Mon May 25 2026

Logo

ગુજરાતમાં ભરતીમેળામાં 5 વર્ષમાં 6.54 લાખ યુવાનોને રોજગારી મળી હોવાનો દાવો

2026-05-25 19:03:40
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 7403 જેટલા મેગા રોજગાર ભરતીમેળામાં કુલ 6.54 લાખ કરતાં વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ મળી હોવાનો દાવો કર્યો છે. આ આંકડા વર્ષ 2021-22 થી 2025 -26ના છે. જે અંતર્ગત વર્ષ 2025-26 ના એક જ વર્ષમાં 1333  રોજગાર ભરતી-મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1,15,774 થી વધુ યુવાનોને રોજગારીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

દેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ ઉમેદવારોના ઇન્ટરવ્યુ માટે આવી 

આ રોજગાર મેળાની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં દેશની ટોચની કોર્પોરેટ કંપનીઓ સીધી જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ માટે આવી હતી. જેમાં ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, હોન્ડા મોટરસાયકલ, રિલાયન્સ જીઓ, આર્સેલર મિત્તલ, ટોરેન્ટ ફાર્મા અને અરવિંદ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત ગ્રીન એનર્જી સેક્ટરમાં કાર્યરત અદાણી સોલર જેવી કંપનીઓએ પણ મોટા પાયે યુવાનોની પસંદગી કરી છે. સમગ્ર રાજ્યમાંથી 28,000 થી વધુ નોકરીદાતાઓ આ રોજગાર-મેળામાં સામેલ થયા હતા.

રાજ્યમાં 46 રોજગાર કચેરીઓ કાર્યરત 

રોજગાર વિભાગ હાલમાં નોકરીવાંચ્છુ ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે 'સેતુ' સમાન કામગીરી કરી રહ્યું છે. રાજ્યની ૪૬ રોજગાર કચેરીઓ દ્વારા સૌપ્રથમ કંપનીઓની રોજગાર-જરૂરિયાત જાણવામાં આવે છે. ત્યારબાદ શાળા, કોલેજ કે ITI કેમ્પસનો સંપર્ક કરી સોશિયલ મીડિયા, ઇ-મેઇલ અને પત્ર વ્યવહાર દ્વારા લાયક ઉમેદવારોને જાણ કરાય છે. ભરતીમેળાના દિવસે ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂર્ણ કરી પસંદગી  કરવામાં આવે છે.