માઉન્ટ એવરેસ્ટ, જેને નેપાળમાં આદરપૂર્વક `સાગરમાથા' અને તિબેટમાં `ચોમોલુન્ગ્મા' તરીકે ઓળખવામાં આવે છે તે આજે ઇતિહાસના સૌથી મોટા કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
દરિયાઈ સપાટીથી 8,848 મીટરની ઊંચાઈએ આવેલું આ વિશ્વનું સર્વોચ્ચ શિખર સાહસિકો માટે અંતિમ લક્ષ્ય ગણાય છે, પરંતુ વર્ષ 2026માં આ પર્વત પર પ્રવાસીઓની એવી અભૂતપૂર્વ ભીડ ઊમટી છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ અતિશય ભીડના કારણે એવરેસ્ટ આરોહણ માત્ર કપરૂ જ નહીં, પરંતુ અત્યંત જીવલેણ અને જોખમી બની ગયું છે. સાહસ અને શૌર્યનું પ્રતીક ગણાતો આ પર્વત હવે વ્યાવસાયિક પર્યટનનું કેન્દ્ર બની ગયો છે, જે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય છે.
આ વર્ષ દરમિયાન નેપાળ સરકારે રેકોર્ડબ્રેક 492 ક્લાઈમ્બિંગ પરમિટ જારી કરી છે. જ્યારે આ આંકડામાં આરોહકની સાથે જતા સપોર્ટ સ્ટાફ, ગાઈડ્સ અને સ્થાનિક શેરપાઓની સંખ્યા ઉમેરવામાં આવે ત્યારે એક જ સિઝનમાં પર્વત પર 1,000 થી વધુ લોકો સક્રિય હોય છે. તાજેતરના અહેવાલો મુજબ, માત્ર એક જ દિવસમાં 274 લોકોએ એવરેસ્ટના શિખર પર સફળતાપૂર્વક પગ મૂક્યો હતો. સપાટી પરથી આ આંકડો ગર્વ લેવા જેવો લાગે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ભીડના કારણે પર્વતના સૌથી ખતરનાક ગણાતા ડેથ ઝોન એટલે કે 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે.
આ ડેથ ઝોનમાં કુદરતી ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને ટ્રાફિક જામમાં કલાકો સુધી ઊભા રહેવાને કારણે ક્લાઈમ્બર્સનો કૃત્રિમ ઓક્સિજનનો જથ્થો ઝડપથી ખતમ થઈ જાય છે. માઇનસ 40 ડિગ્રી જેટલા અતિશય ઠંડા તાપમાનમાં લાંબો સમય સુધી સ્થિર ઊભા રહેવાથી શરીરના અંગો થીજી જાય છે અને હાઈપોથર્મિયા કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે. આ સાથે જ થાક અને માનસિક તણાવના કારણે સાંકડા રસ્તાઓ પર સંતુલન ગુમાવવાથી જીવલેણ અકસ્માત સર્જાય છે.
એવરેસ્ટ પર પર્યટકોનું આ ઘોડાપૂર અચાનક નથી આવ્યો. તેની પાછળ કેટલાંક ચોક્કસ ભૌગોલિક અને સામાજિક પરિબળો જવાબદાર છે. નેપાળ સરકાર માટે એવરેસ્ટ આવકનો મુખ્ય સ્રોત હોવાથી ભૂતકાળમાં પરમિટ આપવા પર કોઈ કડક મર્યાદા રાખવામાં આવી ન હતી. બીજી તરફ સોશ્યલ મીડિયા પર એવરેસ્ટ શિખરના ફોટોગ્રાફ્સ મૂકવાની ઘેલછાએ લાખો લોકોને આકર્ષ્યા છે, જેના કારણે પૂરતા અનુભવ વિનાના ક્લાઈમ્બર્સની સંખ્યામાં જંગી વધારો થયો છે. વળી, તિબેટ તરફથી એવરેસ્ટ ચઢવાનો રસ્તો ચીન સરકાર દ્વારા મોટાભાગે બંધ રાખવામાં આવ્યો હોવાથી, વૈશ્વિક સ્તરે તમામ ક્લાઈમ્બર્સ નેપાળના રસ્તા પર જ નિર્ભર બન્યા છે.
આ બધાના કારણે વૈશ્વિક ટીકા અને વધતા જતા મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે વર્ષ 2026માં પર્વતારોહણની નીતિઓમાં ધરખમ અને ઐતિહાસિક ફેરફારો કર્યા છે. સરકારે સિંગલ ક્લાઈમ્બરની પરમિટ ફી વધારીને 15,000 ડૉલર કરી દીધી છે, જેથી માત્ર ગંભીર પર્વતારોહકો જ આવે. હવેથી એવરેસ્ટની પરમિટ મેળવવા માટે ક્લાઈમ્બરે નેપાળમાં આવેલો કોઈ પણ 7,000 મીટરથી ઊંચો પર્વત સફળતાપૂર્વક સર કર્યો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.
આ નિયમથી બિનઅનુભવી પર્યટકો આપોઆપ ફિલ્ટર થઈ જશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ ગાઈડ કે શેરપા વિના એકલા એવરેસ્ટ ચઢી શકશે નહીં. પરમિટની માન્યતા અગાઉ 75 દિવસની હતી, જે ઘટાડીને હવે 55 દિવસ કરી દેવામાં આવી છે, જેથી પર્વત પર લાંબો સમય સુધી ભીડ એકત્રિત ન થાય. દરેક ટીમ સાથે બેઝ કેમ્પ પર સરકારી લાયસન ઓફિસરની હાજરી અનિવાર્ય કરવામાં આવી છે અને ક્લાઈમ્બર્સનું કડક મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
એવરેસ્ટને પ્રદૂષણથી બચાવવા માટે પણ કડક નિયમો અમલમાં મુકાયા છે, જેમાં દરેક પર્વતારોહક ટીમે પોતાનો તમામ કચરો ફરજિયાત નીચે લાવવો પડશે અને આ નિયમના પાલન માટે 4,000 ડૉલરની રિફંડેબલ ડિપોઝિટ રાખવાની જોગવાઈ છે. સરકાર આગામી સમય માટે પાંચ વર્ષીય એવરેસ્ટ માસ્ટર પ્લાન અમલમાં મૂકી રહી છે, જેના દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્વતની વહન ક્ષમતા નક્કી કરવામાં આવશે અને ભવિષ્યમાં ક્લાઈમ્બર્સની સંખ્યા કાયદાકીય રીતે મર્યાદિત કરવામાં આવશે.
નેપાળ જેવા વિકાસશીલ દેશ માટે એવરેસ્ટ માત્ર પર્વત નથી, પરંતુ અર્થતંત્રની કરોડરજ્જુ છે. માત્ર એક સિઝનમાં નેપાળ સરકારને આ પર્વતારોહણમાંથી 7 મિલિયન ડૉલરથી વધુની સીધી આવક થાય છે. આ ઉપરાંત, સ્થાનિક શેરપા સમુદાય માટે આ આજીવિકાનો એકમાત્ર મોટો સ્રોત છે. એક શેરપા ગાઈડ આખી સિઝન દરમિયાન જે કમાણી કરે છે તેનાથી તેમનો પરિવાર આખું વર્ષ નિર્વાહ કરે છે. આથી સરકાર સામે સૌથી મોટો પડકાર પર્યાવરણ-સુરક્ષા અને આર્થિક લાભ વચ્ચે સંતુલન જાળવવાનો છે. તજજ્ઞોના મતે, આ નવા નિયમોથી ટૂંકા ગાળામાં પ્રવાસન આવકમાં કદાચ થોડો ઘટાડો થઈ શકે, પણ લાંબા ગાળે એવરેસ્ટની કુદરતી સુંદરતા અકબંધ રહેશે અને તે સાચા અને સમર્પિત સાહસિકો માટે વધુ સુરક્ષિત અને પવિત્ર સ્થળ બની રહેશે.
અમેરિકાનું આગલું ટાર્ગેટ ક્યૂબા...
`મુંબઈ સમાચારે' અગાઉ (5 મે 2026) પણ સ્પષ્ટપણે લખ્યું હતું કે વેનેઝુએલા અને ઈરાન પછી અમેરિકાનું આગલું ટાર્ગેટ ક્યૂબા હશે, જે આજે સાચું સાબિત થઈ રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે પૂર્વ ક્યુબન લીડર રાઉલ કાસ્ટ્રો વિદ્ધ 1996માં બે સિવિલિયન પ્લેનને તોડી પાડવાના ગંભીર આરોપમાં સત્તાવાર આરોપપત્ર દાખલ કર્યું છે.
આ આક્રમક પગલાના કારણે ક્યુબાની રાજધાની હવાનામાં વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી સંભવિત સૈન્ય કાર્યવાહીની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. આ ભૌગોલિક-રાજકીય ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકા તેની વિદેશ નીતિમાં હવે વધુ આક્રમક વળાંક લઈ રહ્યું છે જે સમગ્ર લેટિન અમેરિકાના પ્રદેશને અસ્થિર કરી શકે છે.