Wed Jun 03 2026

Logo

જામનગરનો જબરો ક્રિકેટ-ફૅનઃ આરસીબી જીતી એટલે 20 કિલોની સાંકળ વીંટીને પગપાળા સોમનાથની જાત્રાએ નીકળ્યો

2026-06-03 18:40:27
Author: Ajay Motiwala
Article Image

જામનગરઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ની ટીમ 2024ની સાલ સુધી (17 વર્ષના આઇપીએલના ઇતિહાસમાં) એકેય ટાઇટલ નહોતી જીતી, પણ 2025માં પહેલી વખત અને હવે 2026માં સતત બીજી વખત ટ્રોફી જીતીને એના કરોડો ચાહકો માટે ચમત્કાર સર્જી દીધો છે ત્યારે એના અસંખ્ય ચાહકોમાં જામનગર (JAMNAGAR)ના ડાઇ-હાર્ડ ફૅનની વાત કંઈક નોખી જ છે.

વીરેન્દ્રસિંહ રાઠોડે બાધા પૂરી કરવા અનોખી યાત્રા શરૂ કરી છે. આરસીબીનો કૅપ્ટન રજત પાટીદાર ટી-20ના સૌથી મોટા આ રમતોત્સવનું બૅક-ટુ-બૅક ટાઇટલ જીતીને બે આઇપીએલ-લેજન્ડ રોહિત શર્મા અને એમએસ ધોનીની બરાબરીમાં આવી ગયો છે.

વીરેન્દ્રભાઈ (VIRENDRABHA) તો વિરાટ કોહલીના જબરા ફૅન છે અને યોગાનુયોગ વિરાટ જ રવિવારે અણનમ 75 રન બદલ મૅન ઑફ ધ ફાઇનલ બન્યો હતો. આરસીબી જીતી એટલે વીરેન્દ્રભાઈએ 20 કિલો વજનની લોખંડની સાંકળ શરીર પર કસીને બાંધી અને પછી પગપાળા સોમનાથ મહાદેવ સુધીના પ્રવાસે જવા રવાના થયા હતા.

વીરેન્દ્રભાઈ લાલપુર તાલુકાના ઝાખર ગામના રહેવાસી છે. રવિવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે વન-સાઇડેડ જેવી ફાઇનલમાં પાંચ વિકેટે વિજય મેળવ્યો ત્યારે વીરેન્દ્રભાઈની ખુશીનો પાર નહોતો. તેમણે આ ઐતિહાસિક જીતની ખુશીમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને એ પૂરી કરવા મક્કમ હતા.

આરસીબીના આ અનોખા ચાહકે ટીમની પૅટર્નવાળી જર્સી પહેરી અને પછી એના પર વજનદાર સાંકળ વીંટી દીધી. કહેવાય છેને કે `કોઈની જીત માટે અન્ય કોઈની પ્રાર્થના કે બંદગી પણ કોઈને કોઈ રીતે કામ કરી જતી હોય છે.' આરસીબીના કરોડો ચાહકો છે અને એમાં વીરેન્દ્રભાઈનો આ માનતાનો કિસ્સો સાવ જુદો છે.