Mon May 25 2026

Logo

પ્રાસંગિકઃ ઇઝરાયલ - અમેરિકા - ઈરાન: મહાયુદ્ધ...

2026-03-04 14:42:09
Author: Mumbai Samachar Team
Article Image

અમૂલ દવે

મધ્ય પૂર્વમાં યુદ્ધના કાળાઓછાયા પડ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તાજેતરના સીધા સંઘર્ષે વિશ્વની શાંતિ, અર્થતંત્ર અને ભૂ-રાજકીય સમીકરણો પર ઊંડી અસર કરી છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહીમાં ઈરાન પર વ્યાપક હુમલા કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું. આ ઘટનાએ યુદ્ધને એક નવો વળાંક આપ્યો છે અને તણાવને વધુ તીવ્ર બનાવ્યો છે.

આ હુમલાના માત્ર બે દિવસ પહેલાં, 26 ફેબ્રુઆરી 2026ના જિનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે પરોક્ષ વાટાઘાટો ચાલી રહી હતી. ઓમાનની મધ્યસ્થી હેઠળ ચાલેલી આ વાટાઘાટોમાં કેટલીક પ્રગતિ થઈ હોવાના અહેવાલો હતા, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પર આ વાટાઘાટોને માત્ર ઈરાનને લલચાવવા અને તેમને સુરક્ષાની ખોટી ભાવના આપવાના બહાના તરીકે વાપરવાનો આરોપ લાગ્યો છે. 

ઈરાની અધિકારીઓ અને વિશ્ર્લેષકોના મતે, અમેરિકા અને ઇઝરાયલે આ વાટાઘાટોનો ઉપયોગ ઈરાનને શાંત રાખવા અને આશ્ચર્યજનક હુમલાની તૈયારી માટે કર્યો હતો. આ અગાઉ જૂન 2025માં 12 દિવસના યુદ્ધ દરમિયાન પણ આવી સમાન પેટર્ન જોવા મળી હતી, જ્યાં વાટાઘાટો ચાલુ હતી ત્યારે જ ઇઝરાયલે હુમલા કર્યા હતા. આ વખતે પણ જિનીવા વાટાઘાટોમાં પ્રગતિ હોવા છતાં, ટ્રમ્પ પ્રશાસને હુમલાને ‘પ્રિ-એમ્પ્ટિવ’ ગણાવીને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ સુવિધાઓને નિશાન બનાવ્યા.

નેતૃત્વના સફાયા માટેની આ ‘ડિકેપિટેશન સ્ટ્રાઈક’માં ખામેનેઈની સાથે ઈરાનના અન્ય અનેક વરિષ્ઠ નેતાઓ અને સૈન્ય અધિકારીઓના પણ મોત થયા છે. અમેરિકીપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આને એક મોટી સફળતા ગણાવી અને કહ્યું કે ‘સત્તા પરિવર્તન (રેજીમ ચેન્જ) ના ઉદ્દેશ્ય સાથે આ કાર્યવાહી ચાલુ રહેશે.’ 

તેમણે એમ પણ ઉમેર્યું  કે આ ઓપરેશન ચાર અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે છે. અત્યાર સુધીમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનમાં 2,000થી વધુ ટાર્ગેટ પર હુમલા કર્યા છે, જેમાં બેલિસ્ટિક મિસાઈલ સાઈટ્સ, ન્યુક્લિયર સુવિધાઓ અને સૈન્ય બેઝનો સમાવેશ થાય છે અને તેમણે તહેરાન પર હવાઈ શ્રેષ્ઠતા હાંસલ કરી છે.

ખામેનેઈના મૃત્યુએ ઈરાનમાં વિરોધાભાસી પ્રતિક્રિયાઓ ઊભી કરી છે. એક તરફ રાજ્ય-સમર્થિત લોકોમાં ભારે શોક છે અને તેમને શહીદ તરીકે સન્માન આપવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઉજવણી અને વિરોધ પ્રદર્શનો પણ જોવા મળ્યા છે. ઈરાની સરકારે 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. એવા અહેવાલો છે કે ખામેનેઈએ અગાઉથી જ ઉત્તરાધિકારીની વ્યવસ્થા કરી રાખી હતી, પરંતુ હાલમાં ત્રણ વ્યક્તિઓની બનેલી અસ્થાયી કાઉન્સિલ નેતૃત્વ સંભાળી રહી છે. આ સંકટના સમયમાં નવા સુપ્રીમ લીડરની નિમણૂકમાં વિલંબ થઈ શકે છે.

બીજી તરફ, ઈરાને પણ આ હુમલાનો તાત્કાલિક બદલો લીધો છે. યુદ્ધના પ્રથમ ત્રણ દિવસમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, જેમાં કેટલાક ઇઝરાયલીઓના મોત થયાના અહેવાલ છે. આ ઉપરાંત, તેમણે ગલ્ફમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ પર પણ હુમલા કર્યા, જેના પરિણામે બહેરીન, કુવૈત, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયામાં વિસ્ફોટો થયા. દુબઈ, અબુ ધાબી અને દોહાના એરપોર્ટ પર નુકસાન થવાના કારણે હવાઈ માર્ગો બંધ કરવામાં આવ્યા અને હજારો ફ્લાઈટ રદ થઈ. કુવૈતમાં અમેરિકન વિમાનો ક્રેશ થયા હોવાના અહેવાલ છે, જોકે ક્રૂ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.  

આ યુદ્ધ હવે લેબનોન સુધી ફેલાયું છે. ખામેનેઈના મૃત્યુના બદલામાં હિઝબુલ્લાએ ઇઝરાયલ પર રોકેટ હુમલા કર્યા, જેના જવાબમાં ઇઝરાયલે બેરુત નજીક હિઝબુલ્લાના ઠેકાણાઓ પર બૉમ્બમારો કર્યો. લેબેનોનમાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા છે, જે આ યુદ્ધને વધુ વ્યાપક બનાવી શકે છે. અમેરિકામાં પણ આ સૈન્ય કાર્યવાહીની તીવ્ર ટીકા થઈ રહી છે. ડેમોક્રેટ્સ, ખાસ કરીને કમલા હેરિસે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે કૉંગ્રેસની મંજૂરી વિના યુદ્ધ શરૂ કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, જેની આગામી મિડટર્મ ચૂંટણીઓ પર પણ મોટી અસર પડી શકે છે.

આ વૈશ્વિક સંઘર્ષની અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર પડી રહી છે. મધ્ય પૂર્વ તેલનું મુખ્ય કેન્દ્ર હોવાથી આ અસ્થિરતાએ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો લાવી દીધો છે. શૅરબજારોમાં અફરાતફરીનો માહોલ છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિક્ષેપિત થયો છે અને મોંઘવારીમાં ભયજનક વધારો થવાની આશંકા છે. મુસ્લિમ દેશોની સ્થિતિ પણ વિરોધાભાસી છે. યુએઈ અને બહેરીન જેવા દેશ સત્તાવાર રીતે અમેરિકાની પડખે છે, પરંતુ તેમની જનતા ઈરાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, જે ભવિષ્યમાં આંતરિક અશાંતિનું કારણ બની શકે છે.

આ યુદ્ધ માત્ર એક સૈન્ય સંઘર્ષ નથી, પરંતુ તે વર્તમાન વિશ્વ વ્યવસ્થાની એક મોટી કસોટી છે. અમેરિકા અને ઇઝરાયલની સૈન્ય શ્રેષ્ઠતા હોવા છતાં, ઈરાનનો પ્રતિકાર અને આંતરિક વિરોધ એ વાતના સંકેત આપે છે કે આ યુદ્ધના પરિણામો અત્યંત અણધાર્યા હોઈ શકે છે. 

જિનીવા વાટાઘાટોના બહાના હેઠળ થયેલા આ હુમલાએ આંતરરાષ્ટ્રીય વિશ્વાસને ઊંડી ચોટ પહોંચાડી છે. આગામી થોડા અઠવાડિયાઓ નક્કી કરશે કે યુદ્ધ કઈ દિશામાં જશે અને દુનિયાનું ભવિષ્ય શું હશે. શાંતિ માટે કૂટનીતિની તાતી જરૂર છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં તે ખૂબ જ દૂરની વાત લાગી રહી છે. આ બધું જોતાં, ઈરાન હવે કોઈપણ પ્રકારની ચર્ચા કે વાટાઘાટોનું જોખમ લેવા બિલકુલ તૈયાર નથી.