ફોકસ પ્લસ - દેવેશ પ્રકાશ
યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રીલિમિનરી પરીક્ષામાં સી-સેટ ફૉર્મેટનો સમાવેશ કર્યા પછી, જનરલ સ્ટડીઝનો વ્યાપ નોંધપાત્ર રીતે વિસ્તર્યો છે. જનરલ સ્ટડીઝના વિવિધ વિષયોના પ્રશ્નો હવે ફક્ત આઇએએસ પરીક્ષામાં જ નહીં પરંતુ લગભગ તમામ પ્રકારની પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, આ નૉલેજ બાઇટમાં, આપણે વૈશ્વિક જળ ચક્રના બગડતા સંતુલન વિશે ચર્ચા કરીશું.
જલવાયુ સંકટ અંગેના એક નવા અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોને એટલાન્ટિક ‘ઓશન કરંટ’ ભારે જોખમમાં હોય તેમ જણાય છે. ‘સાયન્સ ઍડ્વાન્સિસ’ માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, એટલાન્ટિક મેરિડિયોનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન (એએમઓસી) ગમે ત્યારે ઠપ્પ થઈ શકે છે. હાલમાં જ ‘ન્યૂયૉર્ક પોસ્ટ’માં છપાયેલો આ ચોંકાવનારો અભ્યાસ જણાવે છે કે, એટલાન્ટિક મહાસાગરની આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી ધારા આપણા અનુમાન કરતાં ઘણી વધુ પતનની કગાર પર છે. આ ચિંતાજનક અભ્યાસ મુજબ, આબોહવાને સ્થિર રાખવા માટે જે એટલાન્ટિક પ્રવાહનું સ્થિર રહેવું જરૂરી છે, તે અત્યંત નબળો પડી ગયો છે અને ગમે ત્યારે પડી ભાંગી શકે છે. જો આવું થશે તો વૈશ્વિક સ્તરે હવામાન સંબંધી પ્રલય આવી શકે છે. નોંધનીય છે કે આ પ્રવાહ આબોહવાને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે નબળો પડવાને કારણે આગામી દિવસોમાં આબોહવા પર ગંભીર સંકટ આવી શકે છે અને વિનાશકારી પ્રલયની આશંકાઓ વધી ગઈ છે.
પોટ્સડેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ ઇમ્પેક્ટ રિસર્ચના પોસ્ટડોક્ટરલ સંશોધક અને અભ્યાસના મુખ્ય લેખક સ્ટેફની હેનિકે ફિઝિક્સ ડૉટ ઓઆરજીને જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે સંરક્ષણ યોજનાના સંદર્ભમાં જલવાયુ પરિવર્તન અને ખાસ કરીને હવામાન સંબંધિત ગંભીર ઘટનાઓને હજુ પણ ઓછી આંકવામાં આવી રહી છે. જ્યારે આ તાજેતરનાં વર્ષોમાં તાપમાનમાં થતા ફેરફારો કરતાં પણ ક્યાંય વધુ ખતરનાક હશે. જે પ્રવાહના જોખમમાં હોવાની વાત થઈ રહી છે, તે મેરિડિયોનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન છે, જે મહાસાગરની એક ‘ક્ધવેયર બેલ્ટ’ છે, જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોથી ઉત્તર ગોળાર્ધ તરફ ગરમ પાણીને મહાસાગરની સપાટી તરફ ફેલાવે છે.
આ સમુદ્રી પ્રવાહ, જેમાં મેક્સિકોના અખાતથી પૂર્વીય કિનારા અને એટલાન્ટિક મહાસાગરને પાર કરીને યુરોપ સુધી વહેતી ‘ગલ્ફ સ્ટ્રીમ’ પણ સામેલ છે- તે યુરોપ, બ્રિટન અને પૂર્વીય કિનારાની આબોહવાને હૂંફાળી રાખવામાં મદદરૂપ છે. આ રીતે તે સમુદ્રી જીવોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, પરંતુ અભ્યાસ મુજબ વર્ષ 2100 સુધીમાં એએમઓસીની ગતિ 43%થી 59% સુધી ધીમી થઈ જશે, જે અગાઉના અંદાજો કરતાં 60% વધુ નબળાઈ દર્શાવે છે. જો આ અનુમાન સાચું પડશે તો પૃથ્વીનું પર્યાવરણીય સંતુલન પાછા ન ફરી શકાય તેવા અશક્ય બિંદુને વટાવી ગયું હશે અને તેના સંપૂર્ણપણે તૂટી પડવાથી ભયાનક આપત્તિ આવી શકે છે; અને આ આપત્તિ એકવાર આવીને જતી નહીં રહે, પરંતુ હજારો વર્ષો સુધી ટકી રહી શકે છે. તેનાથી ઉત્તર અમેરિકામાં સમુદ્રના સ્તરમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા છે.
આ સમય દરમિયાન દક્ષિણ યુરોપ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું હશે અને ઉત્તર યુરોપમાં તાપમાન 60 ડિગ્રી ફેરનહીટ સુધી ગગડી શકે છે. આ જ કારણે અત્યારે ‘ક્લાયમેટ ક્રાઇસિસ’ના રૂપમાં પૂરી દુનિયામાં એએમઓસીની જબરદસ્ત ચર્ચા છે અને આ ચર્ચાના કેન્દ્રમાં એ જ વાત છે કે આવનારા દિવસોમાં યુરોપ ભીષણ ઠંડીનો સામનો કરશે, અમેરિકામાં સમુદ્રનું જળસ્તર વધશે અને સમગ્ર વિશ્વમાં પાક ઉત્પાદનમાં ગંભીર સંકટ જોવા મળશે. આ જ કારણે જલવાયુ પરિવર્તન પર હવે ગ્લોબલ વૉર્મિંગની સાથે સાથે એએમઓસીને પણ ફોકસ પૉઇન્ટમાં રાખવામાં આવી રહ્યું છે. એએમઓસીનું કાર્ય તાપમાન અને ક્ષારતા પર આધારિત છે, જેને ‘થર્મોહાઇલાઇન સર્ક્યુલેશન’ પણ કહેવામાં આવે છે. તે ગરમ પાણીને ઉત્તર તરફ મોકલે છે, જ્યારે ઠંડું થઈને આ જ પાણી બરફ બને છે, જેનાથી ઠંડકનું ઘનત્વ વધે છે અને આ બરફ પાણીની નીચે નોર્થ એટલાન્ટિકમાં ડૂબી જાય છે. આ ઊંડાઈમાં જ આ પાણી દક્ષિણ તરફ પાછું ફરે છે અને ફરીથી સપાટી પર આવીને ગરમ થાય છે, જેના કારણે સમુદ્રના આ પાણીનું ચક્ર સતત ચાલતું રહે છે. એએમઓસીને પૃથ્વીની જલવાયુ પ્રણાલીનું હૃદય માનવામાં આવે છે. તેના કારણે જ યુરોપ ગરમ રહે છે અને જો આ ન હોય તો યુરોપ અત્યંત ઠંડું પડી જશે.
એએમઓસીને કારણે જ ભારતમાં ચોમાસું સર્જાય છે. જો એએમઓસી પ્રભાવિત થશે, તો તેની અસર ભારતના ચોમાસાની પદ્ધતિ પર પણ પડશે. જો સરળ શબ્દોમાં કહીએ તો, એએમઓસી નબળું પડવાથી ભારતમાં વરસાદનું સંતુલન ખોરવાઈ જશે.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે, આ એએમઓસી દરિયાઈ જીવો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પોષક તત્ત્વોને સપાટી પર ઉપર લાવે છે, જે માછલીઓ અને દરિયાઈ જીવવૈવિધ્ય માટે અનિવાર્ય હોય છે. મહાસાગરો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને એએમઓસી આ પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જો એએમઓસી અટકી જશે, તો મહાસાગરો કાર્બન ડાયોક્સાઇડથી ભરાઈ જશે અને તેનાથી વિશ્વનું વર્તમાન પર્યાવરણીય સંકટ વધુ ઘેરી બનશે. એએમઓસી અત્યારે એટલે ચર્ચામાં છે, કારણ કે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો તેને રોકવામાં સફળતા નહીં મળે, તો તે એક એવું બિંદુ હોઈ શકે છે જ્યાંથી જલવાયુ સુધારા માટે પાછા ફરવું અશક્ય હશે.
એકંદરે, એએમઓસી તાજેતરના સમયમાં થયેલા સૌથી ચિંતાજનક અભ્યાસોમાંનો એક છે. તે સૂચવે છે કે પૃથ્વીની આબોહવા પ્રણાલીની સંતુલન પદ્ધતિ ખોરવાઈ ગઈ છે. જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેનાં અત્યંત ગંભીર પરિણામો આવશે.