Wed May 20 2026

Logo

અજબ ગજબની દુનિયા...

2026-03-04 14:47:14
Author: Mumbai Samachar Team
Article Image

હેન્રી શાસ્ત્રી 

રાજાની ગેરહાજરીમાં રાણી ગર્ભવતી
આડા સંબંધ, છિનાળ વૃત્તિ વગેરે ધારણા બાંધી દેવાની ઉતાવળ નહીં કરતા. એવું કશું જ નથી. એક અજાયબી છે, બસ. વાત એમ છે કે રાણીઓના સામ્રાજ્યમાં રાજાની ટોટલ ગેરહાજરી છે. આ એક મહિલા સશસ્ત્રીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, પણ મહાકાય માનવ સમાજમાં નહીં, પામર ગણાતા જંતુ સમાજમાં. કીડિયારું પૂરવામાં ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓના જ્ઞાનમાં ઉમેરો કરતી વાત એમ છે કે સંશોધકોએ એક વિશિષ્ટ પ્રકારની કીડીબાઈની જાત શોધી કાઢી છે, જેની વસાહતમાં માત્ર અને માત્ર માદા કીડી જોવા મળે છે. 

નર કીડી કે વર્કર કીડીનું એમાં અસ્તિત્વ જ નથી. નર કીડીની ગેરહાજરીમાં પણ આ કીડીની સંખ્યા નવી માદા કીડીને જન્મ આપે છે. કેવી રીતે? એસેક્સુઅલી, મતલબ કે જાતીય સમાગમ વિના. હેરત પમાડનારી વાત તો એ છે કે રાણી સાહેબા તો પોતાના ક્લોન પણ પેદા કરી શકે છે. વૈજ્ઞાનિકો અનેક વર્ષોથી એવી માન્યતા ધરાવતા હતા કે કિનોમુરાઈ પ્રજાતિની કીડી એસેક્સ્યુઅલી કીડીને જન્મ આપે છે, પણ તાજેતરમાં એક પ્રયોગશાળામાં કીડી રાણીના 43 ઈંડાંમાંથી કીડી જન્મ જોઈ તેમના અનુમાનને સમર્થન મળી ગયું છે. 

આશ્ચર્યચકિત કરનારી વાત તો એ છે કે આ કિનોમુરાઈ પ્રજાતિની કીડીઓ માકોરા પ્રજાતિની કીડીની વસાહત પર આક્રમણ કરી તેમની રાણી તેમજ કેટલીક કાર્યકર્તા કીડીઓની ‘હત્યા’ કરી પોતાની વસાહતનો ફેલાવો કરે છે. ‘સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટ’ એ ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતનું કેવું અનોખું ઉદાહરણ.

સઈ સમાજને સલામ
દરજી એ વિરોધાભાસી વ્યવસાય છે, ભાષાની દ્રષ્ટિએ. એ સીવવાનું એટલે કે ટાંકા મારી જોડવાનું કામ કરે છે તો સાથે સાથે વેતરવાનું એટલે કે બંધ બેસતો ઘાટ થવા માટે લૂગડાને કાતરવાનું કામ પણ કરે છે. કહેવત પણ છે ને કે ‘સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનનેય જાળવી.’ સઈ એટલે દરજી. કામ કે નફા માટે સગા-સંબંધીઓની પણ પરવા નહીં કરનારામાં દરજીનો પણ સમાવેશ છે. નામ- બદનામમાં અટવાયેલા આ દરજી લોકોનો 28 ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ ટેલર્સ ડે’ હતો. 

દર વર્ષે એની ઉજવણી થતી હોય છે. આંધ્રના એક ગામમાં સરકાર માન્ય દરજીઓનું એસોસિએશન વિશ્વને સિલાઈ મશીનની ભેટ આપનારા અલાઈસ હાવને અંજલિ આપવા દરજી દિવસે ભેગા થાય છે. ગામમાં એક નાનકડું સરઘસ કાઢી દરજીઓ સિલાઈ મશીન અને અન્ય ઓજારોનું પ્રદર્શન ગર્વભેર કરતા હોય છે. એટલું જ નહીં, ધન ઉપાર્જન સાથે સમાજસેવા પણ એટલી જ મહત્ત્વની છે એવી માન્યતા સાથે જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ઔષધનું વિતરણ કરે છે. 

છેલ્લા 40 વર્ષથી વિવિધ સમુદાયના લોકો આ વ્યવસાય નિષ્ઠાથી કરે છે. જોકે, નવી પેઢીમાં આ વ્યવસાય અપનાવવા અંગેની ઉદાસીનતા અને આ વ્યવસાય વિસરાઈ જશે એ ચિંતા સઈ સમાજને સતાવી રહી છે. રેડીમેડની ઘેલછામાં દરજીના વ્યવસાયને પડેલા ફટકાનો કકળાટ કરવાને બદલે બદલાયેલા સમય સાથે કૌશલ વધારવાની બાબત પર જોર આપવા નવી ડિઝાઈન અને નવી ટેકનોલોજી શીખવાને પ્રાધાન્ય આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ ‘વર્લ્ડ ટેલર્સ ડે’ નિમિત્તે કરવામાં આવી છે. સઈ સમાજને સલામ એટલા માટે કરવી જોઈએ કે સમય જ્યારે પરિવર્તન માગે છે ત્યારે એ બાબતને સહજતાથી અપનાવી લીધી છે.

દીકરાએ બાપા પર કેસ ઠોકી દીધો, કારણ કે...

બાપુજીને સામો સવાલ ન કરાય એવા બેટા લોકો હવે ઈતિહાસ બની રહ્યા છે. હવે તો  ‘ડેડ, યુ આર રોન્ગ’ કે ‘પપ્પા, તમને નહીં સમજાય’ એવું રોકડું પરખાવી દેતા સનનો જમાનો છે. 

ચીનમાં બનેલી અજબ દુનિયાની ગજબ ઘટનામાં 10 વર્ષના બાળકે પિતાશ્રી પર કેસ ઠોકી દીધો છે, કેમ? કારણ કે પપ્પા પુત્રની બચતના પૈસા ચાઉં કરી ગયા છે. ચીનના સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ચોંકાવનારા કિસ્સા અનુસાર બે વર્ષ પહેલા માતા પિતાના છૂટાછેડા પછી 10 વર્ષનો બાળક પિતાશ્રી સાથે રહેતો હતો. ચીનમાં લ્યુનાર ન્યૂ વર્ષના સપરમા દિવસે બાળકોને રોકડ રકમ ભેટમાં આપવાની પ્રથા છે. પાયલાગણના મળેલા પૈસા વાપરવાને બદલે બાળક પિતાએ ખોલાવી આપેલા બેન્ક ખાતામાં એ જમા કરાવી બચત ઊભી કરતો હતો. 

જોકે, ડિવોર્સ બાદ ડેડી બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યા અને અંતે એની સાથે સંસાર માંડવાનું નક્કી કર્યું. બાળકને એની મૂળ મા પાસે રહેવા મોકલી દીધો. અચાનક એક દિવસ દીકરાની માને જાણ થઈ કે પુત્રનું બેન્ક અકાઉન્ટ સફાચટ થઈ ગયું છે. થયું એવું કે બીજા મેરેજના ખર્ચ માટે બાપાએ બેટાની બધી સેવિંગ ખર્ચી નાખી. દીકરાએ ડેડીને સવાલ કર્યો કે ‘મને પૂછ્યા વિના કેમ પૈસા ઉપાડી લીધા?’ 

તો પરમ પૂજ્ય પિતાશ્રીનો પ્રત્યુત્તર હતો કે ભેટ પેટે મળેલી મોટાભાગની રકમ તો એના મિત્રો અને પરિવાર તરફથી મળી હતી અને પુત્ર 18 વર્ષનો થશે ત્યારે એને આપવામાં આવશે. જોકે, દીકરાને આ વાત ગળે ન ઊતરી અને બચતના 80 હજાર યુઆન (આશરે 10 લાખ 50 હજાર રૂપિયા) પરત મેળવવા કોર્ટમાં કેસ કર્યો. ચુકાદો બાળકની તરફેણમાં આવ્યો અને વ્યાજ સાથે પુત્રને 82 હજાર 750 યુઆન (આશરે 11 લાખ રૂપિયા) આપી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હું પણ છઉં ભારતનો વડા પ્રધાન...

હાલમાં ભારતમાં ‘બે વડા પ્રધાન’ છે એમ જો તમને કોઈ કહે તો ‘ટાઢા પહોરનું ગપ્પુ’ અથવા ‘શું બકવાસ વાત કરો છો’ એવી પ્રતિક્રિયા આવે એ સહજ અને સ્વાભાવિક કહેવાય. ભારતની સંસદીય લોકશાહીમાં લોકસભામાં બહુમત ધરાવતો પક્ષ અથવા મિશ્ર પક્ષોના નેતાની નિમણૂક વડા પ્રધાન તરીકે દેશના રાષ્ટ્રપતિ કરતા હોય છે. એ ધોરણે ‘હું ભારતનો વડા પ્રધાન’ એવું કહેવાનો અધિકાર એકમાત્ર નરેન્દ્ર મોદીને છે. જોકે, મહારાષ્ટ્રના નાગપુર ડિવિઝનના ચંદ્રપુર તાલુકામાં ભારતના ‘બીજા વડા પ્રધાન’ હોવાની જાણકારી બહાર આવી છે.

અલબત્ત, આ પીએમ સ્વયંઘોષિત છે. ગામડામાં રહેતા મહાદેવ ગુલાબરાવ આસેકર નામના શખ્સને જમીન વેચવાથી કેટલાક કરોડ રૂપિયાનો દલ્લો હાથ લાગ્યો અને પોતાના ગામમાં એક આલીશાન બંગલો બાંધ્યો. અહીં સુધી તો ઠીક હતું, પણ પછી મિસ્ટર મહાદેવમાં વધુ હિંમત આવી અને તેમણે વિધાનસભ્ય-સંસદસભ્ય પાસે હોય એવી એસયુવી ફોર્ચ્યુનર કાર ખરીદી અને પોતે કેબિનેટ દરજ્જો ધરાવે છે એવી છાપ ઉપસાવવાની કોશિશ કરી. હદ તો ત્યારે થઈ જ્યારે મહાશયે ‘સ્વયંઘોષિત વડા પ્રધાન પદ’ તરીકે નિયુક્તની દાવો કરી આત્મરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ ઘરે પહોંચતું કરવામાં આવે એવી માગણી પણ ચંદ્રપુર પોલીસ સ્ટેશનમાં કરી. 

જોકે પોલીસ સ્ટેશને આ માગણી પ્રત્યે સ્વાભાવિકપણે દુર્લક્ષ કર્યું એટલે મહાદેવ ગુલાબરાવ આસેકરએ અન્ય એક અરજી પણ કરી જેમાં વરિષ્ઠ અધિકારી પોતાની ફરજ નહીં બજાવતા હોવાથી તેમની હકાલપટ્ટી કરવાની માગણી કરી છે. આ સમગ્ર મામલો ચંદ્રપુર જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે. આ બાબત વાહિયાત ગણવી કે વાયડાઈ સમજવી એવો વિચાર અનેક લોકોના મનમાં ચાલી રહ્યો હોય તો નવાઈ ન લાગવી જોઈએ.

લ્યો કરો વાત 

વિવાદનું એવું છે કે આખો જન્મારો પીછો કરતો રહે અને ક્યારેક તો મૃત્યુ પછી પણ કેડો ન મૂકે. ઉત્તર પ્રદેશના સહારનપુર ગામમાં એક મહિલાના અંતિમ સંસ્કારના મુદ્દે વિવાદ ખડો થઈ ગયો. ગામમાં રહેતી એક મહિલાનું અવસાન થતા પરિવારના સભ્યો મૃતદેહ લઈ અગ્નિદાહ આપવા સ્મશાન જવા નીકળ્યા. જોકે, કેટલાક લોકોએ વાંધો ઉઠાવી અંતિમ વિધિ નહીં કરવા દેવામાં આવે એમ સાફ સાફ કહી દીધુ. કેમ? કારણ કે પરિવારે થોડા સમય પહેલા જ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. 

એટલે સ્મશાન ઘાટ પર નહીં, પણ ખ્રિસ્તી ધર્મના રિવાજ અનુસાર વિધિ કરવો એમ કહી દેવામાં આવ્યું. વિવાદ વકર્યો અને પંચાયત બોલાવવામાં આવી. એમની સામે પરિવારે કહ્યું કે ‘ભાઈસાબ, ભૂલ થઈ ગઈ. અમે મૂળ ધર્મ ફરી અપનાવી લઈએ છીએ.’ આ વાત સ્વીકારી લેવામાં આવી અને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવાની પંચાયતે મંજૂરી આપી અને અંતિમ વિધિ પાર પડ્યો.