કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતાની સાથે જ મમતા બેનર્જી સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં હવે કોલકાતા પોલીસ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પહોંચી છે. બેનર્જીના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેનર્જીને અગાઉ પરિસરમાં ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી.
સુરક્ષા માટે લગાવેલી ડિવાઇસ પોલીસે દૂર કરી
અભિષેક બેનર્જીના નિવાસસ્થાને ત્રણ સીસીટીવી કેમેરા સાથે જોડાયેલા ત્રણ ટીવી સેટ હતા. તેમજ સુરક્ષા માટે અન્ય ડિવાઇસ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. કોલકાતા પોલીસની એક ટીમ અભિષેક બેનર્જીના નિવાસે પહોંચીને તમામ ઉપકરણો દૂર કર્યા હતા.
17 મિલકતો અંગે નોટિસ ઇસ્યુ કરી હતી
આ પૂર્વે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અભિષેક બેનર્જીની કથિત માલિકીની અથવા સહ-માલિકીની અનેક મિલકતોની તપાસ શરૂ કરી હતી. જેના પરિણામે તેમની 17 મિલકતો અંગે નોટિસ ઇસ્યુ કરી હતી. ત્યાર બાદ અભિષેક બેનર્જીએ ગેરકાયદે બાંધકામો અંગેની નોટિસનો જવાબ આપવા માટે સમય વધારવાની વિનંતી કરતો પત્ર લખ્યો હતો.