Wed Jun 03 2026

Logo

રાજ્ય સરકાર અને સેંટ ઝેવિયર્સ વચ્ચે વિદ્યાર્થીઓ પિસાયા, બન્નેએ મેરિટ લિસ્ટ બહાર પાડ્યા

2026-06-03 19:15:01
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી (જીયુ) અને સેંટ ઝેવિયર્સ કોલેજ વચ્ચેના એડમિશન પ્રક્રિયા બાબતે ચાલી રહેલા વિવાદમાં વિદ્યાર્થીઓ પિસાયા હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર બંનેએ અલગ-અલગ મેરિટ લિસ્ટ જાહેર કરીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કર્યા બાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે, તેવા અહેવાલો બહાર આવી રહ્યા છે. 

મંગળવારે, ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (જીકાસ) પોર્ટલ દ્વારા ઉમેદવારોને બેઠકો ફાળવી હતી, જેમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વિકલ્પ પસંદ કરનારા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ કોલેજે પણ પોતાનું મેરિટ લિસ્ટ પ્રકાશિત કરી અને સ્વતંત્ર રીતે પ્રવેશ આપવાનું શરૂ કર્યું હતું. આથી વિદ્યાર્થીઓ-વાલીઓ મૂઝવણમાં મૂકાયા હતા. 
જીકાસ દ્વારા એડમિશન પ્રક્રિયા અંગે ઝેવિયર્સ અને સરકાર વચ્ચેનો મામલો કોર્ટમાં છે અને 8મી જૂને સુનાવણી હાથ ધરાશે, પરંતુ તે પહેલા ક્યા એડમિશન સ્વીકારવામાં આવશે, તે મામલે વિદ્યાર્થીઓ પરેશાન છે. 

દરમિયાન, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) ના પ્રતિનિધિઓએ કોલેજ વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં સંસ્થા અને રાજ્ય સરકાર બંનેને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા વિનંતી કરવામાં આવી હતી એનએસયુઆઈના સભ્યોએ જણાવ્યું હતું કે કોલેજ સત્તાવાળાઓએ સંકેત આપ્યો હતો કે 8 જૂને હાઈકોર્ટની સુનાવણી બાદ પ્રવેશ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા થઈ જશે. આ મામલે સેંટ ઝેવિયર્સના સૂત્રો સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.