નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટેના ખેલાડીઓની હરાજી ફરી ભારતમાં યોજવાનો નિર્ણય લેવાઈ ગયો છે. 2027ની સીઝન માટેનું પ્લેયર્સ ઑક્શન (AUCTION) ભારતમાં યોજાશે. છેલ્લાં ત્રણ વર્ષથી નાની-મોટી હરાજી વિદેશમાં યોજવામાં આવી હતી.
2023માં આઇપીએલનું ઑક્શન કોચીમાં યોજાયું હતું. ત્યાર બાદ 2024માં નાના પાયે હરાજી દુબઈમાં યોજવામાં આવી હતી. 2025માં મેગા ઑક્શન માટે સઉદી અરેબિયાનું જેદાહ શહેર પસંદ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી 2026ની હરાજી અબુ ધાબીમાં આયોજિત કરાઈ હતી. જોકે હવે ઑક્શન ભારત (INDIA)માં યોજાશે.
18મી સપ્ટેમ્બરે બીસીસીઆઇની વાર્ષિક સભા યોજાવાની છે જેમાં આઇપીએલના ચૅરમૅનપદે અરુણ ધુમાલ ફરી ચૂંટાશે. તેમણે બુધવારે પીટીઆઇને કહ્યું, `છેલ્લાં ત્રણ વર્ષથી અમે આઇપીએલની હરાજી ભારતમાં જ યોજવા સતત પ્રયત્નશીલ હતા, પણ મૅરેજ સીઝન હોવાથી ઑક્શનના સમારોહ માટે સ્થળ મળી જ નહોતું શકતું. જોકે આ વખતે (2027ની આઇપીએલ માટે)ની હરાજી નાના પાયે હશે અને એ માટે અમને સ્થળ મળી રહેશે એવી આશા છે.'
બીસીસીઆઇએ જે સ્થળની ટૂંકી યાદી નક્કી કરી છે એમાંથી જે શહેરનું સ્થળ ઉપલબ્ધ હશે એ મુજબ જાહેરાત કરવામાં આવશે.