Sun Oct 11 2026

Logo

‘દ’ દીકરીનો ‘દ’: પરીકથામાંથી પરી જ ગુમ?

2026-10-11 08:18:00
Author: Sanjay Chhel
‘દ’ દીકરીનો ‘દ’: પરીકથામાંથી પરી જ ગુમ?

 

 

 

મિજાજ મસ્તી - સંજય છેલ

 

ટાઇટલ્સ: 



 

દરેક ઢીંગલીમાં અનેક વાર્તાઓ છૂપાયેલી છે. (છેલવાણી) 

એક અંધારી હવેલીમાં એક રાત્રે, 10-12 વરસની દીકરી પગથિયાં  પરથી દીવો લઇને ધીમે ધીમે નીચે ઊતરે છે. હવાનાં ઝાપટાંથી અચાનક દીવો ઓલવાઈ જાય છે. અંધારામાં બાળકી મૂંઝાઈને કહે છે: ‘બાપુ, હું તો ખોવાઈ ગઈ!’

 

વિશ્ર્વકવિ રવિ ઠાકુર-રવીન્દ્રનાથ ટાગોરની આ કવિતામાં અનેક અર્થ છુપાયા છે. આપણે ત્યાં આઝાદીનાં આટલાં વરસ બાદ પણ કરોડોની ભીડમાં ક્ધયાઓ વસ્તીમાં ખોવાતી રહી છે કે પછી આપણે જાણી જોઈને ખોઈ નાખી છે.

 

એવામાં એક માસૂમ વાર્તા યાદ આવે છે:

 

એક રાજ્યના રાજા-રાણીને વરસો સુધી કોઈ બાળક થતું નહોતું. પછી અનેક યજ્ઞયાગ, વ્રત-તપસ્યા બાદ એમને ત્યાં એક ક્ધયાનો જન્મ થયો. ક્ધયાના નામકરણ વિશે છઠ્ઠીની પૂજા માટે રાજ-જ્યોતિષને બોલાવવામાં આવ્યા. ક્ધયાનો હાથ જોઈને રાજ જ્યોતિષ ચોંકી ગયા અને મનમાં વિચારવા માંડ્યા કે આ ક્ધયા તો મોટી થઈને બહુ હોંશિયાર થશે! જ્યોતિષને થયું કે ક્ધયાના અતિજ્ઞાનને કારણે મારું દરબારમાં માન નહીં રહે. એટલે એણે ક્ધયાને કોઈ પણ રીતે મારી નાખવાના આશયથી રાજાની કાન ભંભેરણી કરીને કહ્યું, ‘મહારાજ, આ છોકરી મોટી થઈને પોતાનાં જ માતા-પિતાનો નાશ કરશે. તમે આને લાકડાની પેટીમાં મૂકીને નદીમાં વહાવી દો.

 

ખરેખર તો રાજાને પણ દીકરો જ જોઈતો હતો જે રાજ કરી શકે અને દીકરી જન્મી એટલે નિરાશ અને નારાજ પણ હતો જ. હવે રાજા બાળકીને નદીમાં વહાવી દેવા તૈયાર થઈ ગયો. રાજાએ લાકડાની પેટી બનાવડાવી અને બાળકીને નદીમાં વહાવવાની તૈયારી કરી. આ જોઈ દુ:ખી રાણીનો જીવ ના ચાલ્યો, આખરે તો મા ને? એટલે રાણીએ બાળકીની સુરક્ષા માટે પેલી લાકડાની પેટીને સોનાની બનાવી દીધી, જેથી સોનું જોઈને કોઈ પણ પેટીને પાણીમાંથી બહાર કાઢે તો બાળકી બચી શકે!

 

સોનાની પેટી નદીમાં તરતાં-તરતાં બીજા રાજ્યમાં પહોંચી. ત્યાં નદીના ઘાટ પર એક ધોબીએ સોનાની પેટી જોઈને લાલચમાં આવી ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ પેટી પકડમાં આવતી નહોતી. નદી પાસે એક કુંભાર માટી લેવા માટે આવ્યો હતો. ધોબીએ એની મદદ માગી. કુંભારે કહ્યું, ‘એક જ શરતે હું પેટી બહાર કાઢીશ! સોનાની પેટી ભલે તું રાખી લે, પણ પેટીની અંદર જે કંઈ હશે એને હું રાખી લઇશ.’ ધોબી શરત માની ગયો. કુંભારે સોનાની પેટીને નદીમાંથી બહાર કાઢી. પેટી ખોલીને જોયું તો એમાં એક સુંદર બાળકી હતી. કુંભારને કોઈ બાળક નહોતું એટલે એ તો ખુશી ખુશી બાળકીને ઘરે લઈ ગયો અને એનું લાલન પાલન કરવા લાગ્યો. છોકરી તો તાજા ફૂલની જેમ દિનરાત ખીલતાં ખીલતાં મોટી થવા માંડી.

 

આ બાજુ વરસો બાદ પણ પેલા રાજાને બાળક થતું નહોતું માટે એણે બીજાં લગ્ન કરવાનું નક્કી કર્યું. એણે નગરના લોકોને યોગ્ય ક્ધયા શોધવા ગામેગામ મોકલ્યા. શોધતાં શોધતાં લોકો એ જ કુંભારના ઘરે એની દીકરીનો હાથ માગવા આવી પહોંચ્યા. કુંભારે બૂઢા રાજા સાથે દીકરીનાં લગ્ન કરવા માટે ના પાડી, પણ લોકોએ કુંભારને ડરાવી- ધમકાવીને મનાવી લીધો, પરંતુ છોકરીએ પણ વૃદ્ધ રાજા સાથે પરણવા માટે વિરોધ કર્યો. રાજાના મનમાં શંકા જાગી કે આ છોકરી મારી સાથે લગ્ન કરવા કેમ નથી માગતી? માટે રાજાએ હવે પેલા જ રાજ જ્યોતિષને બોલાવીને કહ્યું કે મારી ભાવિ જુવાન દુલ્હનનો હાથ જોઈને કહો કે મામલો શું છે?

 

ઇન્ટરવલ:

 

નન્હી કલી સોને ચલી, હવા ધીરે આના

 

નીંદ ભરે પંખ લિયે ઝૂલા ઝૂલા જાના. (મજરૂહ)

 

રાજ જ્યોતિષને ક્ધયાનો હાથ જોતાવેંત જ ખબર પડી ગઈ કે- ‘આ તો એ જ ક્ધયા છે જેને મેં રાજા પાસે વહેવડાવી દીધી હતી!’ અને એ છોકરી હજી જીવિત છે એ જાણીને જ્યોતિષ બહુ જ ગભરાઈ ગયા અને ‘હું હમણાં આવું છું’ કહીને ત્યાંથી નાસી ગયા.

 

રાજ જ્યોતિષને આ રીતે ભાગતાં જોઈને રાજા ગુસ્સે ભરાયો. એને પકડીને લાવવા સૈનિકોને મોકલ્યા. જ્યોતિષ ગભરાઈને રાજ્ય છોડી જવાની તૈયારીમાં જ હતા ત્યારે સૈનિકોએ એને રસ્તામાં પકડી લીધા ને રાજાની પાસે લઈ આવ્યા. હવે રાજ જયોતિષે રાજાને બધું સાચે સાચું કહી દીધું : મહારાજ, આ તમારી જ દીકરી છે! મેં જ એનો હાથ જોઈને વરસો આગાઉ આખો ખેલ કરેલો!’

 

આ સાંભળીને રાજાને બહુ જ ગુસ્સો આવ્યો અને એણે રાજ જ્યોતિષને કઠોર સજા ફટકારી. એ પછી રાજાએ એની દીકરી સાથે મળીને ઘણા યે વરસો સુધી રાજ કર્યું અને પછી પોતાના રાજકીય  વારસ તરીકે એ છોકરીને જ સિંહાસન સોંપ્યું.

 

આમ તો આ લોક-કથા છત્તીસગઢમાં આવેલ, બસ્તર આદિવાસી ઇલાકાની હલ્બી બોલીની અતિ પ્રાચીન વાર્તા છે... પણ એ કથામાં પરાપૂર્વથી દીકરીઓ વિશેનો આપણા સમાજનો પૂર્વગ્રહ એમાં દેખાઈ આવે છે. યુગો બદલાય છે, પણ સમાજની માનસિકતા બદલાતી નથી. આજેય દેશમાં  લાલચુ ડૉક્ટરો ‘પેંડા ખવડાવો’  કે ‘બરફી આપો’ જેવા કોડવર્ડથી સોનોગ્રાફી બાદ ભ્રૂણની જાતિ મા-બાપને જણાવી જ દે છે ને? લાખ નિયંત્રણો છતાં પણ બાળકીઓની ભ્રૂર્ણહત્યા થયે જ રાખે છેને?

 

‘દીકરી વ્હાલનો દરિયો’ કે ‘દીકરી એટલે દીકરી’ વગેરે પુસ્તકો અને ગળચટ્ટી વાતોની સામે આંકડાઓ નગ્ન સત્ય કહી દે છે. આજેય દીકરાઓની સંખ્યા સામે દીકરીઓની સંખ્યા કેરલમમાં વધુ છે. એની સામે હરિયાણામાં સૌથી ઓછું ક્ધયાઓનું પ્રમાણ છે... અને બાય ધ વે, આજે ‘ઇન્ટરનૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ છે.

 

એંડ-ટાઇટલ્સ:

આદમ : મને તારા જેવી દીકરી જોઈએ.

ઈવ : હજી વિચારી લે.