Sun Aug 23 2026

Logo

₹ 20ની લાંચના કેસમાં 30 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કર્મચારી અને પટાવાળાને નિર્દોષ જાહેર કર્યાં

2026-08-20 15:10:00
Author: Mayur Patel
Article Image

માત્ર રકમ મળવાથી ગુનો સાબિત થતો નથી, માગણી સાબિત થવી જરૂરી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

નવી દિલ્હી/અમદાવાદઃ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક અંદાજ પ્રમાણે સરેરાશ પાંચથી છ લાંચિયા લોકોને પકડવામાં આવે છે. લાંચ કેસમાં ઝડપાયા બાદ કોર્ટ કાર્યવાહી ચાલતી હોય છે. આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. માત્ર 20 રૂપિયાની લાંચ માંગવાના કેસમાં 30 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ ગુજરાત સરકારના કર્મચારી-પટાવાળો નિર્દોષ જાહેર થયો હતો.

સુપ્રીમ કોર્ટે વર્ષ 1996માં નોંધાયેલા 20 રૂપિયાની કથિત લાંચના એક બહુચર્ચિત કેસમાં ગુજરાત સરકારના કર્મચારી અને તેમની સાથેના પટાવાળાની દોષસિદ્ધિ રદ કરીને બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા. ન્યાયાધીશ ઉજ્જલ ભુઈયા અને ન્યાયાધીશ અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે, લાંચની માગણી સાબિત થયા વિના માત્ર નાણાં મળી આવવાના આધારે કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં.

ફેબ્રુઆરી 1996માં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની બેચરી ગ્રામ પંચાયતમાં એક વિદ્યાર્થી શૈક્ષણિક છૂટછાટ માટે આવકનો દાખલો કઢાવવા ગયો હતો. ફરિયાદ મુજબ, રેવન્યુ અધિકારીએ દાખલો આપવા બદલ 120 રૂપિયા (પોતાના માટે 100 અને પટાવાળા માટે 20 રૂપિયા) માગ્યા હતા. વિદ્યાર્થીએ ACBનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું. પ્રમાણપત્ર મળ્યા બાદ વિદ્યાર્થીએ પટાવાળાને 20 રૂપિયા આપ્યા હતા, જે એસીબીએ રિકવર કર્યા હતા. જોકે, મુખ્ય રેવન્યુ અધિકારી પાસેથી કથિત 100 રૂપિયા મળ્યા નહોતા.

જે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે કેસની કામગીરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબતો નોંધી હતી, જે મુજબ વિદ્યાર્થીએ ઊલટ તપાસમાં સ્વીકાર્યું હતું કે પટાવાળાએ ક્યારેય નાણાંની માગણી કરી નહોતી. 120 રૂપિયા આપવાની સૂચના હોવા છતાં વિદ્યાર્થીએ માત્ર 20 રૂપિયા કેમ આપ્યા તે સ્પષ્ટ નહોતું. 

દાખલો પહેલેથી જ આપી દેવાયો હતો અને બીજા દિવસે ઈદ હોવાથી તે રકમ અપાઈ હોવાનો પટાવાળાનો બચાવ પણ તર્કસંગત જણાયો હતો. જોકે, રેવન્યુ અધિકારી સામે કેસ ચલાવવાની મંજૂરી સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવી નહોતી. 

એના પછી સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈ કોર્ટના ચુકાદા રદ કરીને બંને આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. આ સાથે લગભગ ત્રણ દાયકા જૂના કેસનો આખરે અંત આવ્યો હતો.