Wed Jun 03 2026

Logo

વસઈ સ્ટેશન પર ટ્રેનમાંથી ₹3.25 લાખનો ગેરકાયદે ગુટકા ઝડપાયો, બેની ધરપકડ

2026-06-03 18:45:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પશ્ચિમ રેલવેના વસઈ રોડ સ્ટેશન પર મૈસુર સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનમાંથી ટીમે ₹ 3.25 લાખની કિંમતનો પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે. પશ્ચિમ રેલવેની સુરક્ષા ટીમ દ્વારા મૈસુર સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેનમાંથી 3.25 લાખ જેટલી કિંમતનો ગુટકા અને અન્ય ટોબેકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

પ્રતિબંધિત ટોબેકો ઉત્પાદનોની ગેરકાયદે ચાલતી હેરાફેરીમાં અવારનવાર ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે. હાલમાં બનેલી ઘટનામાં વસઇ રોડ સ્ટેશન પરથી પશ્ચિમ રેલ્વેની ટીમ દ્વારા ટોબેકોનો 3.25 લાખનો જથ્થો ઝડપી પડ્યો હતો. ત્યાર બાદ અધિકારીઓ દ્વારા 1771 જેટલા ગુટખાના પેકેટનો જથ્થો આઠ પીવીસી પાઇપ બેગ અને 2 કેરિયરમાંથી પકડવામાં આવ્યો હતો. GRP દ્વારા ખાદ્ય સુરક્ષા અને રેલ્વે કાયદા અંતર્ગત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  

આ સર્ચ ઓપરેશન પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમ અને RPF દ્વારા મૈસુર સ્પેશ્યલ  એક્સપ્રેસ (ટ્રેન નં. 06282)માં હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં ટીમને SLRD કોચના નિરીક્ષણ દરમિયાન ગેરકાયદે હેરાફેરીમાં ગુટકા, પાન મસાલા અને અન્ય ટોબેકો આઈટ્મ્સ મળીને 3.25 લાખ કિંમતનો જથ્થો અલગ અલગ બેગ્સમાંથી મળી આવ્યા હતા. 
આ કેસ અંતર્ગત પકડાયેલા આરોપીમાં એક રોહિત મિશ્રા અને અન્ય પંકજ સાહુ નામના આ બે શખસ હેરાફેરીના મુખ્ય આરોપી હતા. પકડાયેલા જથ્થાની છૂટક કિંમત અંદાજે 3,25,678 રૂપિયા જેટલી હતી. 

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા. ત્યાર બાદ રેલવે અધિકારીઓની સાક્ષીએ વિગતવાર પંચનામું અને જપ્ત જથ્થાની નિરીક્ષણ યાદી તૈયાર કરવામાં આવી હતી. બાદમાં આગળની કાર્યવાહી અને પુછપરછ કરવા માટે જપ્ત કરાયેલો જથ્થો, આરોપીઓ અને ઘટના સબંધી ડોક્યુમેન્ટ્સ ગવર્મેન્ટ રેલ્વે પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.   

ભારતીય ન્યાય સંહિતા, 2023, ખાદ્ય સુરક્ષા અને ધોરણો, 2006 અને રેલવે એક્ટ , 1989 અંતર્ગત ઓપેરેશન દરમિયાન થયેલી ફરિયાદ અને પુરાવાઓના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. 3 જૂને FIR નોંધવામાં આવી હતી. આ ફરિયાદો કલમ 30 (2) (a), 58 અને 59ના ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ  અંતર્ગત દાખલ કરવામાં આવી હતી. અન્ય  ફરિયાદો કલમ 147, 155 અને 162 રેલવે એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી હતી.