Sun Aug 23 2026

Logo

પ્રેમસંબંધની જાણ થતાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા! તુંગભદ્રા નદીમાં ફેંકી લાશ, આ રીતે ફૂટ્યો ભાંડો...

2026-08-20 13:36:00
Author: Vimal Prajapati
Article Image

બેંગલુરુ: પતિ, પત્ની પ્રેમીમાં એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં પતિની હત્યા કરવામાં છે. ફરી એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકના દાવણગેરે જિલ્લાના પમેનાહલ્લી ગામમાંથી એક સનસનાટીભર્યા હત્યાકાંડનો ખુલાસો થયો છે. પતિને પત્નીના ગેરકાયદેસર સંબંધોની જાણ થઈ જતાં, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનું કાવતરું ઘડીને ખૂન કરી નાખ્યું હતું અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તુંગભદ્રા નદીમાં વહાવી દીધો હતો.

દારૂની લત અને અનૈતિક સંબંધોથી શરૂ થયો વિવાદ

પોલીસે ૩૬ વર્ષીય મૃતક રઘુની હત્યાના આરોપમાં તેની પત્ની શ્રુતિ, તેના પ્રેમી ઉબેદુલ્લાહ અને આ ગુનામાં મદદ કરનાર અન્ય એક શખ્સ સુરેશની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક રઘુ મજૂરી કામ કરતો હતો અને દરરોજ દારૂ પીને ઘરે આવી પત્ની તથા બાળકો સામે મારપીટ કરતો હતો. આ દરમિયાન શ્રુતિની મુલાકાત એક હોસ્પિટલમાં માળી તરીકે કામ કરતા ઉબેદુલ્લાહ સાથે થઈ હતી.

પ્રેમી સાથે મળી રઘુને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઉબેદુલ્લાહ શ્રુતિને આર્થિક મદદ કરવા લાગ્યો અને બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા. રઘુને આ બાબતની જાણ થતાં ઘરમાં કલેશ વધી ગયો હતો, જેથી બંનેએ રઘુને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. પ્રાથમિક તપાસ પ્રમાણે 11 ઓગસ્ટના રોજ ઉબેદુલ્લાહે તેના મિત્ર સુરેશ મારફતે રઘુને દારૂના અડ્ડા પર બોલાવી અતિશય દારૂ પિવડાવ્યો હતો. ત્યારબાદ તેને એક નિર્જન જગ્યાએ લઈ જઈને ગળું દબાવી દીધું હતું.

પોલીસ ફરિયાદ અને પાપનો ઘડો ફૂટ્યો

હત્યા બાદ ત્રણેય આરોપીઓએ મળીને રઘુના મૃતદેહને તુંગભદ્રા નદીમાં ફેંકી દીધો હતો. હત્યા કર્યા બાદ પત્ની શ્રુતિએ અજાણ બનવાનો નાટક કરતી રહી એટલું જ નહીં પરંતુ રઘુના પરિવારજનો સાથે તેને શોધવાનો ઢોંગ પણ કરતી રહી અને પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, શ્રુતિની શંકાસ્પદ વર્તણૂક અને આપેલા ગોળ-ગોળ જવાબોને કારણે પરિવારજનોને તેના પર જ શંકા ગઈ હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે શ્રુતિની કડક પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને નદીમાંથી રઘુના મૃતદેહને શોધવા માટે રેસ્ક્યૂ કામગીરી ચાલુ કરી છે.