Thu Jun 18 2026

Logo

દુબઈમાં ઈરાનનો ડ્રોન હુમલો, કન્ટેનર જહાજ પર આગ લાગી; બહેરીન અને કુવૈતમાં પણ વિસ્ફોટો

Dubai   2026-03-12 16:41:00
Author: Savan Zalariya
Article Image

દુબઈ: યુએસ-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષમાં ગલ્ફ પ્રદેશના અન્ય દેશો પણ લપેટાઈ ગયા છે. સુરક્ષિત માનવામાં આવતા યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)ના દુબઈમાં પણ હુમલાને કારણે ગભરાટ ફેલાયેલો છે. એવામાં આજે ગુરુવારે પણ ઈરાને દુબઈ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. શહેરના મધ્ય ભાગમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.

દુબઈની સરકારી સમાચાર સંસ્થાની ઓફિસે X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે અલ બદા'આ વિસ્તારમાં ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. અલ બદા'આના રહેણાંક વિસ્તારમાથી ધુમાડાના નાના ગોટા નીકળતા જોવા મળ્યા હતાં.

કન્ટેનર જહાજ પર પણ હુમલો:
આ ઉપરાંત દુબાઈ પાસે એક કન્ટેનર જહાજ પર પણ હુમલો કરવવામાં આવ્યો હતો.  બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરે આપેલી માહિતી મુજબ ગુરુવારે વહેલી સવારે, દુબઈના દરિયાકાંઠે પર્શિયન ગલ્ફમાં એક કન્ટેનર જહાજ પર એક હુમલો થયો હતો, જેના કારણે આગ લાગી હતી. જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

યુએઈના સંરક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, દુબઈને ડ્રોન હુમલાઓથી બચાવવા માટે બે વાર એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી અને ડ્રોન અથડાયા બાદ દુબઈ ક્રીક હાર્બરમાં એક ટાવરમાં આગ લાગી હતી, ફાયરફાઈટર્સે તુરંત કાર્યવાહી કરીને આ આગ બુઝાવી હતી.

આ દેશો પર પણ હુમલો:
ઈરાને આજે બહેરીનને પણ નિશાન બનાવ્યું હતું. બહેરીનના મુહરક ટાપુ પર ડ્રોન હુમલાને કારણે મોટી આગ લાગી, આ ટાપુ પર દેશનું એક માત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું. એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ટેન્ક આવેલા છે.

ઈરાને કુવૈત પર પણ ડ્રોન વડે હુમલો કર્યો હતો. કુવૈતના સંરક્ષણ મંત્રાલયે આપેલી જાણકારી મુજબ એક ઈરાનનું એક ડ્રોન રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું, આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.