Mon May 25 2026

Logo

વિધાન પરિષદમાં બેઠકોની વહેંચણી અંગેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો: દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

2026-05-25 18:26:53
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2026ની વિધાન પરિષદની ચૂંટણી માટે મહાયુતિની બેઠકોની વહેંચણી ફોર્મ્યુલા નક્કી કરવા માટે ચર્ચા ચાલી રહી છે અને તેઓ ટૂંક સમયમાં સાથે બેસીને કોઈ રસ્તો શોધી કાઢશે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા મતવિસ્તારની 17 બેઠકો માટે રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે. ચૂંટણીની જાહેરાત થયા પછી, મહાયુતિમાં હવે બેઠકોની વહેંચણી અંગે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આમાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હવે આ ચૂંટણી અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘વિધાન પરિષદમાં બેઠકોની વહેંચણી અંગે અમારી ચર્ચા ચાલી રહી છે અને બધા પક્ષો સાથે બેસીને કોઈ રસ્તો શોધી કાઢીશું.’ 

મુંબઈમાં મહારાષ્ટ્ર રાજ્ય જવાહર બાલભવનમાં નવીનીકૃત ઇમારતનો ઉદ્ઘાટન સમારોહ સોમવારે યોજાયો હતો. સમારોહમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, શિક્ષણ પ્રધાન દાદા ભૂસે અને રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ભોયર હાજર રહ્યા હતા. આ સમારોહ પછી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ‘અમે વિધાન પરિષદની ચૂંટણીઓ વિશે વિગતવાર ચર્ચા કરી રહ્યા છીએ. સામાન્ય રીતે, શિવસેના સાથે બે બેઠકો - નાસિક અને સંભાજીનગર પર ચર્ચા ચાલી રહી છે, જ્યારે પુણે બેઠક પર એનસીપી સાથે ચર્ચા ચાલી રહી છે. અમે સાથે બેસીને આ અંગે ચોક્કસ વચલો રસ્તો અપનાવીશું. હજુ સુધી અંતિમ નિર્ણય નક્કી થયો નથી, પરંતુ આમાંથી ચોક્કસપણે સકારાત્મક રસ્તો નીકળશે.’ 

યોગ્ય સમયે મહાયુતિના ફોર્મ્યુલામાં ફેરફાર?

આ દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાયુતિમાં સીટ-વહેંચણી ફોર્મ્યુલામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે. અગાઉ, એવી ચર્ચા હતી કે ભાજપ 12, શિવસેના ત્રણ અને એનસીપી બે બેઠકો પર ચૂંટણી લડશે. જોકે, હવે નવા સમીકરણ મુજબ, ભાજપને 12, શિવસેના ચાર અને એનસીપી એક બેઠક મળવાની શક્યતા છે.

આમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના થાણે, નાશિક, યવતમાળ અને પરભણી-હિંગોલીની પરંપરાગત બેઠકો પર દાવો કરશે. રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગની મહત્વપૂર્ણ બેઠક એનસીપી પાસે જઈ શકે છે. ઉપરાંત, ભાજપે પુણે સહિત અન્ય મહત્વપૂર્ણ બેઠકો પર પોતાનો દાવો જાળવી રાખ્યો છે. આ સંભવિત ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને સુનેત્રા પવાર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે.

દરમિયાન, થાણે, પુણે, નાશિક, સોલાપુર, અહમદનગર, જળગાંવ, નાંદેડ, સાંગલી-સાતારા, યવતમાળ, ભંડારા-ગોંદિયા અને અમરાવતી જેવા મુખ્ય સ્થાનિક સ્વરાજ્ય મતવિસ્તારોમાં ચૂંટણી યોજાવાની હોવાથી, સમગ્ર રાજ્યનું ધ્યાન આ લડાઈ પર કેન્દ્રિત છે.