શોધમાં ટહેલતી હોવાને કારણે એને નાઈટ થીફનું નામ આપવામાં આવ્યું છે. બીજી એક સમસ્યા એ પણ છે કે પેસ્ટિસાઇડની એના પર કોઈ અસર નથી થતી. રાહત આપનારી વાત એ છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં એની શરીરરચનાનો અભ્યાસ થઈ શક્યો હોવાથી બહુ જલદી એને કાબૂમાં લઇ શકવામાં સફળતા મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.