ભારતીય કૅપ્ટને હરીફ ટીમોને લલકારતાં કહ્યું, `અમારી ટીમે દરેક પ્રકારના પડકારનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે'
લંડનઃ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટી-20 ટીમ ઘણી અપેક્ષાઓ સાથે ઇંગ્લૅન્ડમાં આવી છે, પરંતુ યજમાન ટીમ સામે બીજી જૂને ભારતીય ટીમ ત્રણ મૅચની ટી-20 શ્રેણીમાં 1-2થી પરાજિત થતાં ટીમના જુસ્સાને થોડી વિપરીત અસર થઈ જ હશે. જોકે કૅપ્ટન હરમનપ્રીત આ આંચકા છતાં વર્લ્ડ કપ માટે એકદમ સકારાત્મક અભિગમ ધરાવે છે અને તેણે ત્યાં સુધી કહી દીધું છે કે નવ દિવસ પછી શરૂ થનારા વિશ્વ કપ માટે ભારતે અત્યારથી જ પ્લેઇંગ-ઇલેવન (Playing Eleven) નક્કી કરી રાખી છે.
ઇંગ્લૅન્ડમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ શુક્રવાર, 12મી જૂને શરૂ થશે અને એમાં ભારત (India)ની પ્રથમ મૅચ રવિવાર, 14મી જૂને (સાંજે 7.00 વાગ્યાથી) પાકિસ્તાન સામે રમાવાની છે. આ ટૂર્નામેન્ટ પહેલાં આઠમી અને દસમી જૂને ભારતની વૉર્મ-અપ મૅચ અનુક્રમે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડ સામે રમાશે. વર્લ્ડ કપમાં કુલ 12 દેશ ભાગ લેશે.
BCCI
ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલા ટીમની સૌથી મોટી અપેક્ષા 12 જૂનથી પાંચમી જુલાઈ સુધી ચાલનારા ટી-20 વર્લ્ડ કપ જીતવાની છે. ગયા વર્ષે નવેમ્બરમાં ભારતે પહેલી જ વખત વન-ડેનો વિશ્વ કપ જીતી લીધો ત્યાર પછી હવે ટી-20ની સર્વોચ્ચ ટ્રોફી જીતવા પણ હરમનપ્રીત અને તેની ટીમ મક્કમ છે. સ્મૃતિ મંધાના ટીમની વાઇસ-કૅપ્ટન છે. બૅટિંગમાં ટીમ પાસે શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ અને જેમિમા રૉડ્રિગ્સ પણ છે. બોલિંગમાં ભારતની ફોજમાં ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, નંદની શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરની, શ્રેયંકા પાટીલ, રાધા યાદવ અને રેણુકા સિંહ ઠાકુરનો સમાવેશ છે.
હરમનપ્રીતે પાકિસ્તાન સહિત તમામ 11 હરીફ ટીમોને લલકારતાં કહ્યું છે કે `અમારી ટીમે તમામ પ્રકારના પડકારોનો સામનો કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. વર્લ્ડ કપમાં અમારી પ્લેઇંગ-ઇલેવન કેવી હશે એ વિશે અમે અત્યારથી જ સ્પષ્ટ છીએ. હજી અમે બે વૉર્મ-અપ મૅચ રમવાનાં છીએ. અમે અહીંની કન્ડિશનને બહુ જલદી ઍડજસ્ટ થઈ રહ્યાં છીએ.' હરમનપ્રીતે સંકેત આપ્યો હતો કે ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ પહેલાંની બે વૉર્મ-અપ મૅચનો ઉપયોગ અન્ય કેટલાક કૉમ્બિનેશનની અજમાયશ માટે કરશે. આ પ્રૅક્ટિસ મૅચોમાં રાધા યાદવ અને ભારતી ફુલમાલી જેવી પ્લેયર્સને મોકો દેવા માટે પણ કરવામાં આવશે.
ઇંગ્લૅન્ડ સામે મંગળવારે પૂરી થયેલી ત્રણ મૅચની સિરીઝમાં ભારતે પ્રથમ મૅચ 38 રનથી જીતી લીધી ત્યાર બાદ બીજી મૅચમાં ભારતનો 26 રનથી અને ત્રીજી મૅચમાં છ વિકેટે પરાજય થયો હતો.